Gujarat

હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રામાં થયેલી હિંસા બાદ ભય: 50થી વધુ લોકો ઘર છોડવા મજબુર

સાબરકાંઠા: હિંમતનગરમાં રામનવમીનાં દિવસે નીકળેલી શોભાયાત્રામાં બનેલી પથ્થરમારાની ઘટના બાદ શહેરના વણઝારા વાસમાં વધુ એકવાર પથ્થરમારો થવાની ઘટના બની હતી. બે ટોળા સામસામે આવી ગયા હતા અને પેટ્રોલ-બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘટના સ્થળે ભેગી થયેલી ભીડને દુર કરવા માટે પોલીસ 6 ટિયરગેસના સેલ છોડ્યા હતા. સતત થઇ રહેલા પથ્થરમારા અને હુમલાના પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. જેથી હવે સ્થાનિક લોકો હિજરત કરવા મજબુર બન્યા છે.

પોલીસે સ્થાનિકોને સમજાવવાના પ્રયાસો કર્યા
સ્થાનિકોએ જણાવ્યું હતું, ગતરાત્રીનાં રોજ બનેલી ઘટના બાદ સતત હુમલા થવાનો ડર છે. જેના પગલે તેઓ આ શહેર છોડીને અન્ય સ્થળાંતર કરી રહ્યા છે.સવારથી ત્યાં રહેતા 50થી વધુ પરિવારો બાળકો અને ઘરવખરી સહિત હિજરત કરી રહ્યા છે. હિંમતનગરમાં વણજારાવાસમાં અથડામણ બાદ ભયનો માહોલ છવાયો છે. વણજારાવાસમાં રહેતા લોકો મકાનોને તાળાં મારીને અન્ય જગ્યાએ જઇ રહ્યા છે. હાલમાં પોલીસે તેમને સમજાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. વણજારાવાસમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. રાતે હુમલો કરનારા લોકોને શોધી તેમની અટકાયત કરવાની પણ શરૂઆત આવી છે.

ઘરમાં તોડફોડ કરીને માલસામાનની ચોરીનો આક્ષેપ
જૂથ અથડામણની ઘટનામાં ઘરમાં તોડફોડ કરીને માલસામાનની ચોરી થઈ હોવાનો પણ રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ રાત્રે ચાંદનગર અને હસનગરના લોકોએ હુમલો કર્યો હતો. ચાંદનગર અને હસનગરના વિસ્તારમાંથી ટોળું આવ્યું અને પેટ્રોલ-બોમ્બ ફેંકીને બે ઓરડી સળગાવી દીધી હતી.

શાંતિ સમિતિની મીટિંગની પાંચ કલાક બાદ ફરી હિંસા
ઉલ્લેખનીય છે કે રામનવમીનાં દિવસે પથ્થરમારા બાદ રાજ્યનો ગૃહ વિભાગ અને પોલીસ એક્શનમાં આવી ગયાં હતાં. ત્રણ જિલ્લાની પોલીસ, RAF અને SRPનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પરિસ્થિતિને થાળે પાડી ફરી કોઈ તોફાનો ન થાય એ માટે સોમવારે સાંજે જિલ્લા પોલીસવડા અને કલેકટરની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ શાંતિ સમિતિની મીટિંગની પાંચ કલાક બાદ મોડી રાત્રે ફરી હિંમતનગરના વણજારાવાસમાં બે જૂથો વચ્ચે અથડામણની ઘટના થઈ હતી. વણજારાવાસમાં પેટ્રોલ-બોમ્બ ફેંકવામાં આવ્યા હતા.

DGP અને ગૃહ રાજ્યમંત્રી હિંમતનગર દોડી ગયા
હિંમતનગરમાં હુમલાની ઘટના બાદ અશાંતિ ફેલાઈ છે. ઘટનાના પગલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી હિંમતનગરની મુલાકાત લેશે. કાયદો-વ્યવસ્થા મુદ્દે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરશે. હિંમતનગર એસપી ઓફિસ ખાતે આ ઉચ્ચ સ્તરીય બેઠક મળવાની છે. હાલ રાજ્ય પોલીસવડા અને ગૃહ રાજયમંત્રી હિંમતનગર પહોંચી ગયા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયા, ડીજી લો એન્ડ ઓડર નરસિમ્હા, રેન્જ આઈજી અભય ચૂડાસમા, એસપી સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહેશે. એમાં સ્થાનિક આગેવાનો પણ જોડાશે.

Most Popular

To Top