National

ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં બરફવર્ષા, વરસાદથી સેંકડો રસ્તાઓ બંધ

નવી દિલ્હી: ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં આજે બરફ વર્ષા (Snow fall) અને હળવો વરસાદ (Rain) જોવા મળ્યો હતો જેના પગલે માર્ગો (Road) બંધ થઇ ગયા હતા અને ફ્લાઇટોને (Flight) અસર થઇ હતી, જો કે મેદાની વિસ્તારોમાં લઘુતમ તાપમાન થોડું વધ્યું હતું.

ઉત્તરાખંડના અનેક ભાગોમાં બરફ વર્ષા અને વરસાદને કારણે ઠંડી વધી હતી અને જમીન ધસી પડવાની ઘટનાઓને કારણે જેઓ રાહત છાવણીઓમાં રહી રહ્યા છે તેવા જોષીમઠના લોકોની ચિંતાઓમાં વધારો થયો હતો. ત્યાં ખરાબ હવામાનને કારણે જોખમી હોટલો ઉતારી પાડવાની કામગીરી પણ અટકાવી દેવી પડી છે. ચમૌલી, રૂદ્રપ્રયાગના અનેક વિસ્તારોમાં બરફ પડ્યો હતો જેમાં બદ્રીનાથ, કેદારનાથ, હેમકુંડ સાહિબ, નંદા દેવીનો પણ સમાવેશ થતો હતો. કાશ્મીરમાં પણ આજે નવેસરથી બરફ વર્ષા થઇ હી અને પરિણામે શ્રીનગર-જમ્મુ નેશનલ હાઇવે બંધ થઇ ગયો હતો. પહલગામ, અનંતનાગ, કુલગામ, શોપિયાન, પુલવામા, બડગામ સહિત અનેક સ્થળે બરફ પડ્યો હતો. બરફ વર્ષા અને નીચી દ્રશ્ય ક્ષમતાને કારણે શ્રીનગર એરપોર્ટ પરના ફ્લાઇટ ઓપરેશનોને અસર થઇ હતી. હિમાચલના ટેકરીયાળ વિસ્તારોમાં પણ મધ્યમ બરફવર્ષા થઇ હતી જેના કારણે ૨૭૮ જેટલા માર્ગો બંધ થઇ ગયા હતા. બરફ વર્ષાને કારણે ગંગોત્રી અને યમુનોત્રી મંદિરો તરફના માર્ગ પણ બંધ થઇ ગયા હતા. હિમાચલ પ્રદેશમાં નવેસરથી બરફવર્ષા પછી ૩૮૦ જેટલા માર્ગો બંધ થઇ ગયા હોવાના અહેવાલ છે. બરફ વર્ષાને કારણે જાણીતા ટુરિસ્ટ સ્પોટ શિમલામાં પર્યટકોની સંખ્યામાં થોડો વધારો નોંધાયો હતો.

બીજી બાજુ, રાષ્ટ્રીય રાજધાનીમાં લઘુતમ તાપમાનમાં વિક્રમી ૧૦.૬ ડીગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળ્યું હતું, જે સામાન્ય કરતા ત્રણ બિંદુ ઉપર હતું, જ્યારે મહત્તમ તાપમાન ૨૨ ડીગ્રી સેલ્સિયસની આસપાસ ઝળુંબતું રહે તેવી અપેક્ષા હતી. હરિયાણા અને પંજાબના મોટા ભાગના સ્થળોએ તાપમાનમાં થોડોક વધારો જોવા મળ્યો હતો અને લોકોને તીવ્ર ઠંડીમાં રાહત મળી હતી. હરિયાણાના અંબાલમાં લઘુતમ તાપમાન ૧૦ ડીગ્રી જેટલું જોવા મળ્યું હતું જ્યારે રોહતકમાં તો ૧૧ ડીગ્રી જેટલું થઇ ગયું હતું. પંજાબના અમૃતસરમાં લઘુતમ તાપમાન ૧૦ ડીગ્રી સેલ્સિયસ અને પઠાણકોટમાં ૧૦.પ ડીગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળ્યું હતું.

Most Popular

To Top