Dakshin Gujarat

સુરતનો પરિવાર બોરિયાચ ટોલનાકા પાસે ફાસ્ટટેગ રિચાર્જ કરવા ઉભો રહ્યો અને આઈસરે ટક્કર મારી દીધી

નવસારી: (Navsari) વલસાડ માતાના દર્શન કરવા જતા સુરતના (Surat) રહીશોએ નેશનલ હાઈવે (National Highway) નં. 48 ઉપર ભૂલા ફળિયા ગામ પાસે ફાસ્ટટેગ રિચાર્જ કરવા કાર ઉભી રાખતા આઈસર ટેમ્પાએ (Tempo) ટક્કર મારતા કાર ફંગોળાઈને રોડની સાઈડમાં જતી રહેતા 5ને ઈજા થઈ હોવાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.

  • ફાસ્ટટેગ રીચાર્જ કરવા માટે ઉભેલી કારને આઈસરે ટક્કર મારી ફંગોળતા 5ને ઈજા
  • સુરતનો પરિવાર વલસાડ માતાના દર્શન કરવા જતો હતો ત્યારે ભૂલા ફળિયા પાસે અકસ્માત નડ્યો

મળતી માહિતી મુજબ, સુરત ઉધના ભાઠેના રોડ પર ઉષાનગર સોસાયટીમાં વિકાસભાઈ ગણપતભાઈ રાણા તેમના પરિવાર સાથે રહે છે. ગત ૧૪મીએ વિકાસભાઈ તેમની પત્ની દક્ષાબેન, દીકરો માન, દીકરી ઈશીકા, સાળો રાકેશભાઈ અશોકભાઈ રાણા, તેની પત્ની દક્ષાબેન, દીકરી ધ્રુવી, દીકરો શ્યામ, સાઢુભાઈ વિનોદભાઈ મણીલાલ પટેલ, સાળી રજનીબેન, દીકરી શ્રીયા અને મયંક સાથે ઇકો કાર (નં. જીજે-05-આરસી-5931) લઈને વલસાડ પારનેરા વિશ્વમભરી માતા મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા. ત્યારે નેશનલ હાઈવે નં. 48 ઉપર બોરિયાચ ટોલનાકા પહેલા ભુલાફળિયા ગામ પાસે ફાસ્ટટેગ રિચાર્જ કરવા વિકાસભાઈએ તેમની ઇકો કાર રોડની સાઈડમાં ઉભી રાખી હતી. ત્યારે પાછળથી આવતા આઈસર ટ્રક (નં. જીજે-06-બીટી-3582) ના ચાલકે વિકાસભાઈની કારને ટક્કર મારતા કાર રોડની સાઈડમાં ફંગોળાઈ ગઈ હતો.

જેથી કાર બેસેલા તમામને શરીરે ઈજાઓ થતા 108 એમ્બ્યુલન્સ મારફતે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જેમાં વિકાસભાઈની દીકરી ઈશીકાને માથાના ભાગે 8-10 ટાકાઓ આવ્યા હતા. જ્યારે સાળી રજનીબેન, સાઢુભાઈની દીકરી શ્રેયાને, દીકરા મયંક અને સાળા રાકેશભાઈને શરીરે ઈજાઓ થઈ હતી. આ બનાવ અંગે વિકાસભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે આઈસર ટેમ્પાના ચાલક અને વડોદરા મકરપુરા જી.આઈ.ડી.સી. ચોખડી કંસારાપોળમાં રહેતા રાહબહાદુર પતીરામ યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હે.કો. નયનભાઈને સોંપી છે.

Most Popular

To Top