India

“મોદીજી એ ભાષણમાં કોંગ્રેસનું નામ 59 વખત લીધું,

મહિલાઓનો તો બહુ ઓછો ઉલ્લેખ કર્યો”: મલ્લિકાર્જુન ખડગેનો પ્રહાર

લોકસભામાં મહિલા આરક્ષણ બિલ જરૂરી બહુમતી મેળવવામાં નિષ્ફળ રહેતા દેશની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ મામલે મલ્લિકાર્જુન ખડગે એ વડાપ્રધાન Narendra Modiના રાષ્ટ્રને સંબોધન બાદ કડક પ્રતિક્રિયા આપી છે. ખડગેએ આરોપ લગાવ્યો કે વડાપ્રધાનના ભાષણમાં મહિલાઓની વાત કરતા વધારે વખત કોંગ્રેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ખડગેએ કહ્યું કે વડાપ્રધાને પોતાના ભાષણ દરમિયાન કોંગ્રેસનું નામ 59 વખત લીધું, જ્યારે મહિલાઓનો ઉલ્લેખ બહુ ઓછો કર્યો, જે દેશને બતાવે છે કે સરકારની પ્રાથમિકતા શું છે. તેમના જણાવ્યા અનુસાર, આ ભાષણ રાજકીય આરોપો અને વિરોધીઓને નિશાન બનાવવાથી ભરેલું હતું.

કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી હંમેશા મહિલાઓના આરક્ષણના પક્ષમાં રહી છે. તેમણે યાદ અપાવ્યું કે 2010માં રાજ્યસભામાં મહિલા આરક્ષણ બિલ પસાર કરાવનાર પાર્ટી કોંગ્રેસ હતી, જેથી બિલ લાપ્સ ન થાય. ખડગેએ વડાપ્રધાનને પડકાર આપતા કહ્યું કે જો સરકાર ખરેખર મહિલાઓને 33% આરક્ષણ આપવા પ્રતિબદ્ધ હોય, તો તે હાલની લોકસભાની 543 બેઠકોની વ્યવસ્થામાં જ તરત અમલમાં લાવે અને તેને જનગણના અથવા ડિલિમિટેશન સાથે ન જોડે.

આ પહેલા વડાપ્રધાન મોદીએ દેશને સંબોધન દરમિયાન લોકસભામાં મહિલા આરક્ષણ સંબંધિત બંધારણીય સુધારા બિલ પસાર ન થઈ શકવાથી નિરાશા વ્યક્ત કરી હતી અને મહિલાઓ પાસે માફી પણ માંગી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર મહિલાઓને રાજકારણમાં વધુ પ્રતિનિધિત્વ આપવા માટે પ્રતિબદ્ધ છે અને આ દિશામાં આવનારા સમયમાં તમામ અવરોધ દૂર કરવામાં આવશે.

લોકસભામાં મહિલા આરક્ષણ બિલને જરૂરી બે તૃતિયાંશ બહુમતી ન મળતા તે પસાર થઈ શક્યું નહોતું, જેના કારણે રાજકીય પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો માહોલ વધુ ગરમાયો છે. હવે આ મુદ્દે સરકાર અને વિરોધ પક્ષ વચ્ચે રાજકીય ટકરાવ વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાક્રમ પછી મહિલા આરક્ષણ મુદ્દો ફરી એકવાર દેશની રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે.

Most Popular

To Top