ગત વર્ષની સરખામણીએ કપાસમાં રૂ. ૫૫૭, તલમાં રૂ. ૫૦૦, તુવેરમાં રૂ. ૪૫૦ અને મગફળીમાં રૂ. ૨૫૪ પ્રતિ ક્વિ. ભાવ વધારો વાવેતર પહેલાં જ MSP જાહેર થતા ખેડૂતોને મળશે આગોતરું આયોજન કરવાનો લાભ
ગાંધીનગર,
ખેડૂતો માટે રાહતના સમાચાર વચ્ચે કેન્દ્ર સરકારે વર્ષ 2026-27 માટે ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) જાહેર કરી દીધા છે. વાવેતરની શરૂઆત પહેલાં જ ટેકાના ભાવ જાહેર થતાં હવે ખેડૂતો પોતાના પાક અને ખેતીનું આગોતરું આયોજન સરળતાથી કરી શકશે.કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા ટેકાના ભાવોમાં ગુજરાતના મુખ્ય પાકો કપાસ, મગફળી, તલ અને તુવેરમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ કપાસ (લંબતારી)માં પ્રતિ ક્વિન્ટલ રૂ. 557, તલમાં રૂ. 500, તુવેરમાં રૂ. 450 અને મગફળીમાં રૂ. 254નો વધારો કરવામાં આવ્યો છે.
રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સમયસર ટેકાના ભાવ જાહેર કરવા બદલ પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણનો રાજય સરકાર અને રાજ્યના ખેડૂતો વતી આભાર વ્યક્ત કર્યો છે.તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તેમજ ખેતીના વધતા ખર્ચ સામે આર્થિક સુરક્ષા મળી રહે તે હેતુથી ટેકાના ભાવોમાં વધારો કરવામાં આવ્યો છે.
વર્ષ 2026-27 માટે જાહેર કરાયેલા ખરીફ પાકોના ટેકાના ભાવ
વર્ષ 2026-27 માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) મુજબ મગફળીનો ભાવ રૂ. 7,517 પ્રતિ ક્વિન્ટલ, કપાસ (લંબતારી)નો રૂ. 8,667 પ્રતિ ક્વિન્ટલ, ડાંગરનો રૂ. 2,441 પ્રતિ ક્વિન્ટલ, જુવારનો રૂ. 4,023 પ્રતિ ક્વિન્ટલ, બાજરીનો રૂ. 2,900 પ્રતિ ક્વિન્ટલ, રાગીનો રૂ. 5,205 પ્રતિ ક્વિન્ટલ, મકાઈનો રૂ. 2,410 પ્રતિ ક્વિન્ટલ, તુવેરનો રૂ. 8,450 પ્રતિ ક્વિન્ટલ, મગનો રૂ. 8,780 પ્રતિ ક્વિન્ટલ, અડદનો રૂ. 8,200 પ્રતિ ક્વિન્ટલ, સોયાબીનનો રૂ. 5,708 પ્રતિ ક્વિન્ટલ તેમજ તલનો રૂ. 10,346 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે.કેન્દ્ર સરકાર દર વર્ષે ખરીફ અને રવિ પાકોના વાવેતર પહેલાં ટેકાના ભાવ જાહેર કરતી હોય છે, જેથી ખેડૂતો પાકની પસંદગી અને ખેતી માટે આગોતરું આયોજન કરી શકે.ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા નિષ્ણાતોનું માનવું છે કે MSPમાં થયેલો વધારો ખેડૂતોને પ્રોત્સાહન આપશે અને કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન વધારવામાં પણ મદદરૂપ બનશે. ખાસ કરીને ગુજરાતમાં મગફળી અને કપાસના ખેડૂતો માટે આ વધારો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.