Dakshin Gujarat

રૂમલામાં દારૂ ભરેલી કાર ઇલેક્ટ્રીક થાંભલા સાથે અથડાઈ, મહિલાનું મોત

ખેરગામ: (Khergam) ખેરગામ નજીક આવેલા રૂમલાના મંગળપાડા પાસે પુરઝડપે ગફલતભરી રીતે દારૂ (Alcohol) ભરીને જતી કાર રોડની સાઈડમાં થાંભલા સાથે અથડાતાં પલટી મારી ગઈ હતી. કારમાં સવાર મહિલાને માથા અને શરીરના ભાગે ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું. કારચાલક (Car Driver) પોલીસને જોઈને કારને યુ ટર્ન મારી ભાગતી વેળાએ અકસ્માત સર્જાતા ઘટના બની હતી. પોલીસે (Police) કારમાંથી રૂ.14,000નો દારૂ કબજે લેવા સાથે અન્ય બેને ઝડપી પાડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ખેરગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ધરમપુરના કાનુરબરડા આહિર ફળિયામાં રહેતા હરેશ નરસિંહ મનસુખ પટેલે પોલીસ મથકે આપેલી ફરિયાદ અનુસાર કાર નં. GJ-5-JB 3061નો ચાલક ધરમપુર કાનુરબરડા આહિર ફળિયામાં રહેતો હિરેન હરેશ પટેલની બીજી પત્નીની દીકરી દિક્ષીતા બીપીન વજરી (રહે. કરંજવેરી હાલે રહે. કાનુરબરડા) સાથે કારમાં ઇંગ્લિશ દારૂ ભરીને સોનગઢનો તેજસ ઉર્ફે તેજાને આપવા જતી હતી. તે વેળાએ પોલીસે તેની કારને રોકવા ઈશારો કરતા પોલીસને જોઇ ત્યાંથી યુ ટર્ન મારી લઈ કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ જતી વેળાએ રુમલા મંગળપાડા રાનકુવા ધરમપુર રોડ ઉપર વિઠ્ઠલ પટેલના ઘર પાસે કારને રોડની સાઈડે લીધી હતી.

જ્યાં ઈલેક્ટ્રીક થાંભલા સાથે અથડાતા કાર પલટી જતા કારમાં બેસેલી દિક્ષીતાને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર માટે રૂમલા સીએચસી ખાતે લઇ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. પોલીસે કારમાંથી વગર પાસ પરમીટ વિનાનો ઇગ્લિશ દારૂની બોટલ નંગ 192 ની કિં.રૂ.14,000 સાથે કારચાલક હિરેન પટેલ અને નિલેશ ગુલાબ નાયકાની ધરપકડ કરી ઘટનાની વધુ તપાસ ખેરગામ પોલીસ મથકના મહિલા પીએસઆઇ એસ.એસ.માલે હાથ ધરી હતી.

નવસારી ગ્રીડ ઓવરબ્રિજ પાસેથી દારૂ ભરેલી રીક્ષા સાથે એક ઝડપાયો, 2 વોન્ટેડ
નવસારી : નવસારી એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે ગ્રીડ ઓવરબ્રીજ પાસેથી 48 હજારના વિદેશી દારૂ ભરેલી રીક્ષા સાથે એકને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂ મંગાવનાર 2 મહિલાને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે ગ્રીડ ઓવરબ્રીજ પાસેથી એક રીક્ષા (નં. જીજે-15-વાયવાય-5242) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને પ્લાસ્ટિકના મીણીયા થેલામાંથી 48,925 રૂપિયાની વિદેશી દારૂની 357 નંગ બાટલીઓ મળી આવતા સુરત પલસાણા તાલુકાના કડોદરામાં જોલવા ગામે આરાધના સોસાયટીમાં રહેતા ગણેશભાઈ સંતોષભાઈ બીજાગરેને ઝડપી પાડ્યો હતો. પોલીસે ગણેશભાઈની પૂછપરછ કરતા સુરતમાં રહતી લક્ષ્મી ઉર્ફે રેશ્મા અને સુમનબેન રાજપૂતે દારૂ મંગાવ્યો હોવાનું કબુલ્યું હતું. જેથી પોલીસે લક્ષ્મી ઉર્ફે રેશ્મા અને સુમનબેનને વોન્ટેડ જાહેર કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહિત 1 લાખની રીક્ષા, રોકડા 270 રૂપિયા અને 500 રૂપિયાનો મોબાઈલ મળી કુલ્લે 1,49,695 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top