Business

ફરી એકવાર 25 ટકાનો વેરો વધારો ઝીંકાતા સચીન જીઆઈડીસીના ઉદ્યોગકારો નારાજ

સુરત (Surat): સચીન જીઆઈડીસીના (Sachin GIDC) 2250 ઉદ્યોગકારો ઉપર ફરી એકવાર 25 ટકા જેટલો વેરો (Tax) વધારો ઝીંકવાની હિલચાલ થતાં વિરોધના સૂર ઉઠ્યા છે. સચીન નોટિફાઇડ દ્વારા ઉદ્યોગકારોને કોન્સોલિડેટેડ ટેક્સની નોટિસ (Notice) મોકલાયા બાદ ઉદ્યોગકારોએ ચીફ નોટિફાઇડ ઓફિસર અને જીઆઈડીસીના એમડીને ફરિયાદ કરી છે.

  • સચીન જીઆઈડીસીના ઉદ્યોગકારોનો વેરા વધારા સામે વિરોધ
  • સચીનમાં 25 ટકા વેરો વધારવા નોટિસ મોકલાતા ઉદ્યોગકારો નારાજ
  • જીઆઈડીસીના એમડી અને નોટિફાઈડના ચીફ ઓફિસરને ફરિયાદ કરી

પ્રાપ્ત માહિતી અનુસાર સચીન નોટિફાઇડ કચેરી દ્વારા હાલમાં ચાલુ થતા ચાર વર્ષના બ્લોકની આકારણીના દરમાં ટેક્સ સ્ટ્રક્ચર રેટમાં 25 ટકા જેટલો તોતિંગ વધારો સાથેની કોન્સોલિડેટેડ ટેક્સની નોટિસ સચીન જીઆઈડીસીના 2250 ઉદ્યોગકારોને મોકલવામાં આવી છે. જે અયોગ્ય અને અન્યાયી હોવાની ફરિયાદ સચીન ઈન્ડસ્ટ્રીયલ કો.ઓ. સોસાયટીના માજી પ્રમુખ નિલેશ ગામી અને માજી સેક્રેટરી મયૂર ગોળવાલા દ્વારા જીઆઈડીસીના એમડી અને ચીફ નોટિફાઇડ ઓફિસરને કરવામાં આવી છે. નિલેશ ગામીએ કહ્યું કે, બે વર્ષથી કોરોનાના લીધે ઉદ્યોગકારો મંદીનો સામનો કરી રહ્યાં હોય તેઓ વેરો વધારો સહન કરી શકે તેમ નથી. તેથી આ વેરો વધારો પાછો ખેંચવામાં આવે. વધુમાં ગામીએ કહ્યું કે, છેલ્લાં 4 વર્ષમાં 75 ટકા વેરો વધારો ઝીંકાયો છે, જે અન્યાયી છે. માત્ર ચાર વર્ષના ટૂંકા સમયમાં ઉદ્યોગકારો પર વેરાનું ભારણ બમણું થયું છે. 2250 ઉદ્યોગકારોના હિતમાં આ વેરો વધારો પાછો ખેંચી લેવો જોઈએ.

માજી સેક્રેટરી મયૂર ગોળવાલાએ કહ્યું કે, વર્તમાન શાસકોએ ચાર વર્ષમાં આ ચોથી વાર વેરો વધારો કર્યો છે. 2018-19માં 25 ટકા, 2019-20માં 10 ટકા, 2021-22માં 10 ટકા અને હવે 2022-23માં 25 ટકાનો વધારો ઝીંકી રહ્યાં છે. કોરોનાના કપરા સમયમાં પણ વહીવટદારોએ સચીન જીઆઈડીસીના ઉદ્યોગકારો પર વેરાનો બોજો વધાર્યો છે. આમ માત્ર ચાર વર્ષના ટૂંકા ગાળામાં સચીન જીઆઈડીસીના ઉદ્યોગકારોના વેરામાં 75 ટકા લગભગ બે ગણો વધારો થઈ ચૂક્યો છે. જે અન્યાયી છે. ગોળવાલાએ વધુમાં કહ્યું વહીવટ પ્રત્યેની અણઆવડત છુપાવવા માટે વહીવટકારો ઉદ્યોગકારો પર વેરો વધારી રહ્યાં છે. ગોળવાલાએ શાસક પક્ષના વહીવટને ગેરવહીવટ ગણાવ્યો હતો. વધુમાં ગોળવાલાએ કહ્યું કે, ભૂતકાળમાં જ્યારે વર્તમાન શાસકો સત્તા પર નહોતા ત્યારે તેઓ જાતે જ વેરા વધારાનો વિરોધ કરવા મોરચો કાઢતા હતા અને હવે તેઓ અસહ્ય વેરો વધારી રહ્યાં છે.

Most Popular

To Top