‘મોદી’‘જય બાંગલા’ અને ‘લાલ સલામ’ની ધૂમ
પશ્ચિમ બંગાળમાં આવનારી વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો શિખરે પહોંચ્યો છે. રાજકીય પક્ષો માત્ર પ્રચાર સભાઓ અને રેલીઓમાં જ નહીં, પરંતુ હવે મીઠાઈના બજારમાં પણ પોતાનો પ્રભાવ છોડી રહ્યા છે. કોલકાતાની જાણીતી મીઠાઈ દુકાનોમાં વિવિધ રાજકીય થીમ પર આધારીત મીઠાઈઓ તૈયાર કરવામાં આવી રહી છે, જે મતદાતાઓનું ધ્યાન ખેંચી રહી છે.
ચૂંટણીના માહોલને ધ્યાનમાં રાખીને, મીઠાઈ વેચાણકારો દ્વારા ખાસ પ્રકારની ‘રાજકીય મીઠાઈઓ’ રજૂ કરવામાં આવી છે. ભાજપ માટે કેસરિયા રંગની ‘મોદીશ્રી’, તૃણમૂલ કોંગ્રેસ (TMC) માટે લીલા રંગની ‘જય બાંગલા’ અને ડાબેરી પક્ષો માટે લાલ રંગની ‘લાલ સલામ’ નામની મીઠાઈઓ બજારમાં ઉપલબ્ધ છે. આ મીઠાઈઓ માત્ર સ્વાદ માટે નહીં પરંતુ રાજકીય સંદેશ પહોંચાડવા માટે પણ તૈયાર કરવામાં આવી છે.
દુકાનદારો જણાવે છે કે આ પ્રકારની મીઠાઈઓ બનાવવાનો વિચાર ગ્રાહકોની રસપ્રદ માંગ અને ચૂંટણીના વાતાવરણને ધ્યાનમાં રાખીને આવ્યો છે. ગ્રાહકો પણ ઉત્સાહપૂર્વક આ મીઠાઈઓ ખરીદી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં તેના ફોટા શેર કરી રહ્યા છે. મીઠાઈ વેપારીઓના જણાવ્યા મુજબ, ચૂંટણીના દિવસો દરમિયાન વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાજકીય થીમવાળી મીઠાઈઓ યુવાનોમાં વધુ લોકપ્રિય બની છે. આ ટ્રેન્ડ બતાવે છે કે ચૂંટણી હવે માત્ર મતદાન પૂરતી સીમિત નથી રહી, પરંતુ લોકોના દૈનિક જીવન અને વ્યવસાયમાં પણ તેની અસર જોવા મળી રહી છે.
વિશેષ નોંધનીય છે કે રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાઓ પણ કડક બનાવવામાં આવી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં સુરક્ષા દળોની તૈનાતી કરવામાં આવી છે. બીજી તરફ, વેપારીઓ આ તહેવારી માહોલનો લાભ લઈ નવા પ્રયોગો કરી રહ્યા છે.આ રીતે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો જોર માત્ર રાજકીય મંચ સુધી સીમિત નથી, પરંતુ મીઠાઈઓના સ્વાદમાં પણ રાજકીય રંગ ભળતા જોવા મળી રહ્યા છે, જે લોકશાહીનો અનોખો અને રસપ્રદ પાસો રજૂ કરે છે.