SURAT

કતારગામમાં લારીવાળાઓ પર સુરત પાલિકાના ગાર્ડ દંડા લઈ તૂટી પડ્યા, હાથ-પગ તોડી નાંખ્યા

સુરત (Surat): સરથાણા પીઆઈ દ્વારા ફાસ્ટફૂડના દુકાનદાર અને ગ્રાહકોને લાતો માર્યાનો વિવાદ હજુ શાંત થયો નથી ત્યાં હવે સુરત મનપાના (SMC) સિક્યુરીટી ગાર્ડની (Sequrity Guard) દાદાગીરીનો મામલો બહાર આવ્યો છે. મનપાના સિક્યુરીટી ગાર્ડે કતારગામના શાકભાજીની લારીવાળાઓને (Vegetables Hawkers) દંડાથી ઢોર માર માર્યો હોવાની ફરિયાદ (Complaint) સામે આવી છે. મનપાના ચીફ સિક્યુરીટી ઓફિસર દ્વારા આ મામલે તપાસના (Inquiry) આદેશ કરાયા છે.

  • સુરતના કતારગામ ઝોન બહારની ઘટના
  • ત્રણથી ચાર સિક્યુરીટી ગાર્ડે આતંક મચાવ્યો
  • શાકભાજીના લારીવાળાને દંડાથી માર માર્યો
  • ગાળો દઈ ઢોર માર મારનાર ગાર્ડ વિરુદ્ધ ફરિયાદ
  • સુરત મનપા દ્વારા તપાસના આદેશ અપાયા

કતારગામ ઝોનની બહાર શાકભાજી અને અન્ય ચીજવસ્તુનું લારી પર વેચાણ કરનારા વિક્રેતાઓ પર સુરત મનપાના સિક્યુરીટી ગાર્ડે દંડાવાળી કરી હોવાની ફરિયાદ ઉઠી છે. ગાર્ડ દ્વારા રીતસર આ વિસ્તારમાં આતંક મચાવવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. આ અંગે મળતી વિગત અનુસાર સુરત મનપાના કર્મચારીઓ કતારગામ ઝોનની બહાર દબાણ દૂર કરવા પહોંચ્યા ત્યારે લારીવાળાઓમાં નાસભાગ મચી ગઈ હતી, તેઓ પોતાની ચીજવસ્તુઓને લારી સાથે લઈ સ્થળ છોડવા માંડ્યા હતા. ત્યારે મનપાના ચાર પાંચ સિક્યુરીટી ગાર્ડ આવ્યા હતા. અને મારવા લાગ્યા હતા.

શાકભાજીના વિક્રેતાએ કહ્યું કે, સાંજે 6.30 વાગ્યા પછીની ઘટના છે. અમે લારી પર માલસામાન વેચી રહ્યાં હતાં ત્યારે ત્રણ સિક્યુરીટી ગાર્ડ અહીં નજીકમાં બેસી ચા પી રહ્યાં હતાં. પરંતુ 6.30 કલાકે મનપાના દબાણ ખાતાના કર્મચારીઓ આવ્યા ત્યારે અમે ભાગવા લાગ્યા હતા ત્યારે એકાએક 3 સિક્યુરીટી ગાર્ડ અમારી પર તૂટી પડ્યા હતા. ત્રણ જણા દંડા મારવા લાગ્યા હતા. અમે પૂછ્યું કે, અમને કેમ મારો છો? તો કહ્યું, તુમ્હારે બાપ કે નોકર હૈ.. તુમ લારી લગાતે હો ઓર હમ પર સાહબ ચિલ્લાતે હૈ.. આમ કહી દંડાથી ખૂબ માર્યા. ખેંચી ખેંચીને માર્યા. બીજા વિક્રેતાએ કહ્યું કે, ગાર્ડ કારણ વિના મારી રહ્યાં હતાં.
આ મામલે ચીફ સિક્યુરીટી ઓફિસર જાગૃત નાયકે તપાસના આદેશ આપ્યા છે. નાયકે કહ્યું કે, સમગ્ર મામલો અમારા ધ્યાન પર આવ્યો છે. વિગતો મંગાવી છે. જે વિક્રેતાઓને મારવામાં આવ્યા છે તેઓ પાસે પણ વિગત મેળવવામાં આવી રહી છે. ગાર્ડનો વાંક જણાશે તો ચોક્કસ પગલાં લેવામાં આવશે.

Most Popular

To Top