SURAT

સુરત: પંડોળ પોલીસ ચોકી પાછળ દારૂનું વેચાણ, વિજિલન્સની રેડ, પીઆઈની નોકરી જોખમમાં

સુરત: (Surat) શહેરના સ્થાનિક પોલીસ અધિકારીઓને (Police Officers) અંધારામાં રાખીને સ્ટેટ વિજિલન્સ દ્વારા દરોડા પાડવાની કામગીરી હવે જોરશોરથી થઇ રહી છે, ઉધનામાં સ્ટેટ વિજિલન્સે દરોડા પાડીને રૂા. 2.69 લાખનો દારૂ પકડ્યો છે, સાથે જ ચોકબજાર પોલીસ મથકની હદ વિસ્તારમાં વેડરોડ પાસેની પંડોળ પોલીસ ચોકીની પાછળ જ વિજિલન્સે રેડ (Vigilance Raid) પાડી હતી. અહીંથી પોલીસે 24 હજારનો દારૂ (Alcohol) પકડી પાડ્યો હતો. પોલીસની નજર સામે જ અહીં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઇ રહ્યું હોવાના આક્ષેપો પણ થયા હતા. નવા આવેલા પીઆઇ ગોહિલીની નોકરી આ મામલે હાલમાં તો જોખમમાં છે અગાઉના પીઆઇ (PI) દેસાઇ પણ સ્ટેટ વિજિલન્સના દરોડામાં ભરવાયા હતા. ત્યારે ગોહીલ સામે પણ હવે કાર્યવાહીની તલવાર તોળાઇ રહી છે.

  • પંડોળ પોલીસ ચોકી પાછળ દારૂનું વેચાણ, આખરે વિજિલન્સે રેડ પાડી
  • પોલીસે મહિલા સહિત પાંચ બુટલેગરની ધરપકડ કરી, ઉધનામાં પણ વિજિલન્સે રેડ પાડીને 2.69 લાખનો દારૂ પકડ્યો
  • અગાઉ ઉધના પીઆઇની બદલી કરાઇ હતી ત્યાં નવા પીઆઇ ગોહિલ પણ કાર્યવાહીની લટકતી તલવાર

પ્રાપ્ત વિગતો મુજબ સ્ટેટ વિજિલન્સની ટીમે ઉધનામાં રેડ પાડી હતી ત્યાંથી માથાભારે પ્રદુમ દિલસેન પાસવા, સંતોષ અર્જુન પ્રદાન અને કલ્લુ ઉર્ફે કમલેશ સીતારામ યાદવને પકડી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી રૂા.2.69 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. આ રેડ દરમિયાન નિલેશ યાદવ, નેપાળી, સંદિપ શર્મા અને હિતો નામના શખ્સો ભાગી ગયા હતા. પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ ઉપરાંત વિજિલન્સની ટીમે ચોકબજાર પોલીસ મથકની હદમાં વેડરોડ ઉપર આવેલી પંડોળ પોલીસ ચોકીની પાછળ રહેમત નગરમાં રેડ પાડી હતી ત્યાંથી પોલીસે અજય અરૂણભાઇ રાઠોડ, રમીલાબેન ચંદુભાઇ વસાવા, સુમીત સુભાષભાઇ રાજભર, રોહિત બળવંતભાઇ રાઠોડ અને સંજય ભરતભાઇ વસાવાને પકડી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી રૂા. 24 હજારનો દારૂ તેમજ રોકડ મળી કુલ રૂા. 55 હજારનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો.

વેસુમાં કાપડ દલાલના ફ્લેટમાં જુગાર રમતા 5 વેપારી પકડાયા
સુરત: વેસુ ખાતે આવેલી શુકન રેસીડેન્સીમાં આવેલા કાપડ દલાલના ફ્લેટમાંથી પોલીસે પાંચ વેપારીઓને જુગાર રમતા ઝડપી પાડી તેમની પાસેથી 60,200 રૂપિયા કબજે લીધા હતા. ઉમરા પોલીસને વેસુ ખાતે હિલ્સ હાઈ વિધ્યાલય પાસે શુકલ રેસીડેન્સીમાં જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે ઉમરા પોલીસે રેડ કરતા કાપડ દલાલ સંપતભાઇ મહાવીરપ્રસાદ જૈન (ઉ.વ.62, રહે-સી/૧૦૧૧, શુકન રેસીડેંસી, વેસુ) ના ફ્લેટમાં જુગાર રમી રહેલા વેપારી મનોજ રાજકુમાર જૈન (ઉ.વ ૫૧, રહે-૧૦૦૨, વૈશાલી એપાર્ટમેન્ટ એલ.બી.સીનેમા, ભટાર), બાબુલાલ બીષી જૈન (ઉ.વ.૬૭, રહે- સી/૧૦૧૧, શુકન રેસીડેંસી, હિલ્સ હાઇ વીધ્યાલય વેસુ), સોનુ અશોકભાઈ શેઠી (ઉ.વ.૪૨, રહે-૨૯૨, આગમ આર્કેડ, વિજયલક્ષ્મી હોલ પાસે, વેસુ) તથા રાજેશભાઈ નાથુભાઈ પટેલ (ઉ.વ ૫૦, રહે-૨૯૭, વિરભંજન સોસાયટી, શિવનગર,બમરોલી) ને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી દાવ ઉપરના રોકડા 10,700 રૂપિયા, વેપારીઓની અંગઝડતીમાંથી 49,500 રૂપિયા રોકડા મળ્યા હતા. પોલીસે કુલ 60,200 રૂપિયા રોકડ કબજે કરી હતી.

Most Popular

To Top