ગાંધીનગર: કેન્દ્ર સરકારની કેબિનેટ કમિટી ઑન ઇકોનોમિક અફેર્સે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુજરાત માટેના મહત્ત્વાકાંક્ષી અમદાવાદ-ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. અંદાજે રૂ.20,667 કરોડના ખર્ચે બનનારો આ પ્રોજેક્ટ ભારતીય રેલવેનો પ્રથમ સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ બનશે, જે સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજી પર આધારિત હશે. આ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદના સરખેજથી ધોલેરા સુધી અંદાજે 134 કિલોમીટર લાંબી ડબલ રેલલાઇન વિકસાવવામાં આવશે. ટ્રેન 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે, જેના કારણે અમદાવાદથી ધોલેરા વચ્ચેની પ્રવાસ માત્ર 40 મિનિટમાં પૂર્ણ થઈ શકશે. કેન્દ્ર સરકારના આયોજન મુજબ આ પ્રોજેક્ટ 2030-31 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ કેબિનેટ બેઠક બાદ માહિતી આપતા જણાવ્યું હતું કે કુલ રૂ. 3.18 લાખ કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં આવી છે, જેમાં અમદાવાદ-ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ સૌથી મહત્ત્વપૂર્ણ ગણાય છે. આ નવી રેલલાઇન અમદાવાદને ધોલેરા સ્પે. ઈન્વેસ્ટમેન્ટ રિજીયન , આગામી ધોલેરા એરપોર્ટ અને લોથલ નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્સ સાથે ઝડપી રીતે જોડશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રોજિંદા મુસાફરો માટે સરળ કમ્યુટિંગ અને એક જ દિવસે આવ-જા શક્ય બનશે. ખાસ કરીને ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી અને દેશમાં ઉભરી રહેલા સેમિકન્ડક્ટર ઉદ્યોગોને આ પ્રોજેક્ટથી મોટો ફાયદો મળશે. ધોલેરામાં દેશનો પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ વિકસાવવામાં આવી રહ્યો છે અને સમગ્ર વિસ્તારને ગ્લોબલ ઇન્ડસ્ટ્રિયલ હબ તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે. ઝડપી રેલ કનેક્ટિવિટી ઉદ્યોગો, રોકાણકારો અને વેપાર માટે ગેમચેન્જર સાબિત થશે તેવી અપેક્ષા છે.
ગુજરાતના આશરે 284 ગામને સીધી કનેક્ટિવિટી મળશે
આ પ્રોજેક્ટથી ગુજરાતના આશરે 284 ગામને સીધી કનેક્ટિવિટી મળશે, જ્યાં અંદાજે 5 લાખ લોકો વસે છે.પર્યાવરણને ધ્યાનમાં રાખીને પણ આ પ્રોજેક્ટને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. રેલવે દ્વારા દર વર્ષે અંદાજે 0.48 કરોડ લિટર ઇંધણની બચત થશે અને લગભગ 2 કરોડ કિલોગ્રામ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે, જે 10 લાખ વૃક્ષોના વાવેતર સમાન ગણાય છે. કેન્દ્ર સરકારનું માનવું છે કે અમદાવાદ-ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપશે અને “આત્મનિર્ભર ભારત”ના વિઝનને વધુ મજબૂત બનાવશે.