અમદાવાદ: અમદાવાદનાના કુબેરનગર વિસ્તારમાં સિંધુ હોલ ખાતે એક લગ્ન પ્રસંગમાં બિરયાનીના બદલે પુલાવ પીરસવાની સામાન્ય બાબતે વર અને કન્યાપક્ષ વચ્ચે ઉગ્ર ઝઘડો થતાં જોતજોતામાં મામલો એટલો બગડ્યો કે બંને પક્ષોએ છરી, લોખંડના ઝારા અને તાવેતા જેવા રસોડાના સાધનો વડે એકબીજા પર હુમલો કર્યો હતો. ઘટનામાં પાંચથી વધુ લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે બંને પક્ષની ફરિયાદોના આધારે ગુનો નોંધી બેની ધરપકડ કરી છે.
આ અંગ મળતી માહિતી મુજબ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, દિલ્હીની રહેવાસી 23 વર્ષીય કન્યા કશિશ કછવાયાના લગ્ન વસ્ત્રાલમાં રહેતા સાગર વાણી સાથે 12 મેના રોજ યોજાનાર હતા. જેમાં 11 મેની રાત્રે લગ્ન પૂર્વે કુબેરનગરના સિંધુ હોલમાં યોજાયેલા જમણવાર દરમિયાન પુલાવ સ્વાદિષ્ટ ન બનવા મુદ્દે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે તે સમયે મામલો શાંત પડી ગયો હતો. ત્યાર બાદ મોડી રાત્રે વરપક્ષના કેટલાક લોકો ફરી સ્થળ પર આવી ગાળો બોલતા ઝઘડો થયો હતો, જેમાં વર અને કન્યા પક્ષના લોકો સામસામે આવી એકબીજા પણ હુમલો કરતાં કન્યાના પિતાને હાથમાં ઈજા પહોંચી હતી. વચ્ચે પડેલા પરિવારજનોને પણ માર મારવામાં આવ્યો હતો.
બીજી તરફ, વર પક્ષ તરફથી ફરિયાદમાં જણાવાયું છે કે જમણવાર દરમિયાન કન્યાના ભાઈએ “બિરયાનીના બદલે પુલાવ કેમ બનાવ્યો?” તે મુદ્દે ઝઘડો કર્યો હતો. બાદમાં ફરી તકરાર વધતા લોખંડના ઝારા અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં વરપક્ષના કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
કુબેરનગર પોલીસએ બંને પક્ષની સામસામી ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે ઘટનામાં સંડોવાયેલા બેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.