SURAT

‘તું દહેજમાં બાઈક લાવી નથી, રિક્ષામાં ફરવું પડે છે’ કહી ત્રાસ આપતા ગર્ભવતી પરિણીતાનો આપઘાત

સુરત: (Surat) ઉન ખાતે રહેતા મુસ્લિમ પરિવારમાં (Muslim Family) પરિણીતાને પતિ અને સાસરીયાઓ દ્વારા દહેજમાં બાઈક અને રૂપિયાની માંગણી કરી ત્રાસ આપતા હતા. અંતે કંટાળીને પરિણીતાએ ત્રણ માસની ગર્ભવતી (Pregnant) હોવા છતાં ગળે ફાંસો ખાઈ આપઘાત (Suicide) કરી લેતા સચિન જીઆઈડીસી પોલીસે પતિ સહિત સાસરીયાઓ સામે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

  • ઉનમાં દહેજમાં બાઈક અને રૂપિયાની માંગ કરી ત્રાસ ગુજારતા ત્રણ માસની ગર્ભવતી મહિલાનો આપઘાત
  • દિકરીનું લગ્નજીવન બચાવવા માટે બાપે પોતાની મોપેડ જમાઈને આપી, છતા સાસરીયા જુની મોપેડ આપી કહીને ત્રાસ આપતા

ઉન ખાતે સોએબ નગરમાં રહેતા 45 વર્ષીય સાજીદાબાનુ મોહમદ હબીબ મોહમદ હુસેન શેખે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં તેમની દિકરી ફરખાનાના સાસરીયાઓ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. તેમની મોટી દિકરી ફરખાનાના લગ્ન મે 2021 માં અરમાન ઇનામુલ ખાન (રહે.પ્લોટ નં-૦૩,શહીદ પાર્ક સોએબ નગર ઇદગાહ પાસે ઉન) સાથે થયા હતા. લગ્નના વીસેક દિવસ પછીથી જ સાસરીયાઓ દ્વારા તેને દહેજ માટે ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. પતિ તથા સસરા ઇનામુલ લાલમીયા ખાન, સાસુ શાબરૂન નિશા, જેઠ ઇમરાન ઇનામુલખાન અને જેઠાણી સાહીના ઉર્ફે રૂબી તેની સાથે નાની નાની વાતોમાં ઝઘડો કરતા હતા. અને ટોણા મારતા હતા કે ‘તું દહેજમાં બાઈક લાવી નથી, એટલે અરમાનને રીક્ષામાં ફરવું પડે છે. ફરખાનાએ પિયરમાં વાત કરતા ગરીબ પિતાએ તેને પૈસાની વ્યવસ્થા થાય એટલે બાઈક અપાવી દઈશુ તેવું કહ્યું હતું.

જોકે તેને સાસરીયાઓએ બાદમાં ઘરેથી કાઢી મુકતા તે ચોક બજાર ખાતે ખાજા દાનાની દરગાહમાં જતી રહી હતી. બાદમાં તેને સમજાવી સાસરે મોકલી પિતાએ પોતાની મોપેડ અરમાનને આપી દીધી હતી. છતાં સાસરીયાએ તેને ‘તારા બાપે જુની મોપેડ આપી દીધી’ તેમ કહીને ત્રાસ આપતા હતા. જેથી કંટાળીને ફરખાનાએ ઘરમાં સિલિંગના પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. લગ્નમાં જવાનું હોવાથી તેની બંને બહેનોએ તેને ફોન કરતા તે ફોન ઉપાડતી નહોતી. જેથી ઘરે જઈને જોતા ઘટનાની જાણ થઈ હતી. આ બનાવ પહેલા ફરખાનાએ આગલા દિવસે તે ચૌટાબજારમાં આવી હોવાથી તેના પતિએ તેની સાથે ઝઘડો કર્યાની વાત ફોન ઉપર માતાને કરી હતી. સચિન જીઆઈડીસી પોલીસે પતિ સહિત સાસુ-સસરા અને જેઠ-જેઠાણી સામે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે. પોલીસે પતિ, સાસુ, સસરા અને જેઠની અટકાયત કરી હતી.

Most Popular

To Top