SURAT

સુરત જાણે મેક્સિકો બન્યું!, ખુલ્લેઆમ એક્ટિવા પર ગાંજાની હેરાફેરી અને..

સુરત: કામરેજ પોલીસે ગત 25 ફેબ્રુઆરીએ ગાંજાના જથ્થા સાથે રિક્ષા ચાલકને ઝડપી પાડ્યા બાદ આ જથ્થો મંગાવનાર આરોપીની આજે કતારગામ, ગજેરા સર્કલ પાસેથી ધરપકડ કરી હતી.

  • કામરેજમાં 33.530 કિગ્રા ગાંજાનો જથ્થો મંગાવનાર વોન્ટેડ લાલગેટ પાસેથી ઝડપાયો
  • ગાંજો મંગાવનાર ગોરા-પિલ્લા ચોરીની એક્ટિવાનો નંબર કાઢી તથા કલર પણ બદલીને ફરતો હતો

કામરેજ પોલીસે ગત 25 ફેબ્રુઆરીએ આરોપી રઇશ ઉર્ફે બુટવાલા અબ્દુલ રાજ (રહે. બાપુનગર બોરડી, રાંદેર) ને ઓટો રિક્ષામાં 3.35 લાખની કિમતના 33.530 કિગ્રા ગાંજાની હેરાફેરી કરતા ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછમાં આ ગાંજો માલેગાંવ ખાતે રહેતા વોન્ટેડ આરોપી પાસેથી મંગાવ્યો હતો. આ ગાંજો ગોરા પીલા નામની વ્યક્તિ (રહે. કતારગામ અંબાજી મહોલ્લો) ને આપવાનો હોવાનું જણાવ્યું હતું. આ આરોપીને પકડવા એસઓજીની ટીમ કામે લાગી હતી. દરમિયાન બાતમીના આધારે ગાંજાનો જથ્થો મંગાવનાર ગોરા – પિલ્લા નામના વ્યક્તિને ચોરીની એક્ટિવા મોપેડ સાથે કતારગામ ગજેરા સર્કલ પાસેથી પકડી પાડ્યો હતો. આરોપીનું નામ પુછતા રાજા ઉર્ફે ગોરાપીલા બંસીધર બીશોઇ (ઉ.વ.22, રહે. ઉત્કલનગર ઝુપડપટ્ટી, જુની જી.આઇ.ડી.સી. કતારગામ તથા મુળ ગંજામ, ઓડીસા) હોવાનું જણાવ્યું હતું. આરોપીની પુછપરછ કરતા જણાવ્યું હતું કે, પોતે ચોરી છુપીથી કતારગામ અશ્વીની કુમાર રેલ્વે પટરી ઉપર ગાંજો વેચતો હતો. આ ગુનામાં અગાઉ પકડાયેલા આરોપી રઇશ ઉર્ફે બુટવાલા અબ્દુલ રાજવાળા પાસેથી ગાંજો મંગાવ્યો હતો. પરંતુ કામરેજ પોલીસે પકડી પાડ્યો હતો. પોતે વોન્ટેડ હોવાથી સુરતથી ભાગવાની ફિરાકમાં હતો.

એક્ટિવાનો નંબર કાઢી કલર બદલીને ફરતો હતો
ત્રણેક મહિના પહેલા તેના મિત્ર પાસેથી આ ચોરીની એક્ટિવા ખરીદી હતી. એક્ટિવાનું એક્સિડન્ટ થતાં તે એક્ટિવા રીપેર કરાવી પોલીસ તેને પકડી ન શકે તે માટે તેનો નંબર કાઢી લીધો હતો. અને તેના લાલ કલરની જગ્યાએ ગ્રે કલર કરી નાખ્યો હતો. આ એક્ટીવા લાલગેટ પોલીસ સ્ટેશન હદમાંથી ચોરી થઈ હતી.

પાંડેસરામાં ગાંજો તથા ડ્રગ્સ પીવા માટે વપરાતી સ્ટિક વેચતા બે ઝડપાયા
સુરતઃ પાંડેસરા પોલીસે નો ડ્રગ્સ ઇન સિટી ઝુંબેશ હેઠળ તપાસ દરમિયાન ગાંજો તથા ડ્રગ્સ પીવા માટે વપરાતી સ્ટિક ગોગો પેપર્સ – કોબ્રા પેપર્સ સાથે બે આરોપીને ઝડપી પાડ્યાં હતાં. પાંડેસરા પોલીસ ઇન્સ્પેકટરે તેમના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાંજો તેમજ અન્ય ડ્રગ્સ પીવા માટે વપરાતી સ્ટિક ( ગોગો પેપર્સ / કોબ્રા પેપર્સ ) રાખી વેચાણ કરનારાઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. દરમિયાન સર્વેલન્સની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પાંડેસરા આશાપુરી સોસાયટી સ્થિત શીવ સાંઇ પાન સેન્ટર પાસેથી લલનભાઇ શિવનંદન યાદવ (ઉ.વ .૩૬ રહે . પ્લોટ નં .૮૦ , ૮૧ આશાપુરી સોસયાટી વિભાગ -૦૨ પાંડેસરા તથા મૂળ અરવલ, બિહાર) તથા ગોવર્ધન ગૌરાંગચરણ નાયક (ઉં.વ .૪૮ રહે . પ્લોટ નં .૫૩ આશાપુરી સોસાયટી વિભાગ -૦૨ પાંડેસરા તથા મુળ જી.કેંદ્રાપડા, ઓરિસ્સા) ને ઝડપી પાડ્યા હતાં. તેમની પાસેથી ૯ બોકસ કોબ્રા પેપર મળી આવ્યા હતાં. જે એક બોક્સમાં ૬૦ નંગ જેની કિમત ૮૧૦૦ તથા રોલર બિયર પેપર કુલ કિમત ૮૪૦૦ ની મત્તાના કોબ્રા પેપર તથા રોલર બિયર પેપર મળી આવતા કબજે કરાયા હતાં.

Most Popular

To Top