ઈંધણ બચત, વર્ક ફ્રોમ હોમ અને બિનજરૂરી ખર્ચ ઘટાડવા ગુજરાતના ટોચના નેતાઓના મોટા નિર્ણયો
ગાંધીનગર,તા.13
પીએમ નરેન્દ્ર મોદી દ્વારા દેશને ‘આર્થિક આત્મરક્ષા’ અને ઈંધણ બચત માટે કરાયેલી અપીલનો ગુજરાતમાં વ્યાપક પડઘો પડ્યો છે. “યથા રાજા તથા પ્રજા”ની ઉક્તિને સાર્થક કરતા રાજ્યના રાજ્યપાલથી લઈને મુખ્યમંત્રી અને મંત્રીઓ સુધીના નેતાઓએ સાદગી અને કરકસર તરફ મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે. ઈંધણ બચત, સરકારી ખર્ચમાં ઘટાડો અને પર્યાવરણ સંરક્ષણને કેન્દ્રમાં રાખીને હવે ગુજરાતમાં નવા પ્રકારની વહીવટી કાર્યસંસ્કૃતિ વિકસતી જોવા મળી રહી છે.
રાજુલામાં સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી પહેલ
રાજ્યના મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજુલાની મુલાકાત દરમિયાન પોતાના કોન્વોયમાંથી 10 કરતા વધુ વાહનો દૂર કરાવી સાદગીનો સંદેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ સ્પષ્ટ સંકેત આપ્યો કે બિનજરૂરી વાહનોના ઉપયોગથી બચીને ઈંધણની બચત કરવી સમયની માંગ બની ગઈ છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હવે ST બસ અને ટ્રેનમાં કરશે મુસાફરી
આચાર્ય દેવવ્રતે પણ સાદગીનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા હવેથી હેલિકોપ્ટર અને હવાઈ મુસાફરીને બદલે ST બસ અને ટ્રેનમાં મુસાફરી કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં અઠવાડિયામાં એક દિવસ “કમ્બશન એન્જિન મુક્ત દિવસ” મનાવવાની જાહેરાત કરી છે. આ દિવસે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માત્ર સાયકલ અથવા ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરશે.
હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો
રાજ્યના ડે સીએમ હર્ષ સંઘવીએ પણ પીએમ મોદીની અપીલને માન આપી પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો છે. તેઓ અમેરિકામાં યોજાનારા ગુજરાતી કન્વેન્શનમાં હાજરી આપવાના હતા, પરંતુ રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપતા તેમણે દેશમાં રહી ઈંધણ અને વિદેશી મુદ્રાની બચત કરવાનો નિર્ણય લીધો છે.
સી.આર. પાટીલ અને પ્રફુલ પાનસેરિયાનો પાયલોટિંગનો ત્યાગ
કેન્દ્રીય મંત્રી સી આરલ પાટીલ અને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા પણ સુરક્ષાના કાફલા અને પાયલોટિંગ વાહનોનો ઉપયોગ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે તેઓ સામાન્ય નાગરિકોની જેમ મુસાફરી કરશે, જેના કારણે સરકારી ખર્ચ અને ઈંધણ બંનેમાં બચત થશે.
પોલીસ વિભાગમાં પણ કરકસરનું મિશન
ગુજરાત પોલીસ વડા ડૉ કે એલ એન રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી ઈંધણ અને સરકારી સંસાધનોની બચત માટે મહત્વપૂર્ણ આદેશો આપ્યા છે.તેમણે જણાવ્યું હતું કે એસ્કોર્ટ અને પાયલોટિંગની સુવિધા હવે માત્ર નિયત કેટેગરીના મહાનુભાવોને જ મળશે. સામાન્ય સંજોગોમાં ગાઈડ કાર અને પાયલોટિંગ ટાળવાની સૂચના આપવામાં આવી છે. શહેરી વિસ્તારમાં મોટરબાઈક અને હાઈવે પર જરૂર પડે ત્યાં જ ફોર-વ્હીલરનો ઉપયોગ કરાશે.
હવે વીડિયો કોન્ફરન્સથી જ થશે મીટિંગો
પોલીસ વિભાગમાં તમામ પ્રકારની મીટિંગો અને ક્રાઈમ કોન્ફરન્સ ફરજિયાત વીડિયો કોન્ફરન્સથી યોજવા સૂચના આપવામાં આવી છે. કોર્ટના કામકાજ અને સરકારી વકીલો સાથેની ચર્ચા માટે પણ રૂબરૂ જવાને બદલે ટેલિફોનિક અથવા ઓનલાઈન માધ્યમનો ઉપયોગ કરવા જણાવાયું છે.’ન્યાયશ્રુતિ’ પ્રોજેક્ટ હેઠળ ઓનલાઈન વીડિયો કોન્ફરન્સ મારફતે સાક્ષી અને જુબાની આપવાની પ્રક્રિયાને પણ પ્રાધાન્ય આપવામાં આવશે જેથી સમય અને ઈંધણ બંનેની બચત થઈ શકે.
ગુજરાતમાં વર્ક ફ્રોમ હોમ પર વિચારણા
શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે શક્ય હોય ત્યાં કોર્પોરેટ ક્ષેત્રમાં વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપવા માટે એસોસિયેશનો સાથે ચર્ચા કરવામાં આવશે. પેટ્રોલ-ડીઝલ બચત માટે ઓનલાઈન કાર્યપદ્ધતિને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે.
ગુજરાત સહિત દેશભરમાં શરૂ થયેલું આ “આર્થિક આત્મરક્ષા” અભિયાન હવે માત્ર સરકારી પગલાં પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ સંસાધનોના સમજદારીપૂર્વક ઉપયોગ અને સાદગીભર્યા જીવન તરફનું એક નવા યુગનું સંકેત બની રહ્યું છે.