Vadodara

ઉંડેરાના પ્રભુનગરમાં જીવંત વીજ વાયર તૂટી પડતાં જમીન પર આતશબાજી, લોકોમાં ફફડાટ

3 દિવસથી MGVCLની કામગીરીથી સ્થાનિકો પરેશાન :

ભર ઉનાળે લાઈટ વિના રોષ,સ્થાનિક રહીશોમાં જાનહાનિનો ભય :

( પ્રતિનિધિ )વડોદરા,તા.13

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નં. 8માં આવેલા ઉંડેરાના પ્રભુનગર વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી એમજીવીસીએલની નબળી કામગીરીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મધરાત્રે જીવંત વીજ વાયર વારંવાર તૂટી પડતા વિસ્તારમાં આતશબાજીના દૃશ્યો સર્જાયા હતા. જેના કારણે લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા 3 દિવસથી જીવંત વીજ વાયર અવારનવાર તૂટી રહ્યા છે. વાયર તૂટતા જ ભયંકર આતશબાજી થાય છે અને તણખા ઉડે છે. સાંકડી શેરીઓ અને બાળકોની અવરજવર વચ્ચે જાનહાનિનો ભય સતત સતાવી રહ્યો છે. એક તરફ ભર ઉનાળાની કાળઝાળ ગરમી અને બીજી તરફ વારંવાર વીજ પુરવઠો ખોરવાતા લોકો લાઈટ વિના પરેશાન થઈ ગયા છે. પંખા-એસી બંધ, પાણીની તકલીફ અને રાત્રે અંધારપટને કારણે રહીશોની હાલત કફોડી બની છે.

એમજીવીસીએલના કામની ગુણવત્તા સામે સ્થાનિક લોકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. લોકોનું કહેવું છે કે, ફરિયાદ કરીએ તો કામચલાઉ સમારકામ કરીને જતા રહે છે. 2 કલાકમાં પાછા એ જ હાલ. જીવંત વાયર તૂટે તો કોઈનો જીવ જશે તેની જવાબદારી કોણ લેશે? નાગરિકોએ માંગ કરી છે કે તાત્કાલિક કાયમી નિરાકરણ લાવે અને સળગતા વાયર-પોલ તાત્કાલિક બદલે. નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. જોકે, તાત્કાલિક વીજ કંપનીની ટીમો ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કામગીરી શરૂ કરી હતી.

Most Popular

To Top