Gujarat

પાંડેસરામાં માનવતા શરમાઈ

રસ્તા પર રડતી હાલતમાં મળી 25 દિવસની નવજાત બાળકી


સુરતના પાંડેસરા વિસ્તારમાં માનવતાને ઝંઝોળી નાખે તેવી ઘટના સામે આવી છે, જ્યાં આશરે 20 થી 25 દિવસની એક માસૂમ નવજાત બાળકી રસ્તા પર ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. પોતાની જ દીકરીને નિર્દયતાથી જાહેર રસ્તા પર મૂકી ફરાર થઈ ગયેલા અજાણ્યા શખ્સોની આ હરકતને લઈ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. હાલ પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ ઘટના ભીમરાડ-બમરોલી રોડ પર આવેલા તૃપ્તિ નગર નજીકની છે. અહીં રસ્તાની સાઈડમાં પડેલી જૂની બાઇકો અને ફોર વ્હીલર ગાડીઓની વચ્ચે બાળકી રડતી હાલતમાં મળી આવી હતી. બાળકીને એવી જગ્યાએ મૂકવામાં આવી હતી કે જ્યાં સામાન્ય રીતે લોકોનું ધ્યાન ઝડપથી ન જાય. આશંકા વ્યક્ત થઈ રહી છે કે બાળકીને ત્યજનાર વ્યક્તિએ સંપૂર્ણ પ્લાનિંગ સાથે આ જગ્યા પસંદ કરી હતી. સ્થાનિક સફાઈ કર્મચારી માટે આ માસૂમ બાળકી જીવતા દેવદૂત સમાન સાબિત થઈ.રોજની જેમ સફાઈ કામગીરી દરમિયાન તેમની નજર ગાડીઓની વચ્ચે હરકત કરતી બાળકીને પર પડી હતી.નજીક જઈ તપાસ કરતાં નવજાત બાળકી જીવતી હાલતમાં જોવા મળતાં તેમણે તરત જ લોકોને જાણ કરી અને 108 ઈમરજન્સી સેવા સાથે પોલીસને સંપર્ક કર્યો હતો.

108 એમ્બ્યુલન્સની ટીમ થોડા જ સમયમાં ઘટનાસ્થળે પહોંચી હતી. બાળકીની પ્રાથમિક સારવાર કર્યા બાદ વધુ સારવાર અને સંભાળ માટે તેને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હોસ્પિટલ સૂત્રો મુજબ હાલ બાળકીને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવી છે અને તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક તપાસ દરમિયાન એવું સામે આવ્યું છે કે જ્યાં બાળકીને મૂકવામાં આવી હતી, ત્યાં કોઈ CCTV કેમેરા કાર્યરત નહોતાં. આથી પોલીસને શંકા છે કે બાળકીને મૂકી જનાર વ્યક્તિ સ્થાનિક વિસ્તારથી સારી રીતે પરિચિત હોઈ શકે છે. આરોપીએ કેમેરાની નજરથી બચવા માટે જ આ સ્થળ પસંદ કર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે.

આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. PSI એફ.એસ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ, ખાનગી બાતમીદારો અને અન્ય ટેક્નિકલ સૂત્રોના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે ટૂંક સમયમાં જવાબદાર વ્યક્તિ સુધી પહોંચવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Most Popular

To Top