ઈજનેરી, મેડિકલ, નર્સિંગ-પેરા મેડિકલ સિવાયની સરકારી યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજોના તમામ કોર્સ માટે જીકાસથી પ્રવેશ પ્રક્રિયા થશે
પ્રાઇવેટ યુનિવર્સિટીઓએ પરિણામ આવતાની સાથે જ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દીધી
( પ્રતિનિધિ )વડોદરા,તા.5
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવાયું છે. હવે કોલેજોમાં પ્રવેશ માટે જીકાસના માધ્યમથી 7મીથી 28મી મે સુધી રજિસ્ટ્રેશન કરવાની જાહેરાત કરવામાં આવી છે. પહેલો રાઉન્ડ 6 જૂન સુધીમાં કરવામાં આવશે.
પરિણામો જાહેર કરાયા બાદ હવે ઈજનેરી, મેડિકલ, નર્સિંગ-પેરા મેડિકલ સિવાયની સરકારી યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજોના તમામ કોર્સ માટે જીકાસથી પ્રવેશ પ્રક્રિયા થશે. શહેર અને ગ્રામ્યમાં મળીને અંદાજે 40 હજારથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગુજરાત યુનિવર્સિટી અને અન્ય યુનિવર્સિટીઓની બેઠકોની સંખ્યા સામે પ્રવેશ માટે કોઇ મુશ્કેલી ઊભી થાય તેમ નથી. જોકે, પ્રાઇવેટ યુનિવર્સિટીઓએ પરિણામ આવતાની સાથે જ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ગુજરાત યુનિવર્સિટી સહિતની તમામ સરકારી કોલેજમાં પ્રવેશ માટે ગત વર્ષે 9મી મેથી 18મી મે સુધી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે 7મીથી 28 મે સુધી રજિસ્ટ્રેશનની જાહેરાત કરવામાં આવી છે. યુનિવર્સિટીએ આર્ટસ, કોમર્સ, સાયન્સ, બીસીએ-બીબીએ, લો, ઇન્ટિગ્રેટેડ મળીને કુલ 65797 બેઠકની સામે ગત વર્ષે તમામ રાઉન્ડમાં મળીને કુલ 50094 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવ્યો હતો. આમ, અંદાજે 14 હજારથી વધારે બેઠકો ખાલી પડી હતી. ચાલુ વર્ષે પણ પ્રવેશ માટે કોઇ મુશ્કેલી ઊભી થાય તેમ નથી. નામાંકિત ગણાતી કોલેજોમાં પ્રવેશ માટે ધસારો રહેશે. જોકે, જીકાસના માધ્યમથી હવે કેવી રીતે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેના પર આધાર છે. ગત વર્ષે 30થી વધારે રાઉન્ડ કરવાના કારણે મોટાભાગના વિદ્યાર્થીઓએ પ્રાઇવેટ યુનિવર્સિટી અને કોલેજોમાં પ્રવેશ મેળવી લેતાં મોટી સંખ્યામાં બેઠકો ખાલી પડી હતી. ચાલુ વર્ષે આગામી દિવસોમાં જીકાસ દ્વારા પ્રવેશની પદ્ધતિ જાહેર કરવામાં આવ્યા બાદ વાસ્તવિક સ્થિતિ જાહેર થઈ શકશે.