SURAT

સુરત: પિતાને અગ્નિદાહ આપ્યાના 48 કલાકમાં પુત્રએ ધો.10 બોર્ડમાં અઘરા વિષયની એક્ઝામ આપી

સુરત: જિંદગીમાં કેવી કેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે! આવી જ ઘટના શહેરના એક પુત્ર સાથે બની છે. પિતાને અગ્નિદાહ આપ્યાના 48 કલાકમાં પુત્રએ ધોરણ-10ની બેઝિક મેથ્સની પરીક્ષા આપી હતી. જેને પરીક્ષા માટે હિંમત સ્વજનોની સાથે શાળા પરિવારે આપ્યું હતું. આમ, મનોબળ મજબુત બનતા જ પુત્રએ આત્માવિશ્વાસથી પરીક્ષા આપી હતી.

ઉધના ખરવરનગરની પી. એચ. બચકાણીવાલા વિદ્યામંદિરમાં ધોરણ-10માં જીગ્નેશ રાણા અભ્યાસ કરે છે. જે હાલમાં ધોરણ-10ની શિક્ષણ બોર્ડની મુખ્ય જાહેર પરીક્ષા આપી રહ્યો છે. કેટલાક દિવસોથી જીગ્નેશના પિતા યોગેશ રાણા કમળાની બિમારીથી પિડાતા હોવાની સાથે હોસ્પિટલમાં દાખલ હોવાનું જણાયું હતું.

ગત બુધવારે જીગ્નેશના પિતા યોગેશભાઇએ સરાવાર દરમિયાન જ પોતાનો દમ તોડી દીધો હતો. પિતાના નિધન બાદ જીગ્નેશ મનથી ઢીલો પડી ગયો હતો અને પરીક્ષા અપાવવી કે નહીં અપવાવવી એવી મૂંઝવણમાં મૂકાઈ ગયો હતો. પરંતુ સ્વજનોની સાથે શાળા પરિવારે હિંમત અને હુંફ આપી હતી.

બન્નેએ પિતાની વધારે માર્ક્સ લાવવાની પ્રેરણા અને જીવનમાં શિક્ષણ સિવાય બીજું કઈ જ નથી એની વાત જણાવીને પરીક્ષા આપવા માટે તૈયાર કર્યો હતો. જે પછી જીગ્નેશે શુક્રવારે હિંમતભેર પરીક્ષા આપી હતી. શાળાના આચાર્ય રીતા ફૂલવાલાની સાથે શિક્ષકો સહિતના શાળાના આખા પરિવારે જીગ્નેશને ઉત્કૃષ્ટ પરિણામની શુભેચ્છા પાઠવવાની સાથે એમના પિતાજીના અવસાન નિમિત્તે દુઃખની લાગણી અનુભવી છે.

ધોરણ-10માં નાપાસ થવાની બીક, આ વખતે બેઝિક મેથ્સ લેનારા વિદ્યાર્થીઓ 6% વધ્યા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10ની મુખ્ય જાહેર પરીક્ષામાં મેથ્સ અને સાયન્સ વિષયમાં જ વિદ્યાર્થીઓ સૌથી વધારે ફેલ થતા હોય છે. વિદ્યાર્થીઓને પાસ કરવા માટે બોર્ડે 1થી 21 માર્ક્સ સુધીનું ગ્રેસિંગ આપવું પડતું હોય છે.

આમ, આવી હાલત જોતા જ બોર્ડે વર્ષ-2022થી મેથ્સના બે ભાગ પાડ્યા હતા. જેમાં બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સ હતું. વિદ્યાર્થીઓએ બે મેથ્સમાંથી કોઈ પણ એક મેથ્સ પસંદ કરી તેનો અભ્યાસ કરી પરીક્ષા આપવાની રહેતી હોય છે. દરમિયાન વર્ષ-2022માં ધોરણ-10ના 87,228 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 19,953 વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ મેથ્સ લીધું હતું, જ્યારે 67,275 વિદ્યાર્થીઓએ બેઝિક મેથ્સ લીધું હતું. આમ, 77% વિદ્યાર્થીઓએ બેઝિક મેથ્સ અને 33% વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ મેથ્સ લીધું હતું.

એ જ રીતે ચાલું વર્ષે એટલે કે વર્ષ-2023માં ધોરણ-10ના 85,931 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આમાંથી 14,579 વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ મેથ્સ અને 71,352 વિદ્યાર્થીઓએ બેઝિક મેથ્સ લીધું છે. આમ, અનુક્રમે 17% વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ મેથ્સ અને 83% વિદ્યાર્થીઓએ બેઝિક મેથ્સ લીધું છે.

બેઝિક મેથ્સનું આખું પેપર પુસ્તકમાંથી, વિદ્યાર્થીઓના ચહેરા ચમકી ઉઠ્યા
ધોરણ-10મા બેઝિક મેથ્સ વિષયની પરીક્ષા શુક્રવારે લેવાય હતી. જેમાં 71,352માંથી 70,248 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 1,068 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આમ, ધોરણ-10ની બેઝિક મેથ્સ વિષયમાં હાજરી 98.45% હાજરી રહી હતી.

નિષ્ણાતોનું કહેવું એમ હતું કે બેઝિક મેથ્સનું પેપર અપેક્ષા કરતા ખૂબ સહેલું હતું. પરીક્ષા આપીને બહાર નિકળેલા વિદ્યાર્થીઓના ચહેરા પર પણ સહેલા પેપરની ચમક દેખાતી હતી. મોટા ભાગના દાખલા પાઠ્ય પુસ્તકમાંથી આવ્યા હતા. રકમ પણ બદલવામાં આવી ન હતી. પેપર સાથે સાથે પરીક્ષા અપાવ્યા બાદ વિદ્યાર્થીઓની ખુશી જોતા નાપાસ થનારાની સંખ્યામાં ઘટાડો થશે.

બધા જ પ્રશ્નો પુસ્તકમાંથી, વિદ્યાર્થીઓને પર્સન્ટેજ ખેંચવામાં મદદ કરશે
ધોરણ-12માં સામાન્ય પ્રવાહમાં ઇકોનોમિક્સ વિષયની પરીક્ષા લેવાઈ હતી. જેમાં 49,032માંથી 48,607 વિદ્યાર્થી હાજર રહ્યાં હતા અને 425 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. આમ, હાજરી 99.13% રહી હતી. આ પેપર મામલે નિષ્ણાતોએ જણાવ્યું હતું કે પેપર એકંદરે સરળ રહ્યું હતું. બધા જ પ્રશ્નો પાઠ્ય પુસ્તકમાંથી આધારીત હતા. પેપરને જોતા સમય મર્યાદામાં વિદ્યાર્થીઓએ પૂર્ણ કરી દીધું હશે. વિદ્યાર્થીઓને પર્સન્ટેજ ખેંચવામાં મદદ કરી શકે એવું પેપર હતું.

Most Popular

To Top