Gujarat

સુરતમાં બાળ મજૂરીનો કાળો કારોબાર

અનાથ બાળકોને ખરીદી ‘આજીવન ગુલામ’

સુરતના પુણા વિસ્તારમાં ફરી એકવાર માનવતાને શરમાવે એવો બાળ મજૂરી અને માનવ તસ્કરીનો મોટો કૌભાંડ સામે આવ્યો છે. રાજસ્થાન બાળ આયોગ અને સુરત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 90થી વધુ માસૂમ બાળકોને નરક જેવી જિંદગીમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે. આ બાળકો રાજસ્થાન, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશના ગરીબ અને આદિવાસી વિસ્તારોમાંથી લાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

ચોંકાવનારી વાત એ છે કે, આ ગેંગ ખાસ કરીને અનાથ અને અત્યંત ગરીબ બાળકોને નિશાન બનાવતી હતી. અનાથ બાળકોને મોટી રકમમાં ‘વેચી’ દેવામાં આવતા અને પછી તેઓ આખી જિંદગી માટે બંધુઆ મજૂર બની જતા. જ્યારે ગરીબ પરિવારોના બાળકોને ‘કોન્ટ્રાક્ટ’ પર સુરત લાવવામાં આવતા. બાળકનો પગાર 10 હજાર નક્કી થાય તો તેમાંમાંથી 1થી 2 હજાર રૂપિયા વચેટિયા દર મહિને કમિશન તરીકે ખાઈ જતા.

પોલીસે પુણાની સીતારામ સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં દરોડા પાડી આશરે 100 જેટલા મકાનો ચેક કર્યા હતા. જેમાંથી 27 મકાનોમાં બાળકો પાસે જોખમી પરિસ્થિતિમાં મજૂરી કરાવવામાં આવતી હોવાનું બહાર આવ્યું. માસૂમ બાળકોને નાની અંધારી ઓરડીઓમાં ગોંધી રાખવામાં આવતા, પૂરતું ખાવાનું પણ આપવામાં આવતું નહોતું અને સવારથી મોડી રાત સુધી કામ કરાવવામાં આવતું હતું.

આ સમગ્ર મામલે સૌથી મોટો ખુલાસો એ થયો છે કે 2019માં પણ આ જ સીતારામ સોસાયટીમાંથી 130થી વધુ બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા હતા. સાત વર્ષ બાદ પણ એ જ વિસ્તાર બાળ તસ્કરોનું મુખ્ય એપીસેન્ટર બની રહેવું સ્થાનિક તંત્ર અને પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કરે છે.

બાળકો પાસે સાડી ફોલ્ડિંગ, ખાટલી વર્ક અને કપડાંના કારખાનામાં ભારે મજૂરી કરાવવામાં આવતી હતી. કેટલીક જગ્યાએ તો 17 કલાક કામ કરાવી માત્ર 200 રૂપિયા આપવામાં આવતા હોવાના ખુલાસા પણ થયા છે. હાલ સુરત પોલીસ અને રાજસ્થાન પોલીસ મળીને આ આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે તપાસ ચલાવી રહી છે. બીજી તરફ સરકાર દ્વારા બાળકોના પુનર્વસન અને શિક્ષણ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top