Gujarat

ગુજરાતમાં ચૂંટણી પહેલા AAPએ જનતાને કહ્યું કે, ‘સત્તામાં આવીશું તો 200 યુનિટ વીજળી ફ્રી’

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) લઈને તમામ પાર્ટી (Party) ખૂબ સક્રિય બની રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી (AAP) પણ ગુજરાતમાં ભાજપને (BJP) ટક્કર આપવા માટે સજ્જ બની રહ્યું છે. આમ આદમી પાર્ટીએ પોતાનું જૂનું સંગઠન ભંગ કરી નવા સંગઠનના માળખાની જાહેરાત કરી છે. જો કે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હાલમાં જ યોજાયેલી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ મહેસાણાના રોડ શોમાં લોકોનો અદ્દભુત પ્રતિસાદ મળ્યો હતો. ત્યારે આજે આમ આદમી પાર્ટીએ ચૂંટણી પહેલા જ ગુજરાતની પ્રજાને રિજાવવા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી દીધી છે. 

આપના નેતા ગોપાલ ઇટાલિયાએ આજે જણાવ્યું હતું કે, ગઈકાલે રવિવારે નવા સંગઠનની પ્રથમ યાદીની જાહેરાત કરી હતી. ટૂંક સમયમાં જ બીજી યાદી જાહેર કરવામાં આવશે. જેમાં સંગઠનમાં સમાવેશ કરાયેલા તમામ લોકોને અભિનંદન પાઠવું છું. વધુમાં તેમણે કહ્યું કે જો ગુજરાતની જનતા આપને સત્તામાં લાવશે તો સૌને 200 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે. ગુજરાતમાં મોંઘી વીજળીને લઈને આગામી 15 જુનથી રાજ્યના તમામ જિલ્લામાં વીજળી આંદોલન કરવામાં આવશે.

ગોપાલ ઈટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે 16 જુનથી 24 જૂન સુધી મહા જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવશે. આ દરમિયાન સંગઠનના તમામ લોકો વિવિધ કાર્યક્રમો સોંપાશે. ગ્રાઉન્ડ પર જઈને લોકોની માંગણી પત્રકો ભરીશું કે લોકો શુ ઈચ્છે છે. અમે સરકાર સામે તમામ મોરચે લડી લેવાની માનસિકતા સાથે આગળ વધીશું. તેમણે જણાવ્યું કે ગુજરાતની પ્રજાને આપના આવવાથી નવો વિકલ્પ મળ્યો છે અને લોકોનો સારો એવો પ્રતિસાદ મળ્યો છે. તેમણે કહ્યું કે શિક્ષણ મુદ્દે અમે આક્રમ અવાજ ઉઠાવ્યો છે તેથી ભાજપ ગભરાઈ ગયું છે.

ગોપાલ ઈટાલિયાએ કહ્યુું કે વીજળી મેળવવો એ જનતાનો અધિકાર છે. પરંતુ અમે ગુજરાતમાં જોઇ રહ્યાં છીએ કે છેલ્લાં 27 વર્ષથી ભાજપની સરકાર સતત લોકોને લૂંટી રહી છે. લોકોએ ભાજપને વોટ આપ્યો અને ભાજપ મોંઘવારી વધારે છે. તે પછી ભલે શિક્ષણની વાત હોય કે પછી સ્વાસ્થ્યની વાત હોય અથવા તો પેટ્રોલ-ડીઝલની વાત હોય. સરકાર વીજળી પણ મોંઘી બનાવી દીધી છે. ગુજરાતમાં વીજળી મોંઘી મળી રહી છે તેનું કારણ ભાજપના નેતા અને વીજ અધિકારીઓની સાઠગાંઠ છે. ઉલ્લેખનીય છે કે આગામી 15મી જૂને તમામ ડિસ્ટ્રિક્ટ પ્લેસ પર ડિસ્ટ્રિક્ટના જે નેતા હશે તેઓ મીડિયા બ્રિફિંગ કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવાનું કામ કરશે. આ સાથે 16થી 24 તારીખ સુધી રાજ્યમાં મહાજનસંપર્ક અભિયાન ચલાવવામાં આવશે.

Most Popular

To Top