Business

સુરતમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ આકાશ આંબી જતા ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં અચાનક ઉછાળો

સુરત: પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel)ના ભાવો 100 રૂપિયે લીટર પર પહોંચતા સીએનજી ફિટિંગ કાર (CNG Car)અને બાઈકનું વેચાણ વધ્યું છે. એવી જ રીતે બેટરીથી સંચાલિત ઇલેક્ટ્રિક વાહનો (Electric vehicle)ના વેચાણમાં પણ અચાનક ઉછાળો આવ્યો છે.

સુરત આરટીઓ (Surat RTO)માં 2021 સુધી નોંધાયેલા કુલ વાહનોની સંખ્યા 33 લાખ છે. જેમાં સીધા સીએનજી કંપની ફિટિંગ વાહનોની સંખ્યા 76,369 થઈ છે. જ્યારે આરટીઓ માન્ય 13 રેટ્રો ફિટિંગ સ્ટેશનોમાં એક લાખથી વધુ પેટ્રોલ વાહનોમાં સીએનજી કીટ ફિટ કરવામાં આવી છે. પેટ્રોલના ભાવો વધતા રોજ કાર, ટેમ્પો અને બાઇક મળી 200 વાહનો સીએનજીમાં કન્વર્ટ થઈ રહ્યાં છે. જ્યારે ડીઝલના વાહનોમાં પણ સીએનજી કન્વર્ઝન ટેકનોલોજી આવી જતા મોટી સંખ્યામાં કાર, ટ્રક જેવા લાઈટ મોટર વેહિકલથી લઇ ટ્રાન્સપોર્ટના કોમર્શિયલ વાહનો સીએનજીમાં તબદીલ થઈ રહ્યા છે. જેને લીધે ગુજરાત સરકાર હસ્તકની જીએસપીસી, ગુજરાત ગેસ અને અદાણી ગેસ કંપનીનું સીએનજીનું વેચાણ વધી રહ્યું છે. સીએનજી વાહનોનું વેચાણ અને કન્વર્ઝન વધતા ગેસના ભાવો પણ વધીને કિલોએ 56 થી 58 રૂપિયા થયા છે.

સાથે સાથે ગુજરાત સરકાર બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વાહનો પર સબસિડી આપતી હોવાથી તેનું વેચાણ પણ વધ્યું છે. સુરતમાં ટૂંકા ગાળામાં 1200 જેટલી બેટરી સંચાલિત વાહનોની નોંધણી થઈ છે. સરકારે નોંધણી ફી માફ કરી છે પરંતુ ટેક્સ ભરપાઈ કરવાનો રહે છે. જેમાં સુરત મનપાના રોડ ટેક્સની પણ ભરપાઈ કરવાની રહે છે. 15 લાખથી ઓછી કિંમતની ઇલેક્ટ્રિક કાર પર 1.50 લાખની જ્યારે 50,000 સુધીની કિંમત ધરાવતી બાઇક, મોટર સાયકલ પર 20,000 રૂપિયાની સબસીડી ચુકવવામાં આવે છે. તેની મોનિટરિંગની જવાબદારી આરટીઓને આપવામાં આવી છે. ઇટ્રોલ ડીઝલના ભાવ વધતા પેટ્રોલ કારના સેકન્ડ હેન્ડ માર્કેટના ભાવો પણ ઊંચકાયા છે. યુરો 6 કારમાં સીએનજી કન્વર્ઝનની સરકારે મંજૂરી આપી નહીં હોવાથી થોડી વપરાયેલી પેટ્રોલ કાર ખરીદી 42,000 સુધીની સીએનજી કીટ લગાવી પેટ્રોલ, ડીઝલના વધેલા ભાવોથી મધ્યયમવર્ગના પરિવારો છુટકારો મેળવી રહ્યાં છે.

સુરતમાં બેટરીથી ચાલતી કારનું વેચાણ વધી રહ્યું છે: ઈન્ચાર્જ આરટીઓ
સુરતના ઇન્ચાર્જ આરટીઓ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે સીએનજી કંપની ફિટિંગ કાર અને ઇલેક્ટ્રિક બેટરીથી સંચાલિત વાહનોનું વેચાણ સામાન્ય વધ્યું છે. આરટીઓમાં અત્યાર સુધી સીએનજી કંપની ફિટિંગ 44,384 ટ્રાન્સપોર્ટના અને 31,985 નોન ટ્રાન્સપોર્ટના વાહનો મળી 76,369 વાહનો નોંધાયા છે. જેમાં કાર, ઓટો રિક્ષાનો સમાવેશ થાય છે. માન્ય રેટ્રો ફિટિંગ સેન્ટરો થકી પેટ્રોલ વાહનોમાં સીએનજી કીટ ફિટિંગના આંકડા આરટીઓમાં નોંધાતા નથી. જોકે વાહન ડીલરો કહે છે કે આવા વાહનોની સંખ્યા 1 લાખથી વધુ છે.

ઇન્ડિયન કાર મેન્યુફેક્ચર કંપનીઓ સુરતમાં બેટરીથી ચાલતી કારનું મોટાપાયે વેચાણ કરતા હોવાથી બેટરીવાળી કાર કંપનીઓ સુરતમાં ડમ્પ કરી રહી છે.

Most Popular

To Top