તબીબો પર હુમલા અને ચોરી રોકવા વડોદરા પોલીસનું ‘ઓપરેશન સિક્યુરિટી’



વડોદરા, તા.7 : મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા વડોદરા શહેર પોલીસે ‘ઓપરેશન સિક્યુરિટી’ હાથ ધર્યું છે. તબીબો પર થતા હુમલા, દર્દીઓના સગાઓ સાથેની માથાકૂટ તેમજ ચોરીની વધતી ઘટનાઓને અટકાવવા પોલીસ વિભાગ દ્વારા હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફ માટે વિશેષ તાલીમ અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.
તાજેતરમાં પોસ્ટમોર્ટમ વિભાગમાં મૃતક મહિલાના પરિવારજનો અને તબીબો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ જુનિયર ડોક્ટરોએ સુરક્ષાની માંગ સાથે ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જ હોસ્પિટલ પરિસરમાં વાહન અને સામાન ચોરીની ફરિયાદો પણ વધતા પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.
DCP મંજીતા વણઝારાના નેતૃત્વમાં પોલીસનો ગ્રાઉન્ડ ઝીરો વિઝિટ
આજરોજ DCP ઝોન-2 મંજીતા વણઝારા, ACP અશોક રાઠવા અને રાવપુરા PI બી.જે. પટેલ સહિતનો પોલીસ કાફલો સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. અધિકારીઓએ હોસ્પિટલના સંવેદનશીલ વિભાગો અને ગેટ્સનું નિરીક્ષણ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
આ પ્રસંગે હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રંજન ઐયર, RMO ડૉ. હિતેન્દ્ર ચૌહાણ અને સિક્યુરિટી ઇન્ચાર્જ અંકુર બારોટ પણ હાજર રહ્યા હતા.
સિક્યુરિટી ગાર્ડ્સને અપાઈ ખાસ તાલીમ
પોલીસ અધિકારીઓએ સિક્યુરિટી ગાર્ડ્સ અને કર્મચારીઓ સાથે સીધો સંવાદ કરી નીચેના મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું :
ઉશ્કેરાયેલા પરિજનોને શાંતિથી હેન્ડલ કરવાની રીત
કટોકટી સમયે તરત પોલીસને જાણ કરવાની પ્રક્રિયા
CCTV સર્વેલન્સ અને શંકાસ્પદ હિલચાલ પર નજર
વોર્ડમાં ભીડ નિયંત્રણ અને એન્ટ્રી-એક્ઝિટ મેનેજમેન્ટ
કાયદાકીય રીતે સંયમપૂર્વક પરિસ્થિતિ હેન્ડલ કરવાની સમજ
“હોસ્પિટલમાં સુરક્ષિત વાતાવરણ અમારી પ્રાથમિકતા”
DCP મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલ એ અત્યંત સંવેદનશીલ સ્થળ છે. તબીબો નિર્ભય બની સેવા આપી શકે અને દર્દીઓના સગાઓને સુરક્ષિત વાતાવરણ મળે તે માટે સિક્યુરિટી સ્ટાફને સજ્જ બનાવવો જરૂરી છે.
પોલીસના આ સક્રિય અભિગમ બાદ સયાજી હોસ્પિટલના તબીબી સ્ટાફમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં હોસ્પિટલ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ પણ વધારવામાં આવે તેવી શક્યતા છે.