Columns

૨૦૨૪ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આર્થિક સર્વેક્ષણ તૈયાર કરવામાં આવ્યું છે

વર્ષ ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી આવી રહી હોવાથી ભાજપના મોરચાની સરકારનું આ ચૂંટણી પહેલાનું છેલ્લું બજેટ હતું. જ્યારે ચૂંટણીઓ નજીક હોય ત્યારે કોઈ પણ સરકાર પ્રજાને કડવી દવાનો ઘૂંટડો પિવડાવવાને બદલે મધ જેવી મીઠી ગોળી આપવાનું વધુ પસંદ કરે છે, પછી ભલે ને તે ગોળીથી પ્રજાનો રોગ દૂર નથી થવાનો તેની તેને ખબર હોય. નાણાં પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા બજેટ પહેલાનું જે આર્થિક સર્વેક્ષણ સંસદમાં રજૂ કરવામાં આવ્યું તેમાં આ કારણે જ ભવિષ્યમાં આવી રહેલા પડકારોની ચર્ચા કરવાને બદલે ૨૦૧૪થી ૨૦૨૨ દરમિયાન નરેન્દ્ર મોદીની સરકારની તથાકથિત ઉપલબ્ધિઓની જ વધુ ચર્ચા કરવામાં આવી છે.

૧૯૯૯થી ૨૦૦૪ દરમિયાન કેન્દ્રમાં ભાજપના મોરચાની સરકાર હતી ત્યારે ૨૦૦૪ની ચૂંટણી પહેલા શાઇનિંગ ઇન્ડિયાની કેમ્પેઇન શરૂ કરવામાં આવી હતી, જેમાં વરવી વાસ્તવિકતાઓ ઉપર ઢાંકપિછેડો કરવામાં આવ્યો હતો, જેને પરિણામે ભાજપના મોરચાની સરકાર હારી ગઈ હતી અને કોંગ્રેસના મોરચાની સરકાર સત્તા પર આવી હતી. હવે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ દ્વારા ૨૦૧૪ અને ૨૦૨૪ વચ્ચેના કાળને ‘અમૃત કાળ’ગણાવવાની કેમ્પેઇન ચાલુ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ સત્તાને કાયમ રાખવાનો છે. ૨૦૨૩-૨૪ના બજેટ પહેલાંના આર્થિક સર્વેક્ષણમાં ૧૯૯૯-૨૦૦૪ના કાળન સરખામણી ૨૦૧૪-૨૦૨૨ના કાળ સાથે કરવામાં આવી છે, જેમાં પડકારો વચ્ચે પણ દેશના અર્થતંત્રનો વિકાસ થતો રહ્યો હતો.

૧૯૯૯માં ભારતના અણુધડાકાને કારણે દુનિયાના દેશો દ્વારા નાખવામાં આવેલા આર્થિક પ્રતિબંધોનો પડકાર હતો તો ૨૦૨૨માં કોરોના અને યુક્રેન યુદ્ધને કારણે આવી રહેલી મંદીનો પડકાર છે. આર્થિક સર્વેક્ષણ દ્વારા સરકાર એમ કહેવા માગે છે કે આવનારો સમય કપરો રહેશે, પણ સરકાર કેવી રીતે તેનો મુકાબલો કરશે, તે કહેવામાં આવ્યું નથી. સરકાર ભારતને વિશ્વગુરુ બનાવવા માગે છે, પણ તેનો રોડમેપ બજેટમાં દેખાતો નથી. જ્યારે કોઈ પણ દેશનું ભવિષ્ય ધૂંધળું હોય ત્યારે શાસકો તેની ચર્ચા કરવાને બદલે ભવ્ય ભૂતકાળને વાગોળ્યા કરે છે. ૨૦૨૨-૨૩ના આર્થિક સર્વેક્ષણમાં પણ આ પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમાં માત્ર ૧૭ લીટીમાં આવાનારા કપરા કાળની આગાહી નીચે મુજબ કરવામાં આવી છે :

(૧) છેલ્લાં એક વર્ષમાં કાબુ બહાર જઈ રહેલા ફુગાવાને નાથવા માટે વ્યાજના દરોમાં જે સતત વધારો કરવામાં આવ્યો તેને કારણે અર્થતંત્રમાં મંદીની અસર વર્તાઈ રહી છે. (૨) રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે અને ચીનમાં કડક લોકડાઉનને કારણે સપ્લાય ચેઈનમાં ભંગાણ પેદા થયું છે, જેનો પ્રભાવ ઉદ્યોગો ઉપર દેખાઈ રહ્યો છે. વળી યુદ્ધને કારણે વિશ્વમાં અનિશ્ચિત્તતાની હાલત પેદા થઈ છે, જેમાં ગમે ત્યારે કટોકટી પેદા થઈ શકે તેમ છે.

(૩) કાચા માલની અછત અને ફુગાવાને કારણે ઉત્પાદન ઘટ્યું છે, જેને કારણે વિકાસદરમાં સતત ત્રણ વર્ષથી ઘટાડો જોવા મળે છે. લોકોની ખરીદશક્તિ ઘટવાને કારણે બજારોમાં પણ સુસ્તી છે. આ સંયોગોમાં કરોડો લોકોની નોકરી જવાનો ભય ફરી પેદા થયો છે. સરકાર આવનારી વિકટ સમસ્યાઓનો મુકાબલો કેવી રીતે કરશે? તે આર્થિક સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું નથી. (૪) રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ડોલરની સરખામણીમાં રૂપિયાને ટકાવી રાખવા માટે ડોલર વેચવામાં આવી રહ્યા છે, જેને પરિણામે ભારતના વિદેશી હૂંડિયામણના ભંડારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. વળી આયાત-નિકાસ વચ્ચેની ખાઈ પણ પહોળી બની રહી છે. તેને કારણે કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ પણ વધી રહી છે. સરકાર પાસે તેનો શું જવાબ છે, તેનો ઉલ્લેખ નથી.

(૫) કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ દૂર કરવા માટે ક્યાં તો આયાત ઘટાડવી પડે, ક્યાં નિકાસ વધારવી પડે. ભારતની નિકાસ જાણે તેના સર્વોચ્ચ શિખર પર પહોંચી ગઈ છે. વિશ્વભરમાં મંદીની પરિસ્થિતિ હોવાથી તેમાં વધારો થાય તેવા કોઈ સંયોગો હાલ દેખાતા નથી. સરકારના લાખ પ્રયાસો છતાં તેમાં સુધારો થતો નથી. તેનો આર્થિક સર્વેક્ષણમાં કોઈ ઉપાય દર્શાવાયો નથી.

(૬) અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં સતત વધારો કરવાને કારણે નાણાં સંસ્થાઓ વિકસતા દેશોનું પોતાનું રોકાણ પાછું ખેંચીને અમેરિકા તરફ દોડી રહી છે, જેને કારણે દુનિયાની તમામ કરન્સી સામે ડોલર ઊંચકાઈ રહ્યો છે. રિઝર્વ બેન્કના લાખ પ્રયાસો છતાં રૂપિયાને ગબડતો અટકાવી શકાતો નથી. ભારતમાં પણ વ્યાજના દરો વધવાને કારણે ઉદ્યોગો દ્વારા જે લોન લેવામાં આવે છે તેની કિંમત વધી રહી છે, જેને કારણે ઔદ્યોગિક ઉત્પાદન ઘટી રહ્યું છે.

આર્થિક સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે જે રીતે વાજપેયી સરકારે ૧૯૯૯-૨૦૦૪ વચ્ચે પડકારોનો મુકાબલો કર્યો તે રીતે મોદી સરકાર પણ પડકારોનો મુકાબલો કરી રહી છે. ૧૯૯૮માં વાજપેયી સરકારે અણુધડાકો કર્યો તેના પગલે ભારત પર આર્થિક પ્રતિબંધો લાદવામાંઆવ્યા હતા. ત્યાર બાદ ૨૦૦૦ અને ૨૦૦૨ની સાલમાં બે દુકાળોનો સામનો કરવો પડ્યો હતો. ૨૦૦૦માં અમેરિકામાં ડોટ કોમનો ફુગ્ગો ફૂટી ગયો તેને કારણે મંદીનું મોજું આવ્યું હતું. અમેરિકાના ૯/૧૧ના આતંકવાદી હુમલાને કારણે પણ કટોકટીની પરિસ્થિતિ પેદા થઈ હતી. વાજપેયી સરકારે આ પડકારોનો મુકાબલો કરવા માટે વ્યાજના દરોમાં ઘટાડો કર્યો હતો, બેન્કો દ્વારા અસ્ક્યામતો રિકવર કરવામાં આવી હતી અને ખાનગીકરણને ઉત્તેજન આપવામાં આવ્યું હતું. આ સુધારાઓનાં ફળો જોવા મળે તે પહેલાં ૨૦૦૪માં વાજપેયી સરકારની વિદાય થઈ ગઈ હતી. આર્થિક સર્વેક્ષણમાં ૨૦૦૪-૨૦૧૪ દરમિયાન જે આર્થિક પ્રગતિ થઈ તેના માટે પણ ૧૯૯૯-૨૦૦૪ દરમિયાન વાજપેયી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સુધારાને યશ આપવામાં આવ્યો છે.

૨૦૧૪થી ૨૦૨૨ દરમિયાન મોદી સરકાર સત્તામાં હતી ત્યારે પ્રારંભમાં બેન્કોના વધી રહેલા નોન પર્ફોર્મિંગ એસેટની ગંભીર સમસ્યા પેદા થઈ હતી. બેન્કોના ચોપડા ચોખ્ખા કરવા સરકાર દ્વારા અનેક પેકેજો જાહેર કરવામાં આવ્યા હતા. ૨૦૨૦માં કોવિડ-૧૯ને કારણે લોકડાઉન આવ્યું, જેની નકારાત્મક અસર અર્થતંત્ર પર થઈ હતી. લોકડાઉનને કારણે ધીમા પડી ગયેલા અર્થતંત્રની ગાડી પાટા પર ચડાવવા બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા હતા, જેને કારણે ફુગાવો વધી ગયો હતો. સરકારે તેનો મુકાબલો કરવા માટે જીએસટી નાખ્યો હતો, પણ તેને કારણે નાના વેપારીઓની હેરાનગતિ વધી ગઈ હતી. સરકારે અર્થતંત્રને પાટે ચડાવવા માટે માળખાકીય ફેરફારો ચાલુ કર્યા હતા. સરકાર આધાર કાર્ડને પણ માળખાકીય સુધારાનો ભાગ ગણાવે છે. આધાર કાર્ડનો સંબંધ આર્થિક સુધારા સાથે કેવી રીતે છે? તે સરકાર સમજાવી શકતી નથી.

સરકાર તો કોરોના વેક્સિનના ૨૦૦ કરોડ ડોઝ આપવામાં આવ્યા તેને પણ દેશનો વિકાસ ગણાવે છે. નાણાંકીય ખાધ ઘટાડવા સરકાર દ્વારા બંદરો, એરપોર્ટો, હાઇવે, પાવર પ્લાન્ટ વગેરે વેચવા કાઢવામાં આવ્યા છે, તેની વિપક્ષો દ્વારા ટીકા કરવામાં આવી રહી છે, પણ સરકાર તેને આર્થિક સુધારાનો ભાગ ગણાવે છે. મોદી સરકાર દ્વારા આત્મનિર્ભર ભારતની ઝુંબેશ શરૂ કરવામાં આવી તેના પણ વખાણ કરવામાં આવ્યા છે. રોગનું નિદાન કર્યા પછી તેના ઉપચારોનું વર્ણન કરવામાં જ આવ્યું નથી.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top