ધૂનસભર સતત પ્રયત્નો હારને જીતમાં પલટાવે

પ્રયોગશીલ નાટ્યક્ષેત્રે સુરત વર્ષોથી ગુજરાતનું પાટનગર રહ્યું છે, તેની વખતોવખત સાબિતી પણ મળતી રહે છે. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ‘ચિત્રલેખા’ ભારતીય વિદ્યા ભવન્સ, રાજ્ય યુવક મહોત્સવ કે અન્ય કોઈ પણ નાટ્ય સ્પર્ધાઓમાં છેલ્લાં કેટલાંયે વર્ષોથી સુરતનો વિજયી નાટ્યધ્વજ મેઘધનુષી રંગોસભર સૌથી ઊંચો ફરકતો રહ્યો છે, એ માટે સુરત ગૌરવ લેતું રહ્યું છે. આ માટે સર્વ રંગકર્મીઓ અભિનંદનના પૂરા હકદાર છે. તેઓ વખતોવખત સાદર પોંખાતા પણ રહ્યા છે. આજે વાત કરવી છે નાટકને સમર્પિત આદિત્ય ઠાકુરની, જેની લાંઆંઆંઆંબી તપશ્ચર્યા ફળી છે.

સુરત પર્ફોર્મીંગ આર્ટીસ્ટ્સ એસોસીએશનના કળાકાર અને પંકજ કાપડીઆ સાર્વજનિક કોલેજ ઓફ પર્ફોર્મીંગ આર્ટસના વિદ્યાર્થી આદિત્ય ઠાકુરે ખૂબ જ જહેમત અને તૈયારી કરી રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય (N.S.D) ખાતે વધુ અભ્યાસાર્થે પ્રવેશ મેળવ્યો છે. આપણા શહેરનો આ પહેલો વિદ્યાર્થી છે, જે આ વિશ્વભરમાં જાણીતી નાટકની સ્કૂલમાં અભ્યાસ કરશે. N.S.D ના શિક્ષણ તથા અભ્યાસ દ્વારા નાટ્ય અને ફિલ્મના અનેકાનેક ઉત્તમ કળાકારો દેશને આજ સુધી મળતા રહ્યા છે. જેના નામ ગણાવતા આ કોલમની જગ્યા જ પૂરી થઈ જાય પણ તેમાં આપણા આદિત્યનો ઉમેરો થવા જઈ રહ્યો છે.

શહેરના કળા સંગઠન “સ્પા” દ્વારા શહેરના કળાકારોને આ  સુખ્યાત સંસ્થામાં પ્રવેશ મેળવવા માર્ગદર્શન મળી રહે તે માટે રવિવાર, ૯ જાન્યુઆરીના દિવસે સાંજે સુરત મહાનગર પાલિકાના પર્ફોર્મીંગ સેન્ટર ખાતે એક સુંદર કાર્યક્રમ યોજાયો, જેમાં દિલ ખોલીને આદિત્યે ઝીણી ઝીણી માહિતી સાથે વાતો કરી, જેને ઘણા ઉત્સુક કળાકારોએ રસપૂર્વક માણી હતી. આદિત્યે પ્રવેશની સમગ્ર પ્રક્રિયાના તમામ મુદ્દાઓ વિષે ખૂબ જ સુંદર વિગતવાર જાણકારી આપતા કહ્યું કે; પહેલી આનંદની વાત એ બની કે સિવિલમાં ડિપ્લોમા એન્જિનિયર થયા પછી અભિનય ક્ષેત્રે જવાની મારી ઈચ્છાને માતા-પિતાએ ઉમળકાભેર વધાવી લીધી, વળી તેમણે સમજાવીને કહ્યું કે “પહેલાં અભિનય ક્ષેત્રનો વ્યવસ્થિત અભ્યાસ કરવો જરૂરી છે, તે કરી લો.” આથી શોધ કરી આદિત્યે ‘સ્કોપા’માં નાટ્ય શિક્ષણના સ્નાતક અભ્યાસક્રમમાં ૨૦૧૫માં પ્રવેશ મેળવ્યો અને એ જ દિવસથી તેણે N.S.D માં અનુસ્નાતકમાં પ્રવેશ માટે તૈયારી પણ શરૂ કરી દીધી હતી.

આ ઓછાબોલા અને લો પ્રોફાઈલ આદિત્યને મંચ ઉપર હરતાફરતા પ્રા. ઉદય બારડે શીખવ્યું. પ્રા. સોનલ કુલકર્ણીના વર્ષોના અનુભવે તેને નાટ્ય સાહિત્ય અને પાત્ર માટેની પાત્રતા શીખવી. દરમ્યાન કોલેજના કળાઉત્સવમાં “મામેરું” નાટકમાં હિંદીભાષી હોવાથી છુપાતા આ વિદ્યાર્થીને કપિલદેવ શુક્લે મહત્ત્વનું પાત્ર આપ્યું. શરૂઆતમાં ગુજરાતીમાં બોલતા તે અચકાતો; પરંતુ નાટકની સમગ્ર પ્રક્રિયા પછી પોતાના પાત્રને વિશ્વાસથી સડસડાટ ભજવી બતાવ્યું. આ પહેલો પડાવ બન્યો.

પછી તો અભ્યાસાર્થે ઘણા નાટકો કરતો રહ્યો. એકાંકી “નિર્વાણ”માં મંચ પર લગભગ સ્થિર રહેતા ‘ગૌતમ બુધ્ધ’ના પાત્ર માટે આંખો વડે કરાતો અભિનય પ્રા. ટ્વિસા શુક્લ શાહ પાસે શીખ્યો. શિક્ષણમાં દિગ્દર્શન પણ ભણાવાય છે, તેની નોંધપાત્ર સાબિતી તેણે નાટક ‘ટ્રેડમિલ’ની ભજવણી   ‘થિયેટર કાફે’માં કરીને આપી. આદિત્ય આમ દિગ્દર્શન કરતો થયો. આમ ભણતરનું ભાથું વિશાળ થતું રહ્યું. નાટકમાં સ્નાતક થયા પછી પહેલી વાર N.S.D. માં પ્રવેશ માટે અરજી કરી પણ વિશ્વાસના અભાવે સદંતર નિષ્ફળતા મળી.

ફરીથી મહેનતસભર તૈયારી કરી બીજી વાર પ્રયત્ન કર્યો પરંતુ પ્રવેશથી વંચિત જ રહ્યો. તે દરમ્યાન સ્કોપામાં અનુસ્નાતકમાં પ્રવેશ લઈને નાટકનું ભણવું ચાલુ રાખ્યું. આદિત્યે કહ્યું, N.S.D.માં ૩૦ વર્ષની ઉંમર સુધી પ્રવેશ માટેની યોગ્યતા હોય છે, તેથી ૩૦ વર્ષનો થઈશ ત્યાં સુધી સતત પ્રયત્ન કરતો જ રહીશ. આ સંકલ્પ સાથે ત્રીજી વાર પ્રયત્ન કર્યો. પ્રવેશ માટે જરૂરી ‘ટુ બી ઓર નોટ ટુ બી’ ની સ્વગતોક્તિ શુટ કરી મોકલી. છેલ્લે દિવસે પસંદગી માટે યોગ્યતા સાબિત કરવાની તક પ્રાપ્ત થયાની જાણ થઈ. અહીં નાટકનો શો હતો પરંતુ સીક્કીમ પહોંચવાની સગવડ પિતાજીએ કરી રાખી હતી. ત્યાં ૮૦ જેટલા પ્રવેશવાંચ્છુ વ્યક્તિઓમાંથી માત્ર ૧૬ જેટલા અભ્યાસ માટે પસંદગી પામવાના હતા.

પહેલા લેખિત પરીક્ષા પાસ કરી. પછી પાંચ દિવસના સ્પીચ, મુવમેન્ટસ, સંગીત, અભિનય અને ગ્રુપ ડીસ્કશનના અલગ અલગ વર્કશોપ્સમાં તાલીમ પામી તેની પરીક્ષાઓ આપી.  સુરત પાછો ફર્યો. તેને હતું કે આ વખતે પણ પહેલાં જેવું જ પરિણામ આવશે. પરંતુ તેનો આટલાં વર્ષોનો સઘન અભ્યાસ, શિસ્તબધ્ધ નાટ્ય સમર્પણ અને નિષ્ઠાપૂર્વકની રંગમંચ ઉપાસના ફળી અને N.S.D માં પ્રવેશ મળી ગયો. તેણે સ્કોપા કોલેજ, તેના સર્વ અધ્યાપકો, આચાર્યા તેમજ સાથી વિદ્યાર્થી કળાકારોનો સાચા મનથી ઋણ સ્વીકાર કર્યો. તે પૂર્વે પ્રવેશ માટેની સ્વગતોક્તિ અને ત્યાં તેને સોંપાયેલો, ભજવેલો અશ્વત્થામાનો એકવ્યક્તિ અભિનય એ જ ઊર્જા સાથે ભજવ્યો, ઉપસ્થિત સૌએ ઊભા થઈ તાળીઓના ગડગડાટ સાથે તેને વધાવી લીધો.

“સ્પા”ના કાર્યક્રમનું સંચાલન કરી વક્તાનો પરિચય દેવાંગ જાગીરદારે આપ્યો. પ્રમુખ કપિલદેવ શુક્લના વક્તવ્યની મહત્ત્વની વાત હતી કે “નાટકના પાત્રનો ‘હું’ કળાકારના ‘હું’ માં સમાય તેના કરતાં કળાકારનો ‘હું’ પાત્રના ‘હું’ માં સમાય તો સફળતા અચૂક સિધ્ધ થઈ શકે છે.” પંકજ પાઠકજીએ સંસ્થા વિષે અને ભાવિ કાર્યક્રમો અંગે વિગતે જાણકારી આપી હતી. વિપુલ ભટ્ટે કાર્યક્રમ માટે મહાનગરપાલિકા અને ચેરમેન પરેશ પટેલ સહિત સૌનો કાવ્યમય આભાર વ્યક્ત કર્યો. આદિત્યના અભિનયની ઈચ્છામાં બાળપણમાં પિતાજીના જોયેલા નાટકે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. પુત્રની ઈચ્છાને સમજનાર પિતાજી મલિકસિંહ ઠાકુરનું પણ સન્માન કરવામાં આવ્યું. આદિત્યે પુરવાર કર્યું કે કોઈ પણ કાર્યને  સાચા મનથી, શિસ્ત અને નિષ્ઠાપૂર્વક સમર્પિત રહેવાથી તે અવશ્ય સિધ્ધ થાય જ છે.

Most Popular

To Top