SURAT

સરથાણા ખાતે રહેતા યુવકને 18 લાખના હિસાબ માટે ઘરે બોલાવી બાથરૂમમાં પુરી રાખ્યો

સુરત: (Surat) સરથાણા ખાતે રહેતા અને અગાઉ લેબર કોન્ટ્રાક્ટરનું (Labor Contractor) કામ કરતા યુવકને 18 લાખ રૂપિયાના હિસાબ માટે જમીન દલાલે ગોડાદરા ખાતે તેના ઘરે બોલાવ્યો હતો. ઘરે બોલાવી યુવકને શર્ટ કઢાવી બાથરૂમમાં (Bathroom) પુરી રાખ્યો હતો. યુવકે તેના મોટાભાઈને જાણ કરવા પ્રયાસ કરતા જમીન દલાલ સુર્યા તિવારીએ ચપ્પુના ઘા ઝીંકી દીધી હતા. બાદમાં યુવકના મોટાભાઈએ ફોન ઉપર બે લાખ રૂપિયા ત્રણેક દિવસમાં આપવાની ખાતરી આપતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં અવધ માર્કેટ પાસે બાઈક (Bike) ઉપર ઉતારી આવ્યા હતા.

સરથાણા જકાતનાકા પાસે વ્રજરાજ ટાઉનશીપમાં રહેતા 40 વર્ષીય ગોર્ધનભાઈ કાનજીભાઇ રાદડીયા મુળ સાવરકુંડલા, અમરેલીના વતની છે. તેઓ સરથાણા ખાતે આવેલા ગોપી જ્વેલમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. અગાઉ તેઓ લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરતા હતા. ચારેક વર્ષ પહેલા તેમની જમીન દલાલ સુર્યા તિવારી સાથે મુલાકાત થઈ હતી. પરિચય થયાના એકાદ વર્ષ પછી સુર્યાને ઉછીના ટુકડે ટુકડે 18 લાખ રૂપિયા આપ્યા હતા. જે સુર્યા તિવારીએ આજદિન સુધી ચુકવ્યા નથી. ગત 22 તારીખે સવારે સુર્યા તિવારીને ફોન કરીને નાણા પરત આપવા કહ્યું હતું. જેથી તેને મહારાણા ચાર રસ્તા ગોડાદરા પાસે તેના ઘરે હિસાબ કરવા બોલાવ્યો હતો. ગોર્ધનભાઈ બાઈક ઉપર એકલા પહોંચી જતા મહારાણા પ્રતાપ ચોક પાસે ઉમિયાનગરમાં તેના ઘરે લઈ ગયો હતો. તેની સાથે દોઢેક કલાક બેસીને ધંધાકીય વાતો કરી હતી. અને બાદમાં બે અજાણ્યાઓએ આવીને ગોર્ધનભાઈ પાસેથી મોબાઈલ ફોન, તેમની બાઈકની ચાવી અને હિસાબના ચોપડા લઈ લીધા હતા. અને તેમનું શર્ટ કઢાવી સુર્યા તિવારી અને તેની સાથેના બે અજાણ્યાઓએ ગોર્ધનભાઈને બાથરૂમમાં પુરી દીધા હતા.

બપોરે સુર્યા તિવારીએ ગોર્ધનભાઈને બાથરૂમમાંથી બહાર કાઢ્યા હતા. ગોર્ધનભાઈએ એક ફોન કરવા વિનંતી કરી હતી. અને તેમના મોટાભાઈને ફોન કરીને હકીકત જણાવી આ ફોનના આધારે લોકેશન કઢાવી ત્યાં પહોંચવાનું કહ્યું હતું. સુર્યા તિવારી આ વાત સાંભળી જતા ટેબલ પર પડેલા ચપ્પુ વડે પેટ્ની ડાબી બાજુએ તેમજ જમણી બાજુએ તથા ડાબા હાથે કાંડાના ભાગે ઘા મારી ઈજા કરી હતી. આજે તો તને જીવતો છોડીશ નહી તેવું કહી મારવાની ધમકી આપી હતી. ગોડાદરા પોલીસે સુર્યા તિવારી અને બે અજાણ્યા સામે ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

ત્રણેક દિવસમાં બે લાખ આપવાની ખાતરી આપતા છોડ્યો
સુર્યા સાથેના બીજા બે અજાણ્યાઓ પૈકી એકે જમણા હાથના બાવડાના ભાગે લોખંડના સળીયાથી મારમારી ગાળો આપી રૂપિયા બે લાખની માંગણી કરી હતી. અને જો નહી આપેતો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગોર્ધનભાઈના મોટા ભાઈએ ફોન ઉપર સુર્યાને ત્રણેક દિવસમાં બે લાખ આપવાની ખાતરી આપી હતી. અને ત્યારબાદ સુર્યા ગોર્ધનભાઈને બાઈક ઉપર બેસાડી ગોડાદરા અવધ માર્કેટ પાસે ઉતારી ગયો હતો. અને ત્યાંથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Most Popular

To Top