Vadodara

ચૂંટણી અને વેરા બહિષ્કારની ચીમકી બાદ તંત્ર દોડતું થયું

વડોદરા: વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલી પંચાલ નગર સોસાયટીમાં છેલ્લા ત્રણ માસથી દૂષિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિક નાગરિકો દ્વારા ચૂંટણી અને વેરાના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.જેને કારણે પાલિકા તંત્ર દોડતું થયું હતું અને રાતોરાત મરામતની કામગીરી શરૂ કરી હતી. ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ થયો હોવા છતાં વડોદરા મહાનગરપાલિકા તંત્ર વેરો વસૂલ્યા બાદ પણ લોકોને પૂરતી પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીકળ્યું હોય તેમ સ્પષ્ટ લાગી રહ્યું છે.શહેરના આજવા રોડ ઉપર આવેલ પંચાલ નગર સોસાયટીમાં છેલ્લા ત્રણ મહિનાથી સ્થાનિક રહીશો દૂષિત અને ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે.

આ અંગે સ્થાનિક કાઉન્સિલર વોર્ડ કચેરી ખાતે અનેકો વખત રજૂઆત કરી હોવા છતાં પણ તંત્રના પેટનું પાણી હાલ્યું નથી.જ્યારે સોસાયટીના રહીશો દ્વારા રજૂઆત ફરિયાદ કરવામાં આવે ત્યારે તંત્ર દ્વારા માત્ર ખાડા ખોદીને દેખાડા પૂરતી કામગીરી કરી ચાલતી પકડતા હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા હતા.દૂષિત પાણીને કારણે રોગચાળો વકર્યો હોવા છતાં આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પગલા ભર્યા નહીં હોવાના સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યા હતા.

ગઈકાલે પંચાલ નગર સોસાયટીના સ્થાનિક રહીશોએ પીવાના પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઊઠી ચૂંટણી અને વેરાના બહિષ્કારની ઘોષણા કરતા પાલિકા તંત્ર દોડતું થયું હતું અને રાતોરાત કામગીરી શરૂ કરવામાં આવી હતી.જોકે સ્થાનિક લોકોએ ટેન્કર દ્વારા પાણીના વિતરણમાં પણ કેટલીક ક્ષતિઓ જણાવી વહેલી તકે તેમની સમસ્યાઓ અંત આવે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top