સુરત જિલ્લા માટે ફાળવાયેલા 500માંથી 400 રેમડેસિવિર ઈન્જેક્શનો બપોર સુધીમાં જ પૂરા

બારડોલી: (Bardoli) સુરત જિલ્લાની ખાનગી હોસ્પિટલો માટે ફાળવવામાં આવેલા 1000 રેમડેસિવિર ઈન્જેક્શનો (Injection) પૈકી 500 ઈન્જેક્શન રવિવારે રાત્રે બારડોલી (Bardoli) આવી પહોંચ્યા હતા. જ્યાંથી સોમવારના રોજ જરૂરિયાતવાળી હોસ્પિટલોને આ ઈન્જેક્શન પહોંચાડવામાં આવ્યા હતા. બપોર સુધીમાં 400 જેટલા ઈન્જેક્શન ફાળવી દેવામાં આવ્યા હતા. બીજો 500 ઈન્જેક્શનનો સ્ટોક આજે રાત સુધીમાં આવશે, એમ બારડોલી એસડીએમ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

કોરોનાના વકરી રહેલા સંક્રમણ વચ્ચે સમગ્ર રાજ્યમાં કોરોનાની સારવારમાં ઉપયોગી નીવડેલાં રેમડેસિવિર ઈન્જેક્શનની ભારે અછત વર્તાય રહી છે. ઈન્જેકશનની તંગી વચ્ચે સરકાર દ્વારા સુરત જિલ્લાના દર્દીઓને સરળતાથી આ ઈન્જેક્શન પ્રાપ્ત થાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જિલ્લામાં 1000 જેટલા ઈન્જેક્શન ફાળવવામાં આવ્યા છે જે 500 ઈન્જેકશન રવિવારે મોડી રાત્રે બારડોલી પહોંચાડવામાં આવ્યા હતા અને અહીંથી જ સમગ્ર જિલ્લામાં જરૂરિયાતવાળી હોસ્પિટલોને મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

હોસ્પિટલો પાસેથી મળેલા ઇમેલના આધારે આ જથ્થો ફાળવવામાં આવ્યો હતો. જે હોસ્પિટલોને જેટલા જથ્થાની જરૂર હોય તેટલો જથ્થો ગેઝેટેડ અધિકારીના મારફતે જે તે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. જિલ્લામાં કોરોના દર્દીઓની સ્થિતિ ગંભીર હોય બારડોલી આવેલા 500 પૈકી 400 ઈન્જેકશન સોમવારે બપોર સુધીમાં પૂરા થઈ ગયા હતા. સાંજ સુધીમાં બાકીના 100 ઈંજેક્શનો પણ પૂરા થઈ જવાની સંભાવના છે. ત્યારે રાત્રે વધુ 500 ઈન્જેક્શનનો જથ્થો બારડોલી આવી પહોંચશે એમ બારડોલી નાયબ કલેક્ટર અને એસડીએમ વી.એન. રબારીએ જણાવ્યું હતું. જો કે 400 પૈકી કેટલા ઈન્જેક્શન કયા તાલુકાને કેટલી સંખ્યામાં ફાળવવામાં આવ્યા તેની વિગતવાર જાણકારી વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી નથી.

બારડોલી પ્રાંત દ્વારા જિલ્લામાં ઇન્જેક્શન માટે વ્યવસ્થા

શહેરમાં કોરોનાના દર્દીઓ માટે ઇન્જેક્શનની અછત વચ્ચે જિલ્લામાં પણ ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ માટે ઇન્જેક્શનની વ્યવસ્થા બારડોલી પ્રાંત દ્વારા કરવામાં આવી છે. જેના ભાગરૂપે રેમડીસીવીર ઇન્જેક્શન માટે બારડોલી તાલુકામાં bardoli@gmail.com, મહુવામાં mahuva@gmail.com, માંડવી અને માંગરોળમાં mandavi@gmail.com અને પલસાણા, કામરેજ તથા ઓલપાડમાં palsana@gmail.com ઇમેલ ઉપર મેઈલ કરવાનો રહેશે. જરૂરીયાત ધરાવતી હોસ્પિટલોને સવારે 6 થી બપોરે 1 અને બપોરે 1 થી રાત્રે 9 સુધી ફાળવણી કરાશે.

Related Posts