Dakshin Gujarat

બારડોલી નગરપાલિકા વિસ્તાર સહિત 6 ગામોમાં 13થી 18 એપ્રિલ સુધી લોકડાઉન

બારડોલી: (Bardoli) જિલ્લામાં વધી રહેલા કોરોનાના પ્રકોપને કારણે બારડોલી વહીવટીતંત્ર દ્વારા 6 દિવસનું લોકડાઉન (Lock down) જાહેર કરવામાં આવ્યું છે. 13મી એપ્રિલથી 18મી એપ્રિલ સુધી બારડોલી નગરપાલિકા વિસ્તાર સહિત 6 ગામોમાં લોકડાઉન લાગુ કરવામાં આવશે. વધી રહેલા કોરોના સંક્રમણને કારણે બારડોલી વેપારી મંડળ, ચેમ્બર ઓફ કોમર્સ અને અલગ અલગ સંગઠનો દ્વારા શહેરમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની માગ કરવામાં આવી હતી. જેના અનુસંધાને બેઠક વણસી રહેલી પરિસ્થિતિને કારણે બારડોલી એસ.ડી.એમ (સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ) દ્વારા લેખિતમાં જાહેર સૂચના બહાર પાડી 13મી એપ્રિલ થી 18મી એપ્રિલ સુધી આવશ્યક સેવાઓ સિવાય તમામ જાહેર બજાર બંધ (Market Close) કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. તેમજ આ સમય દરમ્યાન લોકોને ઘરની બહાર ન નીકળવા માટે તાકીદ કરવામાં આવી હતી.

આ સેવાઓ-વ્યક્તિઓ-સંસ્થાઓને છૂટ

  1. હોટલ પર સોશ્યલ ડિસ્ટન્સ જાળવી પાર્સલ સુવિધા આપવી
  2. ઔદ્યોગિક એકમોમાં આવનજાવન તેમજ એકમો ચાલુ રહેશે..
  3. શાકભાજી વિતરણ નિયત સ્થળેથી કરવું
  4. પેટ્રોલિયમ, સીએનજી, એલપીજી, ઍલએનજી, પીએનજી, પાણી, વીજળી, ટેલીકોમ્યુનિકેશન સહિતની સેવાઓ

ગણદેવીમાં લાગુ થયેલા જનતા કરફ્યુ ને સંપૂર્ણ સફળતા

ધનોરી નાકા (ગણદેવી): ગણદેવી નગરપાલિકા અને વેપારીમંડળે નક્કી કર્યા મુજબ સોમવારે સાંજથી જનતા કરફ્યૂનો અમલ કરવાનો ચાલુ કરતાં સવારે 7 કલાકે ગણદેવીનું બજાર સંપૂર્ણ રીતે બંધ થયેલું જોવા મળ્યું હતું. જો કે, લોકોની થોડી અવરજવર થોડા સમય માટે જોવા મળી હતી. 7 કલાકે પોલીસ પણ ગણદેવી બજાર વિસ્તારમાં પેટ્રોલિંગ માટે નીકળી હતી. સાથે એમ્બ્યુલન્સની સાયરન અને લાલ લાઈટો જનતા કરફ્યૂ સમર્થન આપતી હોય તેમ દોડતી જોવા મળી હતી.

વાંકલ અને ઝંખવાવના બજારો સંપૂર્ણ બંધ રહ્યાં

વાંકલ: કોરોનાના વધતા જતા સંક્રમણને કારણે વાંકલ અને ઝંખવાવનાં બજારો સંપૂર્ણ બંધ રહ્યાં હતાં. સોમવારે બપોરે 12 વાગ્યા પછી તાલુકા મથક માંગરોળ, મોસાલી, મોસાલી ચોકડી તેમજ આજુબાજુનાં બજારો સ્વૈચ્છિક બંધ રાખવામાં આવ્યા હતા. માંગરોળના પીએસઆઈ પરેશ.એચ.નાયી દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.

નિયમોના ભંગ બદલ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં રૂપિયા 1.89 કરોડના દંડની વસૂલાત

ભરૂચ: ભરૂચ જિલ્લામાં કોરોના કાળમાં વિવિધ નિયમોના ભંગ બદલ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં રૂપિયા 1.89 કરોડના દંડની વસૂલાત કરવામાં આવી છે. પોલીસે લોકડાઉન બાદ રાત્રિ કરફ્યુ સહિતના દિવસોમાં કડક કાર્યવાહી કરી જાહેરનામા ભંગના કુલ 3934 ગુના દાખલ કર્યા છે તો માસ્ક ન પહેરનાર તેમજ જાહેરમાં થૂંકનાર લોકો સહિત વિવિધ નિયમોના ભંગ બદલ રૂપિયા 1.89 કરોડના દંડની વસૂલાત કરી છે. આ તરફ કોરોનાકાળમાં ખડેપગે ફરજ બજાવનાર જિલ્લાના 111 પોલીસકર્મીઓ પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે જે પૈકી 5 પોલીસકર્મીના મોત નિપજ્યાં છે.

Most Popular

To Top