SURAT

વરાછાના રત્નકલાકારના મોતના CCTV સામે આવ્યા, ટેરેસના દાદરા ચઢ્યો, પાછો નીચે આવ્યો અને…

સુરત: કાપોદ્રાની (Kapodara) યોગી જેમ્સની (Yogi Gems) ડાયમંડ ફેક્ટરીના (Diamond Factory) રત્નકલાકારના (Diamond Worker) અપમૃત્યુના કેસમાં જબરદસ્ત ટ્વીસ્ટ આવ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં બનેલી આ ઘટનામાં હવે રહી રહીને યોગી જેમ્સના માલિકો તેમજ મેનેજરો વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દરમિયાન હીરા ચોરીનો (Diamond Theft) આરોપ મુક્યા બાદ રત્નકલાકારે ફેક્ટરીની ટેરેસ પર જઈ જે કંઈ કર્યું તેના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે.

આ કેસની વિગત એવી છે કે મોટા વરાછામાં આવેલા શિવધારા કેમ્પસમાં રહેતા 38 વર્ષીય હાર્દિક ચંદુભાઈ નાવડીયા કાપોદ્રાની માધવબાગ સોસાયટીમાં આવેલી યોગી જેમ્સની ડાયમંડ ફેક્ટરીમાં રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. આ ફેક્ટરીમાં 1 વર્ષથી તેઓ કામ કરતા હતા. દરમિયાન ગયા સપ્ટેમ્બર મહિનામાં યોગી જેમ્સના કારખાનામાં હીરાનું પેકેટ ચોરાયું હતું. આ ચોરીનો આરોપ ફેક્ટરીના માલિક જિજ્ઞેશ ચલોડીયા તથા બે મેનેજરોએ હાર્દિક નાવડીયા પર મુક્યો હતો. ત્યાર બાદ હાર્દિકના કપડાં કઢાવી તેને ટોર્ચર કરાયો હતો. ઉપરાંત હાર્દિકના ડેબીટ કાર્ડ, પિન નંબર લઈ કોળા કાગળ પર કંઈક લખાણ કરાવી લેવાયું હતું. હાર્દિકને માર મરાયો હતો. તેને બદનામ કરાયો હતો. આ વાતનું હાર્દિકને ખોટું લાગી ગયું હતું, જેના પગલે હાર્દિક નાવડીયા ફેક્ટરીના ત્રીજા માળે ગયો હતો અને નીચે કૂદકો મારી દીધો હતો.

આ કેસમાં પોલીસે બે મહિના સુધી યોગી જેમ્સના માલિક અને બંને મેનેજરો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી ન હતી. પોલીસ કારખાના માલિકને બચાવવા પ્રયાસ કરતી હોવાનું ચિત્ર ઉભું થયું હતું. જોકે, મૃતક હાર્દિક નાવડીયાના ભાઈ કિરણે કોર્ટમાં ફરિયાદ કરી કાપોદ્રા પોલીસના પીઆઈ એન.એમ. ચૌધરી વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા. પીઆઈ કારખાના માલિક બચાવવા પ્રયાસ કરતા હોવાના આક્ષેપ કરાયા હતા, જેથી કોર્ટે પીઆઈને ખખડાવ્યા હતા અને આખરે આજે અઢી મહિના બાદ કાપોદ્રા પોલીસે યોગી જેમ્સના માલિકો અને બે મેનેજર વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો.

કોર્ટના આદેશ બાદ ગુનો નોંધાયો
મૃતક હાર્દિક નાવડીયાના ભાઈ કિરણ નાવડીયાએ જજ સમક્ષ નોંધ મુકી એવા આક્ષેપ કર્યા હતા કે 60 પાનાની નોટ તૈયાર કરવા છતાં કાપોદ્રા પોલીસે ફરિયાદ દાખલ કરી નથી. આ નોટ ગૃહમંત્રી, કમિશનર સહિત તમામ ઠેકાણે મોકલાઈ છે. છતાં કશું થયું નથી. આ નોટ પીઆઈને સોંપાઈ ત્યારે તેણે એવું કહ્યું હતું કે ચેક કરીશું. ગંભીર લાગશે તો ફરિયાદ કરીશું એમ કહી ઘરે મોકલી દેતા હતા. એટલું જ નહીં પીઆઈએ એવું પણ કહ્યું હતું કે ફરિયાદ દાખલ થશે નહીં, જ્યાં જવું હોય ત્યાં જાવ. આખરે કિરણભાઈએ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. કિરણભાઈએ વધુમાં કોર્ટને કહ્યું કે, પોલીસ ફરિયાદ પહેલાં જ આરોપીઓએ આગોતરા જામીન મુક્યા છે. કિરણભાઈ તમામ પુરાવા લઈ જજ સામે પહોંચ્યા હોય જેથી જ્જે પીઆઈને રૂબરૂ બોલાવી ખખડાવ્યા હતા. કોર્ટના આદેશ બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

સીસીટીવીમાં જોઈ શકાય છે કે રત્નકલાકારે કારખાનામાં જ…
રત્નકલાકાર હાર્દિક નાવડીયાના મોતના અઢી મહિના બાદ આ કેસમાં હવે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે હાર્દિક નાવડીયા કારખાનાના ટેરેસના દાદરા ચઢે છે. ટેરેસના દરવાજા તરફ જુએ છે. દરવાજો બંધ હોય તે પાછો નીચે ઉતરે છે અને ત્યાર બાદ બીજા કેમેરાના સીસીટીવી ફૂટેજમાં હાર્દિક નીચે પડતો દેખાય છે. આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ યોગી જેમ્સના માલિક અને મેનેજર વિરુદ્ધ કેસ મજબૂત બન્યો છે. કારખાનામાં જ કંઈક ખોટું થયું હોય તેથી જ હાર્દિકે કારખાનાના ત્રીજા માળેથી નીચે કૂદકો માર્યો હોવાનું સીસીટીવી ફૂટેજ જોતા લાગી રહ્યું છે.

Most Popular

To Top