સવારના સમયે એકટીવા પર આવેલા લૂંટારૂઓ મહિલાના ગળામાંથી રૂ. 1.05 લાખની સોનાની ચેઇન આંચકી ફરાર
વડોદરા તા.14
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં એકટીવાની ડ્રાઇવિંગ પ્રેક્ટિસ પૂરી કરીને ચાલતા ઘરે જઈ રહ્યા હતા. પેટ્રોલ પંપ પાસે એકટીવા પર બે ગઠીયા આવ્યા હતા અને મહિલા કઈ સમજે તે પહેલા જ પાછળ બેઠેલા શકશે તેમના ગળામાંથી રૂપિયા 1.05 લાખની સોનાની ચેન આંચકી લીધી હતી. મહિલાએ બુમરાણ મચાવી હોય લોકો ભેગા થઈ ગયા હતા અને ગઠિયાઓને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ ફરાર થઈ ગયા હતા.
હરણી વારસિયા રિંગ રોડ પાસે રહેતા પ્રિયંકાબેન કુમાર ખેમચંદ ચાંગલાની (ઉંમર 30)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, 01 એપ્રિલ 2026ના રોજ સવારે લગભગ 7:15 વાગ્યાના અરસામાં તેઓ એકટીવા શીખવા માટે કારેલીબાગમા આવેલા અડુકયો-દડુકયો ગ્રાઉન્ડ ખાતે ગયા હતા. ડ્રાઈવિંગ પ્રેક્ટિસ પૂરી કરીને તેઓ પગપાળા પરત ફરી રહ્યા હતા ત્યારે ગ્રાઉન્ડની બહાર, એચ.પી. પેટ્રોલપંપ પાસે, એકટીવા પર આવેલા બે અજાણ્યા શખ્સ નજીક આવ્યા હતા.
આ દરમિયાન પાછળ બેઠેલા શખ્સે તેમના ગળામાં પહેરેલી અંદાજે 9.410 ગ્રામ વજનની સોનાની ચેઇન આંચકી લીધી અને બંને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
ઘટના બાદ પ્રિયંકાબેન બુમાબુમ કરતાં આસપાસના લોકો ભેગા થયા હતા અને આરોપીઓને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ હાથમાં આવ્યા નહોતા. ચોરી ગયેલી ચેઇનની અંદાજિત કિંમત રૂપિયા 1.05 લાખ હોવાનું જણાવાયું છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે અજાણ્યા લૂંટારુઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે.