SURAT

દર વર્ષે ચોમાસામાં સુરતમાં ખાડીપૂરનું સંકટ,કાયમી ઉકેલ માટે કેન્દ્ર સરકારની નિષ્ણાત ટીમ મેદાને

ખજોદ વિસ્તારમાં ઝીંગા તળાવો દૂર કરવાની કામગીરી શરૂ : સુરત શહેરમાં છેલ્લા ચાર–પાંચ વર્ષથી ચોમાસા દરમિયાન ખાડીપૂર (પાણી ભરાવાની) સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. તાપી નદીના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં દર વર્ષે સુરતના ખાડી તટીય વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે, જેના કારણે ભારે આર્થિક નુકસાન સાથે લાખો નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે ખાડીપૂરની સમસ્યાના કાયમી નિરાકરણ માટે કેન્દ્ર સરકારના નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે.

સુરત મહાનગરપાલિકા કમિશનરના માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ વોટર કમિશન અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇડ્રોલોજીના નિષ્ણાતોની ટીમ સુરતમાં પહોંચી છે. ટીમ દ્વારા શહેરની ભૌગોલિક સ્થિતિ, વરસાદી પેટર્ન, ખાડીઓના પ્રવાહ અને પાણી ભરાવાના વિસ્તારોના ડેટાના આધારે વિવિધ પાસાઓનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે.

નિષ્ણાતોની ટીમ જરૂરી સ્થળોએ મુલાકાત લઈને ખાડીપૂરના કારણોનું વિશ્લેષણ કરશે અને ટૂંકા તેમજ લાંબા ગાળાના આયોજન માટે સુરત મહાનગરપાલિકાને માર્ગદર્શન આપશે. નિષ્ણાતો દ્વારા આપવામાં આવનારા સૂચનોના આધારે તાત્કાલિક કામગીરી હાથ ધરાશે.

ટાઉન પ્લાનિંગ સ્કીમમાં ખાડીઓની અવગણના બન્યું મુખ્ય કારણ : પર્યાવરણ સંસ્થાઓના અહેવાલમાં કુદરતી પ્રવાહમાં અવરોધ જવાબદાર ગણાયા જો કે સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી દર ચોમાસે ખાડીપૂરની સમસ્યા વધુ ગંભીર બની રહી છે. પર્યાવરણ સુરક્ષા સમિતિ અને પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ દ્વારા કરાયેલા સર્વે અનુસાર ટાઉન પ્લાનિંગ સ્કીમમાં ખાડી વિસ્તારોની અવગણના તેમજ કુદરતી પાણીના પ્રવાહમાં અવરોધ સર્જતા ગેરકાયદેસર બાંધકામો ખાડીપૂર માટે મુખ્ય જવાબદાર ગણાયા છે. જૂન 2025માં પ્રકાશિત થયેલા અહેવાલમાં ખાડીઓના કુદરતી પ્રવાહને પુનઃસ્થાપિત કરવા, અવરોધો દૂર કરવા અને ઝીંગા તળાવો જેવા ગેરકાયદેસર તત્વોને દૂર કરવાની ભલામણ કરવામાં આવી હતી.

ખજોદ વિસ્તારમાં ઝીંગા તળાવો દૂર કરવાની કામગીરી શરૂ : ડ્રેનેજ વિભાગ દ્વારા 41 ચોરસ કિલોમીટર વિસ્તારમાં કાર્યવાહી, ખાડીપૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાડીઓની સફાઈનું કામ એક મહિના પહેલાં જ શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત ગુજરાત સરકારના ડ્રેનેજ વિભાગ દ્વારા ખજોદ વિસ્તારમાં કાંકરા ખાડી આસપાસ અંદાજે 41 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા ઝીંગા તળાવો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
મીંઢોળા નદી સાથે જોડાયેલા વિસ્તારોમાં પણ પાણીના કુદરતી પ્રવાહને સરળ બનાવવા પગલાં લેવાઈ રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસો શહેરને ખાડીપૂરની સમસ્યામાં કેટલો કાયમી રાહત અપાવે છે.

Most Popular

To Top