Vadodara

વડોદરા પાલિકાના ‘પંચરત્ન’ પસંદ કરવા ભાજપ સજ્જ: ૩ મેના રોજ દિગ્ગજોની હાજરીમાં લેવાશે સેન્સ​

મેયર અને ચેરમેન પદ માટે કોર્પોરેટરોમાં મથામણ; દાવેદારો બાયોડેટા લઈ ‘ગોડફાધરો’ના શરણે પહોંચ્યા

વડોદરા મહાનગરપાલિકામાં સત્તાના નવા સૂત્રો કોને સોંપવા તે માટે ભાજપ સંગઠન દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. પાલિકાના મુખ્ય પાંચ પદાધિકારીઓની પસંદગી માટે આગામી ૩ મેના રોજ સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક જેવા મહત્વના હોદ્દાઓ માટે નિરીક્ષકો દ્વારા સ્થાનિક આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનો મત જાણવામાં આવશે.
​ભાજપના નિરીક્ષકોની ટીમ વડોદરા ખાતે શહેર પ્રમુખ, મહામંત્રીઓ, સ્થાનિક સાંસદ, ધારાસભ્યો તેમજ તમામ વોર્ડના પ્રમુખો અને નવા ચૂંટાયેલા ઉમેદવારો સાથે વ્યક્તિગત ચર્ચા કરશે. આ સેન્સ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય પક્ષના કાર્યકરો અને જનપ્રતિનિધિઓમાં કયા ચહેરા પ્રત્યે વધુ સ્વીકૃતિ છે તે જાણવાનો છે. નિરીક્ષકો આ મંતવ્યો મેળવીને સંભવિત નામોની યાદી તૈયાર કરશે, જે બાદમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સોંપવામાં આવશે.
​પાલિકામાં વર્ચસ્વ જમાવવા અને મનગમતો હોદ્દો મેળવવા માટે અત્યારથી જ લોબિંગ શરૂ થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અનેક ચૂંટાયેલા કોર્પોરેટરો પોતાનું પલ્લું ભારે કરવા માટે પક્ષના વગદાર નેતાઓ અને પોતાના ‘ગોડફાધરો’ના શરણે પહોંચી ગયા છે. પોતાની કામગીરી અને વફાદારીના આધારે હોદ્દો મેળવવા માટે દાવેદારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
​બીજી તરફ, વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને ચેરમેન પદ માટે પણ પસંદગી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા પંચાયતના પદાધિકારીઓ માટે ૨ મેના રોજ જિલ્લા મથકે સેન્સ લેવામાં આવશે. આમ, આગામી બે દિવસ વડોદરા શહેર અને જિલ્લાના રાજકારણ માટે ખૂબ જ ગરમાગરમીભર્યા રહેશે. નિરીક્ષકોના અહેવાલ બાદ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આખરી નામોની જાહેરાત કરવામાં આવશે, જેના પર સમગ્ર વડોદરાની નજર ટકેલી છે.

Most Popular

To Top