Comments

હિંદુઓની શકિતને પારખવાનો નાનકડો પ્રયાસ

ભારતીય રાષ્ટ્રીય કૉન્ગ્રેસ તેના અસ્તિત્વના સંકટનો સામનો કરી રહી છે. આવું સંકટ કૉન્ગ્રેસે ૧૯૦૭ નાં સુરત અધિવેશન પછી જોયું હતું, પરંતુ એ યુગ જુદો હતો અને તેના પ્રશ્નો જુદા હતા. અત્યારની કૉન્ગ્રેસ સત્તાલક્ષી રાજકીય પક્ષ છે એટલે તે ઓછી ખપની છે એવું નથી. લોકતંત્રમાં નાગરિકોને રાજકીય વિકલ્પ મળવો જોઈએ અને તો જ લોકતંત્ર ટકી શકે એ આપણે જાણીએ છીએ, પરંતુ અત્યારે સ્થિતિ એવી છે કે દેશનાં નાગરિકોને વૈચારિક વિકલ્પની પણ જરૂર છે અને એ જરૂરિયાત ઘણી મોટી છે. સત્તાકીય વિકલ્પ લોકતાંત્રિક સંતુલન માટે જરૂરી છે, જ્યારે વૈચારિક વિકલ્પ સામાજિક સન્તુલન માટે જરૂરી છે.

આઝાદીની લડત વખતે કૉન્ગ્રેસના નેતાઓએ વિચાર્યું હતું કે દેશનું ભવિષ્ય સામાજિક સન્તુલન જાળવી રાખવામાં છે અને એ જો જાળવી રાખવું હોય તો સહિયારા ભારત સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એવું ભારત જેમાં ધર્મ, ભાષા કે એવી બીજી કોઈ ઓળખના આધારે ભેદભાવ કરવામાં ન આવે. જ્યાં ભેદભાવ હોય ત્યાં બહુમતી કોમની દાદાગીરી હોય અને જ્યાં એક કોમની દાદાગીરી હોય ત્યાં સંઘર્ષ હોય. ઝઘડતી પ્રજા ક્યારેય બે પાંદડે ન થઈ શકે. ઝઘડતો પરિવાર બે પાંદડે ન થઈ શકે અને વડીલોના ડહાપણના પરિણામે બે પાંદડે થયો પણ હોય તો ઝઘડતા વારસો તેને બરબાદ કરી નાખે. આ સનાતન સત્ય છે અને આધુનિક યુગમાં જગતમાં રાજ્યોનાં (નેશન) જેટલાં મોડેલ જોવા મળતાં હતાં તેમાં સૌથી સફળ મોડેલ સહિયારા સંતુલિત રાજ્યના જોવા મળતા હતા. માટે કૉન્ગ્રેસના નેતાઓએ સહિયારા ભારતનો વિકલ્પ પસંદ કર્યો હતો. ભારતની પ્રચંડ વિવિધતા જોતાં ભારત માટે એ વધારે ઉપયુક્ત હતો.

પણ એની સામે કેટલાક હિંદુઓને એમ લાગતું હતું કે કમસેકમ હવે આઝાદી પછી હિંદુઓને સરસાઈ મળવી જોઈએ. સાવ એકસરખાપણું ન ચાલે. કાયર અને પરાજીત પ્રજાનું જે કલંક હિંદુ પ્રજાને લાગેલું છે એ આધુનિક લોકતંત્રમાં સંખ્યાની તાકાત દ્વારા ભૂંસવું હોઈએ. દેશનું ભાગ્યવિધાન હવે હિંદુઓ કરશે અને તેનો એ હક છે. પહેલી વાર લોહી રેડ્યા વિના આવો મોકો મળી રહ્યો છે એટલે એ ગુમાવવો ન જોઈએ. આવી કલ્પનાનો પણ એક રોમાંચ હતો અને છે એટલે કેટલાક હિંદુઓએ આધુનિક યુગમાં લોકશાહીના માર્ગે એટલે કે સંખ્યાના જોરે હિંદુ સરસાઈવાળા હિંદુ રાષ્ટ્રની કલ્પના કરી હતી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેની રાજકીય પાંખ ભારતીય જનસંઘ/ભારતીય જનતા પક્ષ આને વરેલા છે.એ સમયે બહુમતી હિંદુઓએ સહિયારા ભારતની કલ્પના સ્વીકારી એટલે અત્યારે જે બંધારણીય ભારત અસ્તિત્વ ધરાવે છે એ આકાર પામ્યું. આનો અર્થ એ નથી કે પ્રત્યેક હિંદુને સહિયારું ભારત કબૂલ હતું. ઘણી મોટી સંખ્યામાં હિંદુઓ હતા જેને સહિયારું-સંતુલિત ભારત કબૂલ નહોતું અને તેઓ હિન્દુત્વવાદી રાજકારણનું સમર્થન કરતા હતા.

જ્યારે લોકતાંત્રિક, સેક્યુલર, સહિયારા સ્વતંત્ર ભારતનાં શ્રી ગણેશ બાજોઠે મંડાયાં ત્યારે જ તેનો વિરોધ કરનારો હિંદુઓનો એક વર્ગ અને તેની રાજકીય અભિવ્યક્તિનો રાજકીય મંચ અસ્તિત્વમાં હતા. તેમને સહિયારું ભારત કબૂલ નહોતું એ ઉઘાડી વાત હતી. તેમણે એ વાત છુપાવી પણ નહોતી અને તેમણે લોકશાહીનો ઉપયોગ કરીને લોકશાહી માર્ગે હિંદુ સરસાઈ ધરાવનારા ભારતની રચના કરવા રાજકીય પક્ષ રચ્યો હતો. એ તો સાદી સમજની વાત છે કે હિંદુ સરસાઈવાળું હિંદુ રાષ્ટ્ર ત્યાં સુધી અસ્તિત્વમાં ન આવી શકે જ્યાં સુધી બંધારણ બદલવામાં ન આવે, કારણ કે બંધારણમાં સહિયારા ભારતની કલ્પના કરવામાં આવી છે.

બન્યું એવું કે કોન્ગ્રસે સત્તા ટકાવી રાખવા અને બીજું કોઈ સત્તા સુધી પહોંચી ન શકે એ માટે લઘુમતી કોમને ગાજર બતાવીને સહિયારા ભારતની પવિત્ર કલ્પના સાથે ચેડાં કરવા માંડ્યાં. આને કારણે હિંદુઓની અંદર ધીરે ર્ધીરે આવો અવળો પક્ષપાત જોઇને નારાજગીની ભાવના પેદા થવા લાગી. બીજી બાજુ કૉન્ગ્રેસનો ગઢ તૂટતો નહોતો એ જોઇને નિરાશ થયેલા વિરોધ પક્ષના નેતાઓ વિચારનિષ્ઠા બાજુએ મૂકીને સમાધાનો કરવા માંડ્યા અને એમાં તેમણે જન સંઘ/ ભારતીય જનતા પક્ષનો પણ સાથ લેવા માંડ્યો અને આપવા માંડ્યો. સહિયારા સેક્યુલર ભારતને વરેલા વિરોધ પક્ષોના હતાશાગ્રસ્ત નેતાઓને એટલું ભાન ન રહ્યું કે તેઓ જેને મદદ કરી રહ્યા છે અને મદદ માગી રહ્યા છે તેમને તેમની કલ્પનાનું સહિયારું ભારત સ્વીકાર્ય નથી. સત્તાના રાજકારણમાં ટકી રહેવા માટે અને સત્તા સુધી પહોંચવા માટે અનુક્રમે કૉન્ગ્રેસે અને અન્ય સેક્યુલર વિરોધ પક્ષોએ પ્રજા સાથે વિશ્વાસઘાત અને રાષ્ટ્ર સાથે બંધારણઘાત કર્યો હતો. આનાં પરિણામ સામે છે.

સામાન્ય પ્રજાની વાત કરીએ તો આઝાદી પહેલાંથી હિંદુઓનો એક વર્ગ હિંદુ સરસાઈવાળા ભારતની કલ્પનાનું રોમાંચ અનુભવતો હતો. એ વર્ગ પ્રમાણમાં નાનો હતો. એમાં કૉન્ગ્રેસનું અવળા પક્ષપાતવાળું રાજકારણ અને વિરોધ પક્ષનું સિદ્ધાંતહીન રાજકારણ જોઇને નારાજ થયેલા થોડા હિંદુઓનું ઉમેરણ થયું હતું. મૂળ હિન્દુત્વવાદીઓ અને ઉમેરાયેલા નારાજ હિંદુઓએ મળીને ભાજપને આજની સ્થિતિએ પહોંચાડ્યો છે. એ વાત ન ભૂલવી જોઈએ કે હિંદુ ઉમેરણ કરી આપવાનું પાપ કૉન્ગ્રેસે અને બીજા રાજકીય પક્ષોએ કર્યું છે, પણ એમાં સૌથી મોટું પાપ કૉન્ગ્રેસનું છે.

સામાન્ય હિંદુ પ્રજાને લાગેવળગે છે ત્યાં સુધી આજે જે સ્થિતિ પેદા થઈ છે તેનો આ એક પક્ષ છે. બીજો વધારે મહત્ત્વનો પક્ષ એ છે કે કૉન્ગ્રેસના પક્ષપાત છતાંય, પ્રજાકીય સન્તુલન સાથે ચેડાં કર્યા હોવા છતાંય, કૉન્ગ્રેસમાં પરિવારવાદ હોવા છતાંય, ભષ્ટાચાર છતાંય અને બીજા સેક્યુલર રાજકીય પક્ષોએ ભદ્દા સમાધાનો કર્યાં હોવા છતાંય બહુમતી હિંદુઓએ સહિયારા સંતુલિત બંધારણીય ભારતમાંની નિષ્ઠા ગુમાવી નથી. હતાશ થવા માટે અને ગુસ્સો કરવા માટે પર્યાપ્ત કારણો હોવા છતાંય આજે પણ દસમાંથી કમસેકમ છ હિંદુઓ એવા છે જેમને હિંદુ સરસાઈવાળું હિંદુ રાષ્ટ્ર સ્વીકાર્ય નથી. કાળાં વાદળમાં રૂપેરી કોર આ છે. હિંદુ રાષ્ટ્રવાદીઓનો મુકાબલો આજે રાજકીય સ્તરે ભલે જોઈએ એટલા પ્રમાણમાં ન થતો હોય, નાગરિક સ્તરે પ્રચંડ પ્રમાણમાં થઈ રહ્યો છે અને પૂરી નિષ્ઠા સાથે થઈ રહ્યો છે. એકલા એકલા અદના હિંદુઓ હિંમતપૂર્વક ઝઘડી રહ્યા છે. કોઈ આધાર નહીં હોવા છતાં, પોતાની તાકાતે. સરકાર રાજદ્રોહના કાયદાનો દુરુપયોગ રાજકીય પક્ષો સામે નથી કરી રહી, વિવેકી હિંદુઓ સામે કરી રહી છે. તેમને ડરાવવા અને અંકુશમાં રાખવા જરૂરી છે. હિંદુરાષ્ટ્ર સામે ખરો ભય ક્યાંથી છે એ તેઓ જાણે છે.

આ એક મૂક પણ પ્રચંડ શક્તિ છે જેનો રાજકીય ઉપયોગ કરવો જોઈએ. કૉન્ગ્રેસે અને બીજા રાજકીય પક્ષોએ સામાધાનોવાળું અનીતિનું રાજકારણ કર્યું હોવા છતાંય ૬૦ ટકા હિંદુઓ હજુય તેમની પડખે ઊભા છે અને ઊભા રહેવા તૈયાર છે. આ સંખ્યાની શક્તિ નથી, વિવેકની શક્તિ છે અને વિવેકની શક્તિ વધારે પવિત્ર હોય છે. આ પાવક જ્વાળા છે. પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર એ સનાતન સત્ય આવા વિવેકી હિંદુઓ સમજે છે. પરમેશ્વરનો અર્થ અહીં કલ્યાણ કરો. તેઓ દેશહિતમાં, તેમના પોતાના હિતમાં અને પોતાનાં સંતાનોના હિતમાં નિરાશાજનક સ્થિતિમાં પણ વિવેક જાળવીને બેઠા છે અને તેને છોડતા નથી. કલ્પના કરો આ કેટલી મોટી શક્તિ છે કેટલી રચનાત્મક શક્તિ છે! કૉન્ગ્રેસની ઉદયપુરની ચિંતનશિબિરની જો કોઈ ઉપલબ્ધિ હોય તો એ એટલી જ કે તેમાં બહુમતી હિંદુઓની આ વિવેકપૂર્ણ રચનાત્મક શક્તિને પારખવાનો પ્રયત્ન કોંગ્રેસપતન પછી પહેલી વાર પ્રયાસ કર્યો છે. આ તો એક નાનકડો પ્રયાસ છે, મંઝિલ બહુ લાંબી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top