Vadodara

કર્મીઓ માસ CL પર જતા કચેરીઓમાં સન્નાટો

વડોદરા: મહેસુલી કર્મચારીઓને જૂની પેન્શન યોજના ફિક્સ પગાર યોજના 2012ની બેચના નાયબ મામલતદારોની સિનિયોરીટી ક્લાર્કમાંથી નાયબ મામલતદાર અને નાયબ મામલતદાર માંથી મામલતદાર તરીકે પ્રમોશન આપવા સહિતના મહેસૂલી કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ આવતો ન હોવાથી રાજ્ય મહેસુલી કર્મચારી મંડળ દ્વારા સરકાર સામે મોરચો માંડ્યો છે.ત્યારે આજે વડોદરાના મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જતા કચેરીઓ ખાલી ખમ નજરે પડી હતી.જ્યારે જરૂરી કામ અર્થે આવેલા અરજદારો અટવાયા હતા.

વડોદરામાં મહેસુલ વિભાગના કર્મચારીઓ,તલાટી અને નાયબ મામલતદાર કક્ષાના કર્મચારીઓ તેમજ સરકારી કર્મચારી મહામંડળના કર્મચારીઓ પડતર માંગણીઓને લઇને આજે માસ સીએલ પર ઉતરી ગયા હતા. જેના કારણે સરકારી ઓફિસમાં કર્મચારીઓની ટેબલ- ખુરશીઓ ખાલી જાેવા મળી હતી. તેમજ અરજદારોના પોતાના કામ પૂર્ણ નહીં થતાં ધરમધકકા ખાવાનો વારો આવ્યો હતો.વડોદરા શહેર-જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્ય ખાતે વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓ છેલ્લાં કેટલાક દિવસોથી પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલનના માર્ગે ઉતરી ગયા છે.

જેમાં વડોદરા શહેર-જીલ્લાના કર્મચારી મહામંડળના નેજા હેઠળ સરકારી કર્મચારીઓ આજરોજ માસ સીએલ પર ઉતરી જતા અરજદાર નાગરિકોએ વિવિધ સરકારી કામકાજ માટે ધક્કા ખાવાનો વારો આવ્યો હતો.વિવિધ પ્રકારની સરકારી કામગીરી ઠપ્પ થઈ જતાં સોમવારે જીલ્લા કલેકટરની વિવિધ કચેરીઓ કર્મચારીઓ અને અધિકારીઓ વગર સૂમસામ દેખાતી હતી.મહેસુલ વિભાગ સહિત વિવિધ વિભાગના કર્મચારીઓ આજે નોકરીએ ન ચડતા સપ્તાહના પ્રથમ દિવસે જ સરકારી કામકાજને અસર થઈ હતી.અને તમામ કચેરીઓમાં ટેબલ ખુરશીઓ ખાલી જાેવા મળતાં અરજદારો અને અન્ય વ્યક્તિઓ કર્મચારીઓની ગેરહાજરીના કારણે અટવાઈ પડ્યા હતા.અન્ય કર્મચારીઓની જેમ આ કર્મચારીઓએ પણ જો સરકાર તેઓની માંગનો ત્વરિત અને યોગ્ય ઉકેલ નહીં લાવે તો આગામી દિવસોમાં વધુ જલદ આંદોલન અને ઉગ્ર દેખાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

અરજદારોને હાલાકી વેઠવી પડી
સરકારી ધારાધોરણ મુજબ કોઈપણ અપીલના નિકાલ માટે 90 દિવસનો સમયગાળો સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવ્યો છે.પરંતુ તેઓની અપીલની કામગીરીમાં 180 દિવસ જેટલો લાંબો સમય થઈ ગયો હોવા છતાં પણ અરજીનો કોઈ નિકાલ નહીં થતાં માત્ર ધક્કા ખાવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી.જેમાં આજરોજ સરકારી કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જતા વધુ એક ધક્કો ખાવાનું વારો આવ્યો છે. -અરજદાર

Most Popular

To Top