કોરોના વિસ્ફોટમાં રાજ્યના પંચાયત મંત્રી સંક્રમિત, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ પણ પોઝિટિવ

રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. જેમાં રાજ્યના પ્રધાનો, નેતાઓ, અધિકારીઓ પણ ઝપટમાં આવી રહ્યા છે. રાજયના પંચાયત મંત્રી બ્રિજેશ મિર્ઝા પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. તેઓ કોરોનાથી સંક્રમિત થતાં હાલમાં હોમ આઈસોલેટ થયા છે. તેઓએ તેમના સંપર્કમાં આવેલા તમામને રિપોર્ટ કરાવી લેવાની સલાહ આપી છે.

બીજી તરફ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના સિનિયર અગ્રણી વજુભાઈ વાળા પણ સંક્રમિત થયા છે. હાલ તેઓ પણ હોમ આઈસોલેટ થઈ ગયા છે. અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે તાજેતરમાં રાજકોટમાં એક સભા દરમિયાન તેઓ મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત અગ્રણીઓને મળ્યા હતા. આ સભામાં ઉપસ્થિત નેતાઓ પૈકી પાંચ મોટા નેતાઓ પણ કોરોનાની ઝપટમાં આવી ચૂકયા છે.

બીજી તરફ અમદાવાદના કલેકટર સંદિપ સાંગલેનો આરટીપીસીઆર રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓ હોમ આઈસોલેટ થયા છે. તેવી જ રીતે અમદાવાદ શહેર પોલીસમાં છેલ્લા પાંચ દિવસમાં પોલીસકર્મીઓ કોરોનાથી સંક્રમિત થવાનો આંક 36 થી વધીને 212 પહોંચી ગયો છે. અમદાવાદ શહેર પોલીસના બે એસીપી, પાંચ પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, સહિત 212 પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જોકે આ તમામ પોલીસકર્મીઓ હાલ હોમ આઈસોલેટ છે. સદ્દનસીબે હજુ સુધી કોઈને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નથી.

Most Popular

To Top