SURAT

પ્રવીણ રાઉત સુરતમાં બુટલેગરોનો જ તોડ કરતો હતો, આ રીતે આપતો ગુનાને અંજામ

સુરત: (Surat) ખુંખાર આરોપી પ્રવીણ રાઉતને (Pravin Raut) ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા પકડી પાડવામાં આવ્યા બાદ તેની હિસ્ટ્રી પોલીસ તપાસી રહી છે. તેમાં ઉધના અને પાંડેસરામાં તેની કેટલીક રસપ્રદ વિગતો બહાર આવી છે. આ વિગતોમાં તેણે કબૂલાત કરી છે કે તે ચોક્કસ બુટલેગરો (Bootlegger) પાસેથી પચાસ હજારથી એક લાખ જેટલી રકમ માંગતો હતો. ઉપરાંત જો બુટલેગર નાનો હોય તો તેની પાસે પાંચ હજાર જેટલી ખંડણી માંગવામાં આવતી હતી. તે નાના અને મોટા બુટલેગરોને શોધીને નાણાં માંગતો હોવાની વિગત જાણવા મળી છે. તેમાં રાજુ વાંકોલી પર ઉધનામાં પાંચ હજાર જેટલી નાની રકમ નહીં આપતાં ફાયરિંગ થયું હોવાની વિગત પાંડેસરા પોલીસ તપાસમાં બહાર આવી છે. ઉપરાંત પાંચ હજાર જેટલી નાની રકમમાં પણ અહમ ઘવાતાં છુરાબાજી અને ફાયરિંગ સુધી વાત જતી હોવાની વિગત જાણવા મળી છે.

  • પ્રવીણ રાઉત સુરતમાં બુટલેગરોનો જ તોડ કરતો હતો : નાણાં નહીં આપે તો ફાયરિંગ કરાતું હતું
  • પાંચ હજાર રૂપિયા નહીં આપતાં રાજુ વાંકોલી પર ફાયરિંગ કરાયું હતું

સુરતની ગેંગો પચાસ હજારથી એક લાખની સોપારી સોંપતી હતી
પ્રવીણ રાઉત સુરતમાં જે ગેંગવોર ચાલતી હોય તેમાં કોઇપણ ગેંગ તેને પચાસ હજારથી એક લાખ રૂપિયામાં સામેવાળાને મારવા કે પછી હાથ-પગ તોડવા માટે સોપારી આપતી હોવાની વિગત જાણવા મળી છે. બે ગેંગ વચ્ચે સોપારીમાં મોટો રોલ પ્રવીણ રાઉત ભજવતો હોવાની વિગત જાણવા મળી છે. અલબત્ત, પ્રવીણ રાઉતે ક્યારેય કોઇ વેપારીને રંજાડ્યો હોવાની વિગત પોલીસ તપાસમાં બહાર આવી નથી. સરવાળે તે ગુનેગારોને હેરાન કરતો હોવાની વિગતો હાલમાં તો પોલીસ તપાસમાં બહાર આવી છે.

પ્રવિણ રાઉતને પકડવા ડીસીબી પીઆઇએ બિહારમાં 10 દિવસ જમરૂખ વેચ્યા
સુરત: શહેરના પોલીસ કમિશનર અજયકુમાર તોમર ગુનેગારોને પકડીને પાંજરે પુરવા માટે જાણીતા છે. કોઈપણ ગુનાનું ઝડપી ડિટેક્શન થાય તેવો તેમનો આગ્રહ રહ્યો છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા છેલ્લા પંદર દિવસમાં બે મોટા ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં નકસલી વિસ્તારમાંથી કુખ્યાત પ્રવિણ રાઉતની ધરપકડ અને બારડોલી પાસે ચીકલીગર ગેંગના સાગરીતોને પકડાયા તે બંને કામ માટે રાજ્ય સરકારે ક્રાઈમ બ્રાંચને 3 લાખનું ઇનામ જાહેર કર્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા પખવાડિયામાં બે મોટા ઓપરેશન પાર પાડ્યા છે. જેમાં સૌથી વધુ જોખમી ઓપરેશન પ્રવિણ રાઉતને ઝડપી પાડવાનું હતું. છ વર્ષથી વોન્ટેડ આરોપીને જીવના જોખમે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડયો હતો. ક્રાઈમ બ્રાંચના પીઆઈ મહેન્દ્ર સાળુંકેએ જણાવ્યું હતું કે, કુખ્યાત પ્રવિણ રાઉતને પકડવા બિહારના અંતરિયાળ ગામમાં ગયા હતા. ત્યાં અમારા બે પીએસઆઈ અને બીજા આઠ પોલીસકર્મીઓની ટીમ પહોંચી હતી. સ્થાનિક જેવા દેખવવા માટે વેશ બદલીને રહેવું પડ્યું હતું. દશેક દિવસ સુધી ત્યાં લુંગી અને ગમછો પહેરીને 10 કિલો જમરૂખ ખરીદી તે વેચવાનું શરૂ કર્યું હતું.

દરમિયાન પ્રવિણ રાઉત તાડી પીવા આવતો હોવાની માહિતી મળતા પોલીસના માણસો ગામના છેવાડે તાડી પીવાના સ્થળે વોચ રાખતા હતા. દરમિયાન એક દિવસ પ્રવિણ ત્યાં આવતા અમારી ટીમે તેને ચારેય બાજુથી આયોજનપૂર્વક દબોચી લીધી હતી. બીજી તરફ શહેરમાં ધાડ, લૂંટ કરતી ચીકલીગર ગેંગના સાગરીતોને ઝડપી પાડતા રાજ્ય સરકાર દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચની ભારોભાર પ્રશંસા કરવામાં આવી હતી. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. તેમને ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવેલા આ બંને ઓપરેશન અંગે માહિતી લીધી હતી. પ્રવિણ રાઉતને પકડી લાવનાર પોલીસ અને આ ઓપરેશનમાં જોડાયેલા કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓ સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ચર્ચા કરી હતી. બાદમાં ગૃહમંત્રીએ બિહારના વોન્ટેડ આરોપી પ્રવિણ રાઉતને ઝડપી પાડનાર ટીમને 2 લાખ રૂપિયા ઇનામ અને ચીકલીગર ગેંગના સાગરીતોને પકડનાર ટીમને 1 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.

Most Popular

To Top