Madhya Gujarat

આણંદની જમીનની ગુણવત્તા ચકાસવા નમુના લેવાશે

આણંદ : આણંદ જિલ્લામાં જમીનમાં રહેલા પોષક તત્વોની જાણકારી મેળવીને તેના આધારે ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરીને આર્થિક રીતે ઓછા ખર્ચે ફાયદાકારક ખેતી કરી શકે તે માટે બોરસદ ખાતે જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત કરવામાં આવી છે. જેમાં જમીનનું પૃથ્થકરણ માટે ગ્રામસેવક દ્વારા ખેડૂતની હાજરીમાં ગામ દીઠ 10 નમૂના લેવામાં આવી રહ્યાં છે. રાજયના ખેડૂતો પોતાની જમીનની ચકાસણી કરાવીને પોતાની જમીનમાં રહેલા પોષક તત્વોની જાણકારી મેળવીને તેના આધારે ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરીને આર્થિક રીતે ઓછા ખર્ચે ફાયદાકારક ખેતી કરી શકે છે.

સાથોસાથ ખેડૂતો તેમની જમીનનું પૃથ્થકરણ કરાવીને ખેતી પાકોને યોગ્ય અને સમતોલ માત્રામાં ખાતર આપી શકે છે, જેથી તેમની જમીનના સ્વાસ્થ્યમાં પણ સુધારો લાવી શકે છે. આ માટે આણંદ જિલ્લાના ખેડૂતો જમીનનું પૃથ્થકરણ કરાવી શકે તે માટે બોરસદ ખાતે જમીન ચકાસણી પ્રયોગશાળા શરૂ કરવામાં આવી છે. આ પ્રયોગશાળામાં ખેડૂતો તેમના જમીનનું પૃથ્થકરણ પ્રવર્તમાન દર મુજબ 15 જેવી નજીવી કિંમતે કરાવી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદના જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જિલ્લામાં ખેતીલાયક જમીનમાંથી ગામ દીઠ 10 નમુના લેવાની કાર્યવાહી કરવા અંગેની જિલ્લાના વિસ્તરણ તંત્રને સૂચનાઓ આપી દેવામાં આવી છે.

આ સૂચનાઓ અંતર્ગત ગ્રામસેવક દ્વારા ખેડૂતની હાજરીમાં ગામ દીઠ 10 નમૂના લેવામાં આવી રહ્યાં છે. આ નમૂનાઓ એકત્ર થયા બાદ જમીન ચકાસણી પ્રયોગશાળામાં તેનું પૃથ્થકરણ કરી જે ખેડૂતોની જમીનના નમૂના લેવામાં આવ્યા છે, તેવા ખેડૂતોને ચાલુ વર્ષે સોઇલ હેલ્થ કાર્ડ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી પૂર્ણ થયેથી ખેડૂતોને તેઓની જમીનનું સ્વાસ્થ્ય સુધારણા કરવામાં મદદરૂપ થવાની સાથે પાકનું આયોજન કરવામાં સરળતા રહેશે. જેનાથી ખેડૂતોને પણ મોટો ફાયદો થશે. તો જિલ્લાના ખેડૂતોને તેઓની ખેતીલાયક જમીનનું પૃથ્થકરણ કરાવી લેવા બોરસદ જમીન ચકાસણી પ્રયોગશાળાના મદદનીશ ખેતી નિયામક કે. જે. રાઠોડે એક યાદી દ્વારા જણાવ્યું છે.

Most Popular

To Top