ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણમાં ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ, 19196 નવા કેસ, 9ના મોત

ગાંધીનગર: રાજ્યમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ બે દિવસ દરમિયાન કોરોનાનો વિસ્ફોટ સર્જાયો છે. 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે 10019 અને 15 મી જાન્યુઆરી વાસી ઉત્તરાયણના દિવસે 9177 નવા કેસ સાથે બે દિવસમાં કુલ 19196 નવા કેસ નોંધાયા છે. તેવી જ રીતે રાજ્યમાં છેલ્લા બે દિવસ દરમિયાન નવ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં નવસારીમાં બે, અમદાવાદ મનપામાં બે, સુરત મનપામાં બે, જ્યારે વલસાડ, સુરત ગ્રામ્ય અને રાજકોટ ગ્રામ્યમાં એક-એક મળીને કુલ નવ દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

કોરોનાના કેસ વધવાની સાથે જ એક્ટિવ કેસોની સંખ્યા પણ વધી છે. ઉતરાયણ 14મી જાન્યુઆરીના દિવસે એક્ટિવ કેસની સંખ્યા 55798 હતી. જે વાસી ઉત્તરાયણના દિવસે વધીને 59564 થઈ છે. જ્યારે આજે વધુ 60 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. તો વડી 59504 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. બીજી તરફ છેલ્લા બે દિવસ દરમિયાન રાજ્યમાં કોરોના થી 10,235 દર્દીઓ સાજા પણ થયા છે. આમ અત્યાર સુધી 8,64,375 દર્દીઓ સાજા થયા છે.

છેલ્લા બે દિવસ દરમિયાન રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં કોરોનાના આંકડા જોઈએ તો અમદાવાદ મનપામાં 5711, સુરત મનપામાં 5201, વડોદરા મનપાના 2485, રાજકોટ મનપામાં 734, સુરત ગ્રામ્ય 555, ભાવનગર મનપામાં 475, ગાંધીનગર મનપામાં 360, વલસાડમાં 384, નવસારીમાં 315, ભરૂચમાં 181, મહેસાણામાં 239, કચ્છમાં 188, વડોદરા ગ્રામ્યમાં 186, જામનગર મનપામા 200, રાજકોટ ગ્રામ્યમાં 226, અમદાવાદ ગ્રામ્યમાં 119, સાબરકાંઠામાં 105, ખેડામાં 128, આણંદમાં 143, પાટણમાં 142, ગીર સોમનાથમાં 123, જૂનાગઢ મનપામાં 81, અમરેલીમાં 59, ગાંધીનગર ગ્રામ્યમાં 140, મોરબીમાં 114, બનાસકાંઠામાં 118, પંચમહાલમાં 45, ભાવનગર ગ્રામ્ય 75, દાહોદમાં 72, સુરેન્દ્રનગરમાં 71, દેવભૂમિ દ્વારકામાં 33, પોરબંદરમાં 29, તાપીમાં 25, જામનગર ગ્રામ્ય 54, મહીસાગરમાં 40, નર્મદામાં 13, ડાંગમાં 7, જુનાગઢ ગ્રામ્યમાં 12, અરવલ્લી 4, છોટાઉદેપુરમાં 2 નવા કેસ નોંધાયા છે.

અમદાવાદ કલેકટરની સાથે સાથે 212 પોલીસકર્મીઓ પણ કોરોના પોઝિટિવ આવતા ફફડાટ
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. જેમાં રાજ્યના પ્રધાનો, નેતાઓ, અધિકારીઓ પણ ઝપટમાં આવી રહ્યા છે. રાજયના પંચાયત મંત્રી બ્રિજેશ મિર્ઝા પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. તેઓ કોરોનાથી સંક્રમિત થતાં હાલમાં હોમ આઈસોલેટ થયા છે. તેઓએ તેમના સંપર્કમાં આવેલા તમામને રિપોર્ટ કરાવી લેવાની સલાહ આપી છે. બીજી તરફ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના સિનિયર અગ્રણી વજુભાઈ વાળા પણ સંક્રમિત થયા છે. હાલ તેઓ પણ હોમ આઈસોલેટ થઈ ગયા છે. અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે તાજેતરમાં રાજકોટમાં એક સભા દરમિયાન તેઓ મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત અગ્રણીઓને મળ્યા હતા. આ સભામાં ઉપસ્થિત નેતાઓ પૈકી પાંચ મોટા નેતાઓ પણ કોરોનાની ઝપટમાં આવી ચૂકયા છે.

બીજી તરફ અમદાવાદના કલેકટર સંદિપ સાંગલેનો આરટીપીસીઆર રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓ હોમ આઈસોલેટ થયા છે. તેવી જ રીતે અમદાવાદ શહેર પોલીસમાં છેલ્લા પાંચ દિવસમાં પોલીસકર્મીઓ કોરોનાથી સંક્રમિત થવાનો આંક 36 થી વધીને 212 પહોંચી ગયો છે. અમદાવાદ શહેર પોલીસના બે એસીપી, પાંચ પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, સહિત 212 પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જોકે આ તમામ પોલીસકર્મીઓ હાલ હોમ આઈસોલેટ છે. સદ્દનસીબે હજુ સુધી કોઈને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નથી.

Most Popular

To Top