Dakshin Gujarat

બારડોલીમાં મસ્જિદ પાસે ખુલ્લી તલવાર અને ખંજરો સાથે શોભાયાત્રા સામે મુસ્લિમોનો વિરોધ

બારડોલી: રામનવમી (Ramnavmi) નિમિત્તે કાઢવામાં આવેલી શોભાયાત્રામાં (Shobhayatra) કેટલાંક અસામાજિક તત્ત્વો દ્વારા મસ્જિદ આગળ બીભત્સ ચેનચાળાં અને ગાળો બોલી ખુલ્લી તલવારો અને ખંજર, લાઠી રાખી નમાઝના સમયે ડી.જે. (D.J) વગાડી ફટાકડા ફોડી ધાર્મિક લાગણી દુભાવાઈ હોવાની ફરિયાદ (Complaint) સાથે બારડોલીના (Bardoli) મુસ્લિમ સમાજે બારડોલી પ્રાંત અધિકારી અને પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

  • રામનવમી નિમિત્તે બારડોલીના રામજી મંદિરથી ગોવિંદાશ્રમ સુધી શોભાયાત્રા નીકળી હતી
  • નમાઝ સમયે ડીજે અને ફટાકડા ફોડી ધાર્મિક લાગણી દુભાવ્યાનો આરોપ

મુસ્લિમ સમાજ દ્વારા સોમવારે આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર રવિવારે રામનવમી નિમિત્તે બારડોલીના રામજી મંદિરથી ગોવિંદાશ્રમ સુધીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. એ યાત્રા સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન મદરેસા માર્કેટથી સ્ટેટ બેંક સુધી જ્યાં લઘુમતી લોકોનો વસવાટ હોય તેમજ આ વિસ્તારમાં મિનારા મસ્જિદ આવેલી છે, ત્યાં શોભાયાત્રા પહોંચતાં જ ભય ઉત્પન્ન કરવાના ઇરાદે, ખુલ્લી તલવારો, ખંજરો, લાઠીઓ ઉપરાંત મુસ્લિમ લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવા સૂત્રોચ્ચારો અને નમાઝ સમયે મસ્જિદના દરવાજા સામે મુસ્લિમ સમાજ ઉશ્કેરાય એ રીતે ફટાકડા ફોડી સૂત્રોચ્ચાર કર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આવેદનપત્રમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, પોલીસ દ્વારા આ બાબતે કોઈ પગલાં ભરવામાં આવ્યાં ન હોવાથી આ ફરિયાદ કરવાની ફરજ પડી છે. ભૂતકાળમાં પણ આવી ઘટના છતાં મુસ્લિમ સમાજે શહેરની શાંતિ ન ડહોળાય એ માટે ચૂપકીદી સેવી વાતાવરણ શાંત રાખવાનો પ્રયત્ન કરેલો છે. તેમણે ભવિષ્યમાં આવી ઘટના ન બને તેમજ રવિવારે બનેલી ઘટના બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

ભરૂચમાં પડતર માંગણીઓ મુદ્દે આંગણવાડી સંગઠનની બહેનોએ કલેક્ટર કચેરી ગજવી
ભરૂચ: આંગણવાડી વર્કરો અને મુખ્ય સેવિકાઓને નોટિસો અને ધમકાવવાનું યથાવત રહેતાં આંગણવાડી વર્કરોમાં રોષ ફાટી નીકળ્યો છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા પડતર માંગણીઓના મુદ્દે ઉગ્ર દેખાવો કરવામાં આવી રહ્યા છે, જેમાં સ૨કારી મોબાઈલ કામ કરતા ન હોવાની તથા કામનો બોજ ઘટાડવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર પાઠવતી વેળા આંગણવાડી બહેનોએ વિવિધ નારાઓથી કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી.

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ ભરૂચમાં પડતર માંગણીઓ મુદ્દે આંગણવાડી બહેનોએ ઉગ્ર દેખાવો કર્યો હતો, જેમાં સરકારી મોબાઈલ કામ કરતા ન હોય, જેને તાત્કાલિક બદલાવવા અને વધુ પડતા કામનો બોજ ઘટાડવાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લા ૩૦ દિવસથી સતત દિવસ-રાત આંગણવાડી વર્કર અને મુખ્ય સેવિકાઓ તેમજ સી.ડી.પી.ઓ.ની મહેનત તેમજ તહેવારો અને રવિવારની રજામાં પણ કામ કર્યા છતાં કામગીરી પૂરી થઈ શકી નથી. સરકારી મોબાઈલમાં એપ્લિકેશન વર્ક કરતી ન હોવાથી તે કામ લાગતા જ નથી. જેથી આંગણવાડી બહેનોએ પોતાના અંગત મોબાઈલમાં કામ કરવું પડે છે. આમ છતાં આંગણવાડી વર્કરો અને મુખ્ય સેવિકાઓને નોટિસો અને ધમકાવવાનું યથાવત રહેતાં આંગણવાડી વર્કરોમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે સરકારી મોબાઈલ પરત લઇ કામગીરી ઘટાડવાની માંગ સાથે આંગણવાડી વર્કર બહેનોએ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું.

Most Popular

To Top