Business

ગૌતમ અદાણીએ 20 હજાર કરોડના FPO રદ કરવા અંગે આપ્યું આ નિવેદન

નવી દિલ્હી: અદાણી ગ્રૂપે (Adani Group) બુધવારે તેની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસની રૂ. 20,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) પાછી ખેંચી લીધી હતી. આ પછી ગૌતમ અદાણી પોતે આગળ આવ્યા છે અને રોકાણકારોને સમજાવ્યા છે અને એફપીઓ પાછી ખેંચવાનું કારણ પણ આપ્યું છે. 20,000 કરોડનો આ એફપીઓ 27 જાન્યુઆરીએ સબસ્ક્રિપ્શન માટે ખોલવામાં આવ્યો હતો અને સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ થયા બાદ 31 જાન્યુઆરીએ બંધ કરવામાં આવ્યો હતો.

ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ એફપીઓ પછી મંગળવારે તેને પાછો ખેંચી લેવાના નિર્ણયથી ઘણાને આશ્ચર્ય થયું હશે. પરંતુ ગઈકાલે બજારના ઉતાર-ચઢાવને જોતા બોર્ડને લાગ્યું કે FPO સાથે આગળ વધવું નૈતિક રીતે યોગ્ય રહેશે નહીં. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું છે કે કંપનીનો ઉદ્દેશ્ય શેરબજારમાં આવતા ઉતાર-ચઢાવને ધ્યાનમાં રાખીને તેના રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનો છે. એટલા માટે અમે FPOમાંથી મળેલી રકમ પરત કરવા જઈ રહ્યા છીએ અને તેનાથી સંબંધિત ટ્રાન્ઝેક્શન સમાપ્ત કરીશું. ગૌતમ અદાણીએ કહ્યું કે મારા માટે મારા રોકાણકારોનું હિત સર્વોપરી છે. તેથી રોકાણકારોને સંભવિત નુકસાનથી બચાવવા માટે અમે FPO પાછો ખેંચી લીધો છે. આ નિર્ણયથી અમારી વર્તમાન કામગીરી અને ભાવિ યોજનાઓ પર કોઈ અસર થશે નહીં.

ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે એક ઉદ્યોગસાહસિક તરીકેની 4 દાયકાથી વધુની મારી નમ્ર સફરમાં મને તમામ હિતધારકો ખાસ કરીને રોકાણકાર સમુદાય તરફથી જબરજસ્ત સમર્થન મળ્યું છે. મારા માટે એ સ્વીકારવું અગત્યનું છે કે મેં જીવનમાં જે કંઈ પણ મેળવ્યું છે તે તેમના વિશ્વાસનાં કારણે પ્રાપ્ત થયું છે. હું મારી બધી સફળતાનો શ્રેય તેઓને આપું છું.

FPO એટવે શું?
ફોલો-ઓન-પબ્લિક ઑફર (FPO)ને સેકન્ડરી ઑફર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એવી પ્રક્રિયા છે કે જેના હેઠળ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપની વર્તમાન શેરધારકો તેમજ નવા રોકાણકારોને નવા શેર જારી કરે છે. અદાણી એન્ટરપ્રાઈઝનો શેર બુધવારે 28.5% ઘટીને રૂ. 2,128.70 પર બંધ થયો હતો. અદાણી એન્ટરપ્રાઇઝે રૂ. 3,112 થી રૂ. 3,276ની પ્રાઇસ બેન્ડમાં શેર વેચ્યા હતા. અદાણી એન્ટરપ્રાઈઝના શેર તેમના 52 સપ્તાહના ઉચ્ચ સ્તરેથી 49% થી વધુ નીચે છે. તેનો સ્ટોક માત્ર એક અઠવાડિયામાં 37% થી વધુ નીચે છે.

Most Popular

To Top