Madhya Gujarat

સાસ્તાપુરમાં રસ્તો બનાવવાની સમય મર્યાદા પૂર્ણ છતાં કામ અધૂરું

મહુધા : ખેડા જિલ્લાના મહુધા તાલુકાના સાસ્તાપુર ગામના રહીશો માટે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ ફાળવેલ ગ્રાન્ટમાંથી રોડના કામમાં વેઠ ઉતારવામાં આવતા ગ્રામજનોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. રોડ કામગીરી પૂર્ણ કરવાની સમયમર્યાદા પૂર્ણ થયેલ છે છતાં પણ કામગીરી અધૂરી રહેતાં ગ્રામજનો સુવિધા મેળવી શક્યા નથી. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત જનતાને સડક ની સુવિધા માટે માતબર રકમની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે ત્યારે કોન્ટ્રાકટરોની બેદરકારીથી નાગરિકો હજુ સુધી સુવિધાનો લાભ મેળવી શકતા નથી. સાસ્તાપુર ગામે આવેલા સ્મશાનને જોડતા ઇન્દિરા નગરી વિસ્તાર ના રોડ નું કામ મંજુર કરવામાં આવ્યું હતું. જેમાં કોન્ટ્રાકટર નીલકંઠ કંપની દ્વારા આઠ માસની સમયમર્યાદા માં કામ પૂરું કરવાનું હતું. જે કામ હજુ સુધી પૂર્ણ કરવામાં આવ્યું નથી સ્મશાનમાં જતા ડાઘુંઓને પણ હેરાનગતિ ભોગવવી પડી રહી છે.

નીલકંઠ કંપની દ્વારા કામને પૂર્ણ કરવાના બોર્ડ માં લખેલા સમય 14 જુલાઈ 2023 દર્શાવેલ છે . આમ ચાર માસનો સમય થઇ ગયો છે. આમ છતાં રોડ નું કામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે.નડિયાદ આર એન્ડ બીના અધિકારી નું પેટ નું પાણી હાલતું નથી બીલો ચૂકવી દેવાયા હોવાની ચર્ચા વચ્ચે ઈજનેર દ્વારા ફાઇનલ બિલ ની પ્રક્રિયા કરી હોય તેમ જણાતું નથી. અથવા સાઈટ ની વિઝિટ કરી નથી એવુ સ્પષ્ટ સાબિત થઇ રહ્યું છે.

વિરોધના કારણે એજન્સીએ કામ કર્યું નથી
માર્ગ અને મકાન પંચાયતના ઈજનેર ભાવિકભાઈ જણાવ્યું હતું કે, ગ્રામજનોના વિરોધના કારણે એજન્સીએ કામ કર્યું નથી. જયારે ગામના પૂર્વ સરપંચ કૈલાસબેન પુરબીયાના પતિ ભરતભાઈ પુરબીયાએ એજન્સી ગરનાળુ બનાવીને રોડ બનાવવો જોઈએ એવી રજૂઆત કરી હતી. ચોમાસામાં જો ગરનાળુ બનાવ્યા વગર કામ કરવામાં આવે તો સરકારનો ખર્ચ વ્યર્થ જશે. એસ્ટીમેન્ટ બનાવતી વખતે આ બાબતનું ધ્યાન રાખવાની જરુર હતી. પરંતુ હવે આ બાબતે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે.

Most Popular

To Top