અમદાવાદ,
ઉનાળાના વેકેશન દરમિયાન મુસાફરોની વધતી જતી ભીડ અને ટિકિટની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા કચ્છના ગાંધીધામથી પશ્ચિમ બંગાળના માલદા ટાઉન વચ્ચે વિશેષ સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે.
રેલ્વેના સત્તાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રેન સંખ્યા 09463 (ગાંધીધામ-માલદા ટાઉન): આ ટ્રેન તારીખ 19 એપ્રિલ 2026 (રવિવાર) ના રોજ ગાંધીધામથી બપોરે 12:30 વાગ્યે પ્રસ્થાન કરશે અને ત્રીજા દિવસે એટલે કે મંગળવારે સવારે 09:10 વાગ્યે માલદા ટાઉન પહોંચશે.
ટ્રેન સંખ્યા 09464 (માલદા ટાઉન-ગાંધીધામ): વળતી દિશામાં આ ટ્રેન તારીખ 21 એપ્રિલ 2026 (મંગળવાર) ના રોજ માલદા ટાઉનથી સાંજે 17:35 વાગ્યે ઉપડશે અને ગુરુવારે બપોરે 15:30 વાગ્યે ગાંધીધામ પરત ફરશે.
આ ટ્રેન ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળના અનેક મુખ્ય સ્ટેશનોને જોડશે. માર્ગમાં આ ટ્રેન સામાખ્યાલી, રાધનપુર, ભીલડી, પાલનપુર, આબુ રોડ, અજમેર, જયપુર, આગ્રા, પ્રયાગરાજ, પટના અને ભાગલપુર જેવા મહત્વના સ્ટેશનો પર રોકાણ કરશે.
મુસાફરોની સુવિધા માટે આ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર ક્લાસ તેમજ જનરલ કોચની વ્યવસ્થા રાખવામાં આવી છે.
ટ્રેન સંખ્યા 09463 ગાંધીધામ–માલદા ટાઉન સ્પેશિયલ ટ્રેન માટેનું બુકિંગ આવતીકાલે એટલે કે 14 એપ્રિલ 2026 થી તમામ રેલ્વે પીઆરએસ (PRS) કાઉન્ટરો અને આઈઆરસીટીસી (IRCTC) ની વેબસાઇટ પર શરૂ કરવામાં આવશે.