Columns

સુપ્રિમ કોર્ટના કોલેજિયમ અને કેન્દ્ર સરકાર વચ્ચેનો જંગ વધુ ઉગ્ર બની રહ્યો છે

ભાજપના મોરચાની સરકારે સંસદ, કારોબારી અને મીડિયા પર પોતાનો અંકુશ જમાવી દીધો છે, પણ દેશના ન્યાયતંત્ર પર સંપૂર્ણ નિયંત્રણ જમાવવાની તેની ઇચ્છા બર આવતી નથી, તેનું કારણ હાઈ કોર્ટોમાં અને સુપ્રિમ કોર્ટમાં જજોની નિમણૂક માટેની કોલેજિયમ સિસ્ટમ છે. હાઈ કોર્ટોમાં અને સુપ્રિમ કોર્ટમાં નવા જજોની પસંદગીની સંપૂર્ણ સત્તા સુપ્રિમ કોર્ટના પાંચ ન્યાયમૂર્તિઓના બનેલા કોલેજિયમને આપવામાં આવી છે, જેના વડા ભારતના ચીફ જસ્ટિસ હોય છે. આ કોલેજિયમમાં સરકારનો કોઈ પ્રતિનિધિ નથી હોતો, જેને કારણે સરકારનો તેના પર કોઈ જાતનો અંકુશ પણ નથી હોતો.

કોલેજિયમની ભલામણ મુજબ જ સરકારે જજોની નિમણૂક કરવાની હોય છે. ઘણી વખત સરકારને કોઈ વ્યક્તિ જજ બને તે ગમતું ન હોય ત્યારે સરકાર કોલેજિયમની ભલામણ બાબતમાં નિર્ણય લેવામાં ઢીલ કરી શકે છે, પણ તેને ઠુકરાવી શકતી નથી. ભારતના વર્તમાન ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ સ્વતંત્ર મિજાજના હોવાથી સરકારને ગાંઠતા નથી. સરકારની માગણી કોલેજિયમમાં સરકારનો એક પ્રતિનિધિ રાખવાની છે, પણ ચંદ્રચૂડ તે માનવા તૈયાર નથી.

છેલ્લાં લગભગ ત્રણ વર્ષમાં સુપ્રિમ કોર્ટના કોલેજિયમ દ્વારા વિવિધ હાઈ કોર્ટોમાં જજ તરીકે પાંચ નામોની ભલામણ કરવામાં આવી હતી, પણ કેન્દ્ર સરકાર દ્વારા તે ભલામણોનો અમલ કરવામાં આવ્યો નથી, જેને કારણે સરકાર અને સુપ્રિમ કોર્ટ વચ્ચે ટકરામણની પરિસ્થિતિ પેદા થઈ છે. કોલેજિયમ દ્વારા અત્યાર સુધી સરકાર દ્વારા હાઈ કોર્ટના જજોની નિમણૂક બાબતમાં જે વાંધાઓ ઉઠાવવામાં આવતા હતા તે ખાનગી રાખવામાં આવતા હતા, પણ હવે કોલેજિયમે પહેલી વખત તે વાંધાઓ સુપ્રિમ કોર્ટની વેબસાઇટ પર મૂકીને સરકારની વાત છતી કરી દીધી છે. સરકાર દ્વારા વિવિધ હાઈ કોર્ટોમાં જજો તરીકે જે ત્રણ નામો મંજૂર કરવામાં નથી આવ્યાં તેનાં કારણો ઉપરાંત સુપ્રિમ કોર્ટના જવાબો પણ પહેલી વખત તેની વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યા છે.

સરકારનો પહેલો વાંધો દિલ્હી હાઈ કોર્ટના જજ તરીકે સૌરભ કિરપાલની નિમણૂક સામે છે. સરકારે કારણ આપ્યું છે કે તેઓ જાહેરમાં સજાતીય સંબંધોનો સ્વીકાર કરતા હોવાથી તટસ્થ રહી નહીં શકે. સરકારનો બીજો વાંધો એ છે કે તેમનો પાર્ટનર સ્વિસ નાગરિક છે. આ વાંધાનો જવાબ આપતાં કોલેજિયમે લખ્યું છે કે ‘ગે’વ્યક્તિને પણ હાઈ કોર્ટના જજ બનવાનો બંધારણીય અધિકાર છે. સૌરભ કિરપાલને હાઈ કોર્ટના જજ બનાવવાથી વૈવિધ્ય આવશે. વળી કોઈ વ્યક્તિનો પાર્ટનર વિદેશી નાગરિક હોય તેને કારણે તે જજ ન બની શકે, તેવું કોઈ કાયદામાં લખ્યું નથી.

સરકારનો બીજો વાંધો સોમશેખર સુંદરસેનને બોમ્બે હાઈ કોર્ટના જજ બનાવવા સામે છે. સરકારના કહેવા મુજબ તેમણે સોશ્યલ મીડિયામાં કોર્ટોમાં પેન્ડિંગ કેસો બાબતમાં પોતાનો મત વ્યક્ત કર્યો હતો, માટે તેમની નિમણૂક હાઈ કોર્ટમાં કરી શકાય નહીં. સુપ્રિમ કોર્ટના કોલેજિયમે તેનો જવાબ આપતાં લખ્યું છે કે દરેક વ્યક્તિને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે. કોઈ વ્યક્તિનો મત સરકારની વિરુદ્ધમાં હોય તેટલા માત્રથી તેને જજ બનવા માટે ગેરલાયક ગણી શકાય નહીં.

સરકારનો ત્રીજો વાંધો આર. રોહન સત્યનને મદ્રાસ હાઈ કોર્ટના જજ બનાવવા સામે છે. સરકારના કહેવા મુજબ તેમણે સોશ્યલ મીડિયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતો લેખ શેર કર્યો હતો. આ લેખ તબીબી કોલેજમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીના આપઘાત બાબતનો હતો. તેનો જવાબ આપતાં સુપ્રિમ કોર્ટના કોલેજિયમે લખ્યું છે કે સોશ્યલ મીડિયામાં કોઈ લેખ શેર કરવાને કારણે કોઈ વ્યક્તિની જજ બનવા માટેની લાયકાત ખતમ નથી થઈ જતી.

સુપ્રિમ કોર્ટના કોલેજિયમ દ્વારા છેક ૨૦૧૯ના જુલાઈમાં કોલકાતા હાઈ કોર્ટના જજ તરીકે બઢતી માટે અમિતેશ બેનરજી અને સાક્ય સેનનાં નામો સૂચવ્યાં હતાં. સરકારે મહિનાઓ સુધી તે બાબતમાં કોઈ નિર્ણય ન લઈને તે નામો ફેરવિચારણા માટે કોલેજિયમને પાછાં મોકલ્યાં હતાં. નિયમ પ્રમાણે જો કોલેજિયમ તે નામો ફરીથી મોકલે તો સરકાર સમક્ષ તેમની નિમણૂક કરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. કોલેજિયમે આ બે નામો ફરીથી મોકલ્યાં છે. હવે સરકાર શું કરે છે? તે જોવાનું રહે છે. એડવોકેટ અમિતેશ બેનરજી સુપ્રિમ કોર્ટના નિવૃત્ત જજ યુ.સી. બેનરજીના પુત્ર છે. તેમણે ૨૦૦૬માં ગોધરા કાંડના તપાસ પંચનું નેતૃત્વ સંભાળ્યું હતું. તેમણે એવું તારણ કાઢ્યું હતું કે સાબરમતી એક્સપ્રેસને જે આગ લગાવવામાં આવી તેમાં કોઈ પૂર્વનિયોજીત કાવતરું નહોતું. આ તારણ ભાજપ સરકારને હજમ ન થવાને કારણે અમિતેશ બેનરજીની નિમણૂક થતી નથી.

આ તમામ કિસ્સાઓમાં સરકારના વાંધાઓને પહેલી વખત જાહેરમાં મૂકીને સુપ્રિમ કોર્ટના કોલેજિયમે સરકારની માનસિકતા છતી કરી છે. જો કોઈ વ્યક્તિ વડા પ્રધાનની જાહેરમાં ટીકા કરે તો તેને હાઈ કોર્ટના જજ બનતાં રોકવાની ચેષ્ટા સરમુખત્યારશાહી માનસિકતા દર્શાવે છે. તેના પરથી ખ્યાલ આવે છે કે હાઈ કોર્ટોમાં કે સુપ્રિમ કોર્ટમાં સરકારની ટીકા કરનારા જજો ન આવી જાય, તેનું સરકાર કેટલું ધ્યાન રાખે છે. સુપ્રિમ કોર્ટના કોલેજિયમ ઉપર સરકાર દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે જજોની પસંદગી બાબતમાં તેઓ પારદર્શકતા જાળવતા નથી. આ વખતે કોલેજિયમે સરકારના વાંધાઓ ઉપરાંત તેના પોતાના જવાબો પણ જાહેર કરીને પારદર્શકતા બતાડી દીધી છે. કેન્દ્રના કાયદા પ્રધાન કિરણ રિજિજુ સુપ્રિમ કોર્ટના કોલેજિયમ સામે બાંયો ચડાવવા માટે જાણીતા છે. તેમણે તાજેતરમાં સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ પર પત્ર લખીને તેમને કોલેજિયમમાં એક સરકારી પ્રતિનિધિ સામેલ કરવાની ભલામણ કરી છે. કિરણ રિજિજુનો દાવો છે કે ભારતના બંધારણમાં ક્યાંય કોલેજિયમ સિસ્ટમની વાત કરવામાં આવી નથી. ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધાનકર પણ હવે સુપ્રિમ કોર્ટની આલોચનામાં કિરણ રિજિજુ સાથે જોડાયા છે. તેઓ પોતે એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરી ચૂક્યા છે અને કોલેજિયમ સિસ્ટમના વિરોધી છે.

ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધાનકરે હમણાં તોફાની વિધાન કર્યું હતું કે ‘જો સંસદની ઇચ્છા હોય તો બંધારણનો મૂળભૂત ઢાંચો પણ બદલી શકાય છે. ‘તેઓ કેશવાનંદ ભારતી કેસના ચુકાદાનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમાં સુપ્રિમ કોર્ટની ફુલ બેન્ચે ઠરાવ્યું હતું કે કોઈ સરકાર કે સંસદ પણ બંધારણના મૂળભૂત ઢાંચામાં ફેરફાર કરી શકે નહીં, કે જેના થકી ભારત દેશ લોકશાહી, પ્રજાસત્તાક અને સેક્યુલર બન્યો છે. હકીકતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ઉદ્દેશ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો છે. તેમાં કેશવાનંદ ભારતી કેસનો ચુકાદો નડે છે, માટે તેને રદ કરવાની માગણી જોર પકડી રહી છે.

સુપ્રિમ કોર્ટના કોલેજિયમમાં સરકારનો કોઈ પ્રતિનિધિ નથી તો પણ સરકાર સુપ્રિમ કોર્ટના અને હાઈ કોર્ટના જજોને કંઇક અંશે પોતાના નિયંત્રણમાં રાખી શકે છે, કારણ કે સરકાર પાસે હાઈ કોર્ટના જજોની બદલી કરવાની સત્તા છે. જો બોમ્બે હાઈ કોર્ટના કોઈ જજ સરકારને અનુકૂળ ન હોય તો તેમની બદલી મેઘાલય કે સિક્કીમ હાઈ કોર્ટમાં કરી દેવામાં આવે છે. વળી હાઈ કોર્ટના કે સુપ્રિમ કોર્ટના જજો સરકારને અનુકૂળ ચુકાદા આપતા હોય તો તેમને નિવૃત્તિ પછી કોઈ પંચના વડા કે રાજ્યસભાના સભ્ય કે કોઈ રાજ્યના ગવર્નર બનાવીને તેમને ઇનામ આપવામાં આવતું હોય છે.

Most Popular

To Top