અમદાવાદ: ગુજરાતમાં ઉનાળાએ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યના અનેક શહેરોમાં આજે કાળઝાળ ગરમીનો કહેર જોવા મળ્યો હતો. ખાસ કરીને અમરેલી અને સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બન્યા હતા અને ગરમ પવનોના કારણે જનજીવન પર ભારે અસર જોવા મળી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના અન્ય શહેરોમાં પણ ભારે ગરમી નોંધાઈ હતી. રાજકોટમાં 44 ડિ.સે, અમદાવાદમાં 44 ડિ.સે, ગાંધીનગરમાં 44 ડિ.સે., વડોદરામાં 44 ડિ.સે., ડીસામાં 43 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 43 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 43 ડિ.સે., ભાવનગર અને સુરતમાં 42 ડિ.સે., ભૂજમાં 42 ડિ.સે. જ્યારે કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો હતો.
છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દમણ-દીવ વિસ્તારમાં વાતાવરણ સુકું રહ્યું હતું. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં ગંભીર હીટવેવની સ્થિતિ નોંધાઈ હોવાનું જણાવ્યું છે. જ્યારે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, દ્વારકા અને દીવ સહિતના વિસ્તારોમાં હીટવેવની અસર અનુભવાઈ હતી.
હવામાન વિભાગ મુજબ હાલ રાજ્યમાં નીચલા સ્તરે પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશાના ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે. સાથે જ ઉત્તર પાકિસ્તાન તરફ સર્જાયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મધ્યપ્રદેશ ઉપરનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હવામાનને અસર કરી રહ્યું છે.હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ આગામી 48 કલાક સુધી રાજ્યમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. રાજ્યના અનેક વિસ્તારોમાં 41 ડિ.સે. થી 45 ડિ.સે. સુધી તાપમાન યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ 2 થી 4 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.
14 અને 15 મે માટે ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે 14 અને 15 મે માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સુરત, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં ગરમી અને ભેજવાળા વાતાવરણની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, અમરેલી, દ્વારકા અને બોટાદ જિલ્લામાં હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારો માટે આગામી 24 કલાક દરમિયાન આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની સાથે મહત્તમ તાપમાન 44°C આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.