ગાંધીનગર: વધતી જતી કાળઝાળ ગરમી અને હીટવેવની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે નાગરિકો માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હવામાન વિભાગ જ્યારે પણ ‘રેડ એલર્ટ’ જાહેર કરે, ત્યારે તેને માત્ર ગરમી નહીં પરંતુ સ્વાસ્થ્ય માટેની ગંભીર ચેતવણી તરીકે લેવી જરૂરી છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો, બીમાર લોકો અને બહાર કામ કરતા શ્રમિકો માટે આ સ્થિતિ જોખમી સાબિત થઈ શકે છે. સરકારે લોકોને દિવસ દરમિયાન દર 20 થી 30 મિનિટે પૂરતું પાણી પીવાની સલાહ આપી છે. સાથે જ છાશ, નારિયેળ પાણી, લીંબુ સરબત અને વરીયાળીના શરબત જેવા કુદરતી પીણાં લેવાની ભલામણ કરવામાં આવી છે જેથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જળવાઈ રહે. હળવા રંગના, સુતરાઉ અને ઢીલા કપડાં પહેરવા તેમજ બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન સીધા સૂર્યપ્રકાશમાં બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે. જો બહાર જવું જ પડે તો માથું અને કાન રૂમાલ કે કપડાથી ઢાંકવાની સલાહ આપવામાં આવી છે.
હીટ સ્ટ્રોકના લક્ષણો શું?
સરકારે હીટ સ્ટ્રોકના મુખ્ય લક્ષણોમાં ખૂબ ઊંચો તાવ, અસહ્ય માથાનો દુખાવો, ચક્કર આવવા, ઊબકા-ઉલટી થવી અને ત્વચા લાલ તથા સૂકી થઈ જવી જેવા લક્ષણો ગણાવ્યા છે.
લૂ લાગે તો શું કરવું?
અસરગ્રસ્ત વ્યક્તિને તરત જ છાંયડામાં અથવા ઠંડી જગ્યાએ ખસેડવી, શરીર પર ઠંડા પાણીના પોતાં મૂકવા અને જો વ્યક્તિ ભાનમાં હોય તો ધીમે ધીમે પાણી અથવા ORS પીવડાવવું. જરૂર પડે તો તરત જ 108 એમ્બ્યુલન્સ સેવા અથવા નજીકના દવાખાનાની મદદ લેવાની અપીલ કરવામાં આવી છે.
સામાજિક જવાબદારી નિભાવવાની અપીલ
સરકારે નાગરિકોને પક્ષીઓ અને પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરવા અપીલ કરી છે. રસ્તા પર ગરમીથી બેભાન હાલતમાં કોઈ વ્યક્તિ દેખાય તો માનવતાના ધોરણે મદદ કરવા અને ગામડાઓમાં પશુઓને ઠંડકવાળી જગ્યાએ રાખવાની પણ સલાહ આપવામાં આવી છે.