SURAT

જે રસ્તો સરકારે ફાળવણી નામંજૂર કરી દીધી એજ રસ્તો ભાજપના શાસકોએ બિલ્ડરોને આપી દીધો

સુરત : સરકારે સુસંગત નહીં હોવાનું જણાવ્યા છતાં પણ મનપા (SMC)ની ટીપી કમિટી (TP Committee)માં જાણીતા બિલ્ડર (builder) નરેશ શાહને રસ્તા (road)ની જગ્યા આપી દેતો ઠરાવ કરવામાં આવ્યો હતો. આ જગ્યા આપી દેવા સામે આપના વિપક્ષી કમિટી સભ્ય દ્વારા વિરોધ કરવામાં આવ્યો હોવા છતાં પણ ટીપી કમિટીમાં તેને ધ્યાને લેવામાં આવ્યો નહોતો અને બહુમતિના જોરે દરખાસ્તને મંજૂર કરી દેવામાં આવી હતી.

પીપલોદની વર્ષ 2003માં ટીપી સ્કીમ નં.6 તૈયાર કરવામાં આવી હતી. જેમાં ફા. પ્લોટ.નં ૧૭થી ૨૦, ૨૬ થી ૨૯ તથા ફાયનલ પ્લોટ નં. ૨૧ થી ૨૫ને લાગુ ૧૨ મી. પહોળાઇના ટી. પી. રસ્તાની જમીન આ પ્લોટના માલિક જાણીતા બિલ્ડર નરેશ શાહ (વિડીયો)ને આપી દેવા માટે સુરત મહાપાલિકા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ટી.પી.સ્કીમ બની ત્યારે ખાનગી પ્લોટની વચ્ચે 12 મીટરનો રસ્તો મુકાયો હતો. જમીન માલિકો બિલ્ડર નરેશ શાહ સહિતના અન્યોએ આ રસ્તો ડેડ એન્ડ હોવાથી જરૂર નહીં હોય પોતાના ફાયનલ પ્લોટ સાથે રસ્તાની જગ્યા જોડી દેવા માટે માંગણી કરી હતી તેમજ જંત્રીના ભાવે જમીન આપવા માંગણી કરી હતી.

જોકે, જે તે સમયે સરકાર દ્વારા આ રસ્તાની ફાળવણી નામંજૂર કરી દેવામાં આવી હતી. જે તે સમયે ભાજપના શાસકો દ્વારા સને 2019માં સરકારની નામંજૂરી છતાં પણ આ રસ્તાની 2985 ચો.મી. જગ્યા બિલ્ડરોને આપી દેવા માટે ઠરાવ કરી દીધો હતો. જેમાં ફાઈનલ ટીપી સ્કીમમાં વેરિએશન કરવાનો પણ નિર્ણય કરી દેવામાં આવ્યો હતો. આ ટી. પી. રસ્તા પૈકીની જગ્યાનો સમાવેશ લાગુ ૧૩ ફાઇનલ પ્લોટોમાં કરી દેવાયો છે. તેથી હવે ભવિષ્યમાં મોટું આયોજન બિલ્ડર કરી શકશે. જો કે આપના વિપક્ષી કમિટી સભ્ય દ્વારા બિલ્ડર નરેશ શાહના હિતમાં આ નિર્ણય કરાયો હોવાના આક્ષેપ સાથે લેખિતમાં વિરોધ કરી દરખાસ્ત પરત કરવાની માગણી કરવામાં આવી હતી, પરંતુ શાસકો દ્વારા મતદાન કરી બહુમતીના જોરે દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.

બિલ્ડર નરેશ શાહને જગ્યા આપી મનપાએ લોકોને રસ્તાનો ઉપયોગ કરતાં અટકાવ્યા છે: આપના સભ્ય

ટીપી કમિટીમાં આ રસ્તાની જગ્યાની ફાળવણી કરવાનો વિરોધ કરતાં આપના સભ્યએ જણાવ્યું હતું કે, આ રસ્તાની જગ્યાને આપી દેવા માટે સરકારમાં વારંવાર દરખાસ્ત મોકલવામાં આવી હોવા છતાં પણ તેને નામંજૂર કરી દેવામાં આવી હતી. સરકારે જે તે સમયે તેને સુસંગત નહીં હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ માલિકો દ્વારા આ જાહેર રસ્તાનો કોઈ ઉપયોગ નહીં કરતાં હોવાનું કહ્યું હતું. જ્યારે બીજી તરફ સ્થળ પર આ રસ્તાનો ઉપયોગ લોકોને કરતાં અટકાવવામાં આવ્યા છે અને હાલમાં આ જમીનનો કબજો હાલ કોની પાસે છે તે એક પ્રશ્ન છે.

સરકાર તૈયાર નહીં હોવા છતાં અને હાલમાં આ વિસ્તારમાં માર્કેટ ભાવ લાખોમાં હોવા છતાં જૂના જંત્રીના ભાવે આ મહામુલી જાહેર રસ્તાની જમીનની મફતના ભાવે લ્હાણી કરી ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યાને આવકારવામાં આવી રહ્યો છે. જેથી તેનો વિરોધ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top