SURAT

સુરતમાં વેકિસનનો બીજો ડોઝ નહીં લેનારને જાહેર સ્થળોએ પ્રવેશ પ્રતિબંધ!

સુરત: (Surat) સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ 100 ટકા લોકોને પ્રથમ ડોઝ આપવામાં સુરત મનપા અગ્રેસર રહી છે. પરંતુ શહેરમાં ઘણા પરપ્રાંતિયો પણ વસતા હોય તેઓ સરવેમાં આવ્યા નથી. જેથી આવા જે પરપ્રાંતિયો કે પછી અન્યોનો વેકિસનનો (Vaccination) પ્રથમ ડોઝ બાકી છે તેમને પણ મનપા (Corporation) દ્વારા ઝડપથી વેક્સિન આપવા માટેના આયોજનો કરવામાં આવી રહ્યાં છે. જેમાં મનપા ઘરે ઘરે જઈને વેક્સિન આપશે તેવું આયોજન કરવામાં આવશે.

  • બીજો ડોઝ લેનારાની સંખ્યા વધે તે માટે મહાપાલિકા દ્વારા આગામી દિવસોમાં કાર્યવાહી શરૂ કરાશે
  • જેમનો પ્રથમ ડોઝ બાકી છે તેમના માટે ડોર ટુ ડોર વેક્સિનેશન કામગીરી કરાશે, સ્પે. નંબર જાહેર કરાશે

હવે શહેરની જે સોસાયટીમાં 15 કે તેથી વધુ લોકોને વેક્સિન આપવાની હોય તો તેઓ મનપાને જાણ કર્યે મનપા દ્વારા સોસાયટીમાં જઈને વેક્સિન આપવાની સગવડતા કરી આપવામાં આવશે. તેમજ ટુંક સમયમાં વેક્સિનેશન માટે મનપા દ્વારા સ્પેશિયલ નંબર પણ જાહેર કરાશે. આ નંબર પર કોલ કરતા જ મનપાની ટીમ વેક્સિનેશન માટે આવી પહોંચશે. જાહેર સ્થળોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે કે, એક ડોઝ લીધો છે તે જાણી શકાય તેવા સ્કેનિંગ મશીન મુકાશે અને જેઓને વેક્સિનનો એક ડોઝ લીધા બાદ 84 દિવસ કરતા વધુ સમય થઈ ગયો હોય તેમ છતાં વેક્સિનનો બીજો ડોઝ ન લીધો હોય તેવા લોકોને જાહેર સ્થળો જેવા કે, મોલ, થિએટર, શોપિંગ કોમ્પલેક્સમાં એન્ટ્રી રિસ્ટ્રિક્ટ કરાશે તે પ્રકારના પગલા લેવામાં આવે તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી શહેરીજનો ઝડપથી વેક્સિનનો બીજો ડોઝ પણ લઈ લે.

40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવનારાઓને હવે મનપાની બસમાં મફત મુસાફરી

સુરત: સુરત મહાનગરપાલિકા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશન અંતર્ગત સિટીબસ તેમજ બીઆરટીએસ બસ શરૂ કરવામાં આવી છે. જેમાં મુસાફરોની સંખ્યામાં ઉત્તરો-ઉત્તર વધારો થઇ રહ્યો છે. હાલમાં બી.આર.ટી.એસ.ના કુલ 13 રૂટ તેમજ સિટીબસના કુલ 43 રૂટ ઉપર આશરે દૈનિક 2,25,000 જેટલા નાગરિકો બસનો લાભ લઈ રહ્યા છે. જેમાં મનપા દ્વારા સુરત મનીકાર્ડની પણ સુવિધા આપવામાં આવી છે. સાથે જ વધુમાં વધુ લોકો જાહેર સુવિધાનો લાભ લે તે માટે મનપા દ્વારા રાહત પણ આપવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અંતર્ગત વિવિધ 21 કેટેગરીના દિવ્યાંગ મુસાફરો કે જે 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેવા મુસાફરોને બસ મુસાફરીમાં 100 ટકા રાહત આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરાયો છે. જેથી સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત સિટિલિંક લિ.ની બોર્ડ મીટીંગમાં બસ સેવામાં દિવ્યાંગ મુસાફરો કે જે 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેઓને મુસાફરીમાં 100 ટકા રાહત આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તાકીદના ધોરણે લાભાર્થીઓને આ રાહત પ્રાપ્ત થાય તે માટે જરૂરી પ્રક્રિયાઓ હાથ ધરવા સૂચના પણ આપી દેવામાં આવી છે.

આ રાહત મેળવવા માટે સુરત મનીકાર્ડ સહિત જરૂરી આધાર પુરાવાઓ તથા સિવિલ હોસ્પિટલના અધિકૃત કરવામાં આવેલા અધિકારીનું 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોવાનું સર્ટીફીકેટ અથવા તો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા ઓળખ કાર્ડ રજુ કરી મેળવવાનું રહેશે. હાલમાં જે દિવ્યાંગ મુસાફરો 40 ટકા ડિસ્કાઉન્ટનો લાભ મેળવતા હોય તેવા લોકોને પણ 100 ટકા ડિસ્કાઉન્ટનો લાભ મળશે.

Most Popular

To Top