SURAT

સિવિલમાં ઈન્જેક્શન ન લેવા જવા કલેક્ટરની અપીલ, શહેરમાં મોડી રાત સુધી ફાળવણી કરાઈ

સુરત: (Surat) શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણને પહોંચી વળવા સુરત શહેર અને જિલ્લાની હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓ માટે રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં આજે 3 હજાર રેમેડિસીવીર ડોઝ (Dose) અને ગ્રામ્ય વિસ્તારમાં 1000 રેમડિસીવીર ડોઝની ખાસ કિસ્સામાં ફાળવણી કરી હતી. શહેરમાં બપોર સુધીમાં જ 1400 ઇન્જેક્શનની (Injection) તો ફાળવણી પણ કરી દેવાઈ હતી જે મોડી રાત સુધી ચાલું રહી હતી.

જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલે જણાવ્યું હતું કે, રેમડિસીવીર ઈન્જેક્શન મેળવવા કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલો દ્વારા કલેકટર કચેરીના નિયત ફોર્મમાં વિગતો ભરી સહી સિક્કા સાથેની અરજી કરવાની રહેશે. આ અરજી કરી નવી સિવિલ હોસ્પિટલ ખાતે જમા કરીને ઈન્જેકશનનો જથ્થો મેળવી શકશે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા દરેક દર્દી દીઠ એક ઈન્જેક્શન આપવામાં આવશે. આ સાથે દરેક દર્દીના આરટીપીસીઆર (RTPCR) રિપોર્ટ, આધાર કાર્ડ અને દરેક દર્દીનું પ્રિસ્ક્રીપ્શન સામેલ કરવાનું રહેશે. આ વ્યવસ્થા હેઠળ હોસ્પિટલના અધિકૃત વ્યક્તિએ જ ઓથોરાઈઝેશન લેટર અને ઉપરોક્ત દસ્તાવેજો લઈને નવી સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડીંગમાં આવવાનું રહેશે. સુરત શહેર માટેની વ્યવસ્થા કલેકટર કચેરીના કર્મચારીઓની દેખરેખમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે ઉભી કરવામાં આવી છે. તેમજ સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની હોસ્પિટલોને રેમડિસીવીર ઈન્જેકશનના વિતરણ માટેની વ્યવસ્થા બારડોલી પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવી છે. સુરત જિલ્લા કલેકટરે ઇન્જેકશન વિતરણ માટે રાઉન્ડ ધી કલોક ડયુટી અલોટ કરી છે. બાર બાર કલાકની બે શિફટમાં સ્ટાફ મૂકી દેવાયો છે.

સરકાર ઇન્જેક્શનની માંગને સંતોષવા આરટીપીસીઆર ફરજીયાત કરાયા

રેમડેસિવિર ઇન્જેક્શનની કોરોના સંક્રમીત દર્દીઓ માટે મોટી માંગ છે. એક દર્દીને પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે સામાન્ય રીતે 6 જેટલા ઇન્જેક્શનો આપવા માટેનું લખાણ હોય છે. તેથી દર્દી દીઠ ઇન્જેક્શનોની મોટી માંગ ઉભી થઇ છે. દર્દીના સંબંધીઓને જીવન રક્ષક ઇન્જેક્શન લેવા માટે શહેરમાં જ્યાં વ્યવસ્થા છે ત્યાં લાંબી કતારમાં જોવા મળી રહ્યા છે છતાં પણ તેમને જરૂરિયાત મુજબનો જથ્થો મળી રહ્યો નથી. ખાનગી હોસ્પિટલોની ગડબડ રોકવા હવે દરેક પેશન્ટના આરટીપીસીઆર ફરજીયાત કરાયા છે. પહેલા બે દિવસ માત્ર પ્રિસ્કીપ્શન ઉપર ઇન્જેકશન એલોટ કરાતા ઘણી ખાનગી હોસ્પિટલ કળા કરી ગઇ હતી.

સિવિલમાં ઈન્જેક્શન ન લેવા જવા કલેક્ટરની અપીલ

કલેક્ટરે જણાવ્યું હતું કે, ઇન્જેક્શન મેળવવા માટે જે પણ હોસ્પિટલમાં દર્દી સારવાર લઈ રહ્યો હોય તે જ હોસ્પિટલ દ્વારા માંગણી કરવામાં આવશે. અને તેમના સ્ટાફ દ્વારા જ સિવિલ હોસ્પિટલમાં જઈને તે ઇન્જેક્શન લાવવામાં આવશે. દર્દીના કોઈપણ સંબંધીએ ઇન્જેક્શન લેવા માટે સિવિલ હોસ્પિટલમાં જવાનું રહેતું નથી.

સુરત જિલ્લામાં પહેલા દિવસે 500 ઇન્જેકશન વિતરણ
સુરત શહેર અને જિલ્લામાં સરકારે ઇન્જેકશ ફાળવ્યા બાદ જિલ્લા કલેકટર વિતરણ માટે વ્યવસ્થા હાથ ધરી હતી. ગ્રામ્ય વિસ્તારમાં 500 ઇન્જેકશન વિતરણ કરવા માટે રાતોરાત કલાસ ટુ ઓફિસર અને પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો હતો. પહેલા દિવસે તરસાડી, કોસંબા, માંડવી, બારડોલી અને કામરેજ સહિત પલસાણામાં ઇન્જેકશન વિતરણ કરાયા હતા.

સ્ટોક હશે ત્યાં જ સુધી વિતરણ

જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલે જ્યાં સુધી ઇન્જેક્શનનો સ્ટોક છે ત્યાં સુધી જ ફાળવણી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. બીજો સ્ટોક આવશે એટલે ફરીથી વિતરણ કરાશે.

Most Popular

To Top