Business

સુપ્રીમની અદાણીને રાહત, હિંડનબર્ગ કેસમાં વધુ તપાસનો ઈન્કાર

નવી દિલ્હી: અદાણી (Adani) જૂથને મોટી રાહત આપતા, સર્વોચ્ચ અદાલતે બુધવારે ચુકાદો આપ્યો હતો કે જૂથ સામેના છેતરપિંડીના આરોપોની ‘વિશેષ તપાસ ટીમ’ (Special Investigation Team) અથવા સીબીઆઈ (CBI) દ્વારા વધુ તપાસની જરૂર નથી. જ્યારે તેણે કેપિટલ માર્કેટ નિયમનકાર સેબીને (SEBI) તેની બે વર્ષથી વધુ જૂની તપાસ પૂર્ણ કરવા માટે વધુ 3 મહિના (Month) આપ્યા હતા.

ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ અને જસ્ટિસ જે બી પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી સર્વોચ્ચ અદાલતની 3 જજોની બેંચે અમેરિકાની શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા લગાવવામાં આવેલા એકાઉન્ટિંગ છેતરપિંડી અને શેરોની કિંમતમાં વધારો કરવાના આરોપોની ત્રીજા પક્ષ પાસે તપાસની માંગ કરતી અરજીઓ પર ચુકાદો આપતા કહ્યું હતું ‘સેબી’એ ‘વ્યાપક તપાસ’ કરી હતી અને તેનું આચરણ ‘આત્મવિશ્વાસ’ આપે છે.

46 પાનાના ચુકાદામાં, સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે અખબારના લેખો અથવા તૃતીય-પક્ષ સંગઠનો જેમ કે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટના (ઓસીઆરપી) અહેવાલ પર અરજદારો દ્વારા વિશ્વાસ કરી વિશિષ્ટ નિયમનકાર દ્વારા વ્યાપક તપાસ પર સવાલ ઉઠાવવામાં આવ્યા તે વિશ્વસનીય લાગતું નથી.

અદાલતે સેબીને બાકીના મામલાઓમાં 3 મહિનાની અંદર તપાસ પૂર્ણ કરવા કહ્યું
સર્વોચ્ચ અદાલતે 17 મેના રોજ સેબીને અદાણી જૂથ સામેના બે ડઝન કેસોની તપાસ 14 ઓગસ્ટ, 2023 સુધીમાં પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. તે વર્ષે ઓગસ્ટમાં સેબીએ 24માંથી 7 મામલાઓઓ જે બાકી રહી ગયા હતા તેની તપાસ પૂર્ણ કરવા માટે વધુ 15 દિવસનો સમય માંગ્યો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં, સેબીએ અદાલતને જણાવ્યું હતું કે 22 મામલાઓમાં તેની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. બુધવારે, સર્વોચ્ચ અદાલતે માર્કેટ રેગ્યુલેટરને બે મામલાની પડતર તપાસ ઝડપથી 3 મહિનાની અંદર પૂર્ણ કરવા કહ્યું હતું.

તપાસ ટ્રાન્સફર કરવાથી અદાલતે ઈન્કાર કર્યો
જાહેર હિતની અરજીઓમાં તપાસને ટ્રાન્સફર કરવાની માગને નકારી કાઢતા, અદાલતે હતું કે, આ કેસમાં સીટ (એસઆઈટી) અથવા સીબીઆઈ દ્વારા તપાસના આદેશની જરૂર નથી જો કે કોર્ટ પાસે તપાસ ટ્રાન્સફર કરવાની સત્તા હતી. પણ આ પ્રકારની સત્તા વિશેષ પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવાય છે જ્યારે સક્ષમ સંસ્થા તપાસ કરવામાં ઈરાદાપૂર્વક ઢીલાઈ કરે છે અને તેની તપાસ પક્ષપાતપૂર્ણ લાગે છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું અધિકૃત એજન્સી પાસેથી તપાસ સીબીઆઈને ટ્રાન્સફર કરવાની અથવા એસઆઈટીની રચના કરવાની સત્તાનો ઉપયોગ સંયમપૂર્વક અને અસાધારણ સંજોગોમાં થવો જોઈએ. અરજદારે મજબૂત પુરાવા રજૂ કરવા જોઈએ જે દર્શાવે છે કે તપાસ એજન્સીએ અયોગ્યતા દર્શાવી છે, અથવા તપાસ પ્રાથમિક દૃષ્ટિએ પક્ષપાતી હોવાનું જણાય છે.

ચુકાદા બાદ અદાણી જૂથના શેર ઉંચે ગયા
ચુકાદાને પગલે તેમની ગ્રૂપ કંપનીઓના શેરોમાં 4.4 ટકા અથવા લગભગ રૂ. 64,000 કરોડનો ઉછાળો આવ્યો હતો, જેના કારણે 10 લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 15.1 લાખ કરોડ થયું હતું.

સત્યમેવ જયતે: અદાણી
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી, જેઓ 2023ની શરૂઆતમાં વિશ્વના બીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ હતા અને હિંડનબર્ગ અહેવાલ પછી તેમની લગભગ 60 બિલિયન ડોલરની વ્યક્તિગત મૂડી ઓછી થઈ હતી, તેમણે ચુકાદાની પ્રશંસા કરતા કહ્યું કે ‘સત્ય’નો વિજય થયો છે.
માનનીય સર્વોચ્ચ અદાલતનો ચુકાદો દર્શાવે છે કે સત્યનો વિજય થયો, સત્યમેવ જયતે. જે લોકો અમારી પડખે ઉભા રહ્યા તેમનો હું આભારી છું. ભારતના વિકાસમાં અમારું નમ્ર યોગદાન ચાલુ રહેશે. જય હિન્દ, એમ તેમણે પોસ્ટ કરીને કહ્યું.

Most Popular

To Top